• શિવ પ્રગટ થયા અને નંદીને વરદાન માંગવા કહ્યું. ત્યારે નંદીએ સમગ્ર જીવનભર ભગવાન શિવનાં ચરણોમાં રહેવાની માંગ કરી

જ્યારે પણ આપણે શિવાલયમાં જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે માતા પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની સાથે શિવલિંગની પાસે નંદી પણ હાજર છે. હિંદુ ધર્મમાં નંદી ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસના દ્વારપાલ છે. આ ઉપરાંત બળદના રૂપમાં નંદી ભગવાન શિવનું વાહન પણ છે. દરેક શિવ મંદિરમાં મહાદેવની સાથે નંદી પણ અત્યંત પૂજનીય છે.

સંસ્કૃતમાં નંદીનો અર્થ સુખ અથવા આનંદ થાય છે. નંદીને શક્તિ, ક્ષમતા અને મહેનતનું પ્રતીક માનવામાં આવે છે. શૈવ પરંપરામાં નંદીને નંદીનાથ સંપ્રદાયના મુખ્ય ગુરુ પણ માનવામાં આવે છે. નંદી માત્ર ભગવાન શિવનું વાહન જ નથી, પરંતુ તેમના સાથી અને તેમના ગણોમાં સર્વોચ્ચ પણ છે. શું તમે જાણો છો કે નંદીનો જન્મ કેવી રીતે થયો હતો? તેનાં માતાપિતા કોણ હતાં? નંદી ભગવાન શિવના સૌથી વધુ પ્રિય કેવી રીતે બન્યા? નંદી ભગવાન શિવનું વાહન કેવી રીતે બન્યા? શા માટે શિવાલયમાં ભગવાન મહાદેવનાં દર્શન કરતાં પહેલાં નંદીનાં દર્શન કરવાં અને તેમની પૂજા કરવી અનિવાર્ય છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિવપુરાણની એક કથામાં છુપાયેલા છે.

પૌરાણિક કથા અનુસાર, એક સમયે ખૂબ જ ભક્તિવાન અને ઋષિ શિલાદ આ પૃથ્વી પર નિવાસ કરી રહ્યા હતા. આ શિલાદ ઋષિ તપસ્યાની સાથે સાથે ખેતીકાર્ય પણ કરતાં હતા. આથી સૌ કોઈ તેમણે કૃષક ઋષિ શિલાદ તરીકે ઓળખતા હતા. બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરતી વખતે એક વાર કૃષક શિલાદ ઋષિને ડર લાગવા લાગ્યો કે તેમના મૃત્યુ પછી તેમના સમગ્ર વંશનો નાશ થઈ જશે. આથી તેઓ એક બાળકને દત્તક લેવા માંગતા હતા, પરંતુ તેઓ ઈચ્છતા હતા કે તેઓ જે બાળકને દત્તક લે તે બાળક અત્યંત આધ્યાત્મિક હોવું જોઈએ અને તેના પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ હોવા જોઈએ.

પોતાની ઈચ્છા પૂરી કરવા માટે શિલાદ ઋષિએ ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી. તેઓ ઘણાં વર્ષો સુધી તપસ્યામાં લીન રહ્યા. શિલાદ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ હાજર થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. આથી શિલાદ ઋષિએ ભગવાન શિવ સમક્ષ પુત્રપ્રાપ્તિનું વરદાન માંગ્યું. ઋષિ શિલાદને ઇચ્છિત વરદાન આપીને ભગવાન શિવ અંતર્ધ્યાન થયા.

ભગવાન શિવની તપસ્યા બાદ જ્યારે શિલાદ ઋષિએ આંખો ખોલી ત્યારે તેમના ખોળામાં એક બાળક હતું. આ બાળકના ચહેરા પર એક અલગ જ અલૌકિક ચમક હતી. બાળકની આભા અત્યંત સુખકારી હતી. તેના ચહેરા પર આનંદ છલકાતો હતો અને બાળકને જોઈને શિલાદ ઋષિ પણ આનંદિત થઈ ગયા. આથી ઋષિ શિલાદે આ બાળકનું નામ નંદી રાખ્યું અને તેનું પાલનપોષણ કરવાનું શરૂ કર્યું. શિલાદ ઋષિ આ બાળક એટલે કે નંદીને અત્યંત પ્રેમ કરતાં હતા, પણ નિયતિએ નંદી માટે કંઈક બીજું જ લખ્યું હતું.

એક દિવસ મિત્ર અને વરુણ નામના બે સંતો ઋષિ શિલાદના આશ્રમમાં આવ્યા. શિલાદ ઋષિએ તેમનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું. નંદીએ પણ તેની ખૂબ સેવા કરી. વિદાય લેતી વખતે શિલાદ ઋષિ અને નંદીએ બંને સંતોના આશીર્વાદ લીધા. સંતોએ શિલાદ ઋષિને આયુષ્ય અને સમૃદ્ધિ માટે આશીર્વાદ આપ્યા, પરંતુ જ્યારે નંદીને આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે તેના કપાળ પર ચિંતાની રેખાઓ દેખાઈ. ઋષિ શિલાદને આ વાત તરત જ સમજાઈ ગઈ.

જ્યારે ઋષિ શિલાદ, ઋષિ મિત્ર અને વરુણ ઋષિને આશ્રમની બહાર મૂકવા ગયા ત્યારે તેમણે પૂછ્યું કે આ બંને સંતોએ નંદીને લાંબા આયુષ્યના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે બંને સંતોએ તેમને કહ્યું કે નંદી અલ્પજીવી છે. આ સાંભળીને શિલાદ ઋષિ અત્યંત ચિંતિત થઈ ગયા. પોતાના પિતાના મુખ પર ઊભરી આવેલી ચિંતા નંદી પારખી ગયા અને પોતાના પિતાને ચિંતાનું કમારાં પૂછ્યું. જે બાદ ઋષિ શિલાદે નંદીને સમગ્ર સત્ય હકીકત જણાવી.

પિતાની વાત સાંભળીને નંદી હસવા લાગ્યા. આશ્ચર્યચકિત થયેલા પિતાએ કારણ પૂછ્યું તો નંદીએ કહ્યું, `પિતાજી, ભગવાન શિવની કૃપાથી તમે મને પ્રાપ્ત કર્યો છે. જેમના પર ભગવાન શિવની કૃપા હોય, તેમને કોઈ મુશ્કેલી સ્પર્શી શકતી નથી.' એમ કહીને પિતાના આશીર્વાદ મેળવીને નંદી ભગવાન શિવની તપસ્યા કરવા જંગલમાં ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. નંદીની તપસ્યા અત્યંત કઠોર હતી, તેમનું ધ્યાન એટલું મજબૂત અને વિશ્વાસ એટલો દૃઢ હતો કે ભગવાન શિવને પ્રગટ થવામાં વધુ સમય ન લાગ્યો. શિવ પ્રગટ થયા અને નંદીને વરદાન માંગવા કહ્યું. ત્યારે નંદીએ સમગ્ર જીવનભર ભગવાન શિવનાં ચરણોમાં રહેવાની માંગ કરી. આથી ભગવાન શિવે નંદીને બળદનું મુખ આપ્યું અને તેનો પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો. સાથે જ નંદીને પોતાના ગણોમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું.

ભગવાન શિવના આશીર્વાદથી નંદી મૃત્યુના ભયથી મુક્ત થઈને અમર થઈ ગયા. ભગવાન શિવે ગણોના શાસક તરીકે નંદીનો અભિષેક કર્યો. આ રીતે નંદી નંદીશ્વર બન્યા. ભગવાન શિવે નંદીને વરદાન આપ્યું હતું કે જ્યાં તેઓ નિવાસ કરશે ત્યાં નંદી પણ વાસ કરશે. એવું માનવામાં આવે છે કે ત્યારથી શિવમંદિરમાં શિવલિંગની સાથે નંદીની પણ સ્થાપના કરવામાં આવે છે.

  • Follow us on: