`સર! રાત્રે હું ઘરે જ હતો. વહેલી સવારે સાત વાગ્યે હું મંદિરે ગયો ત્યારે મમ્મી એના રૂમમાં ઊંઘતી હતી.' `તને કોઈના પર શંકા છે?' `હા, સર! મારા પપ્પા કુલદીપસિંહના આત્મા પર શંકા છે!' લક્ષ્યના આ જવાબથી બધાં ચોંકી ગયા હતા
શિયાળાની ઠંડી મહાનગરી મુંબઈને આગોશમાં લઈને બેઠી હતી. 4 નવેમ્બર, 2018નો દિવસ. સવારના નવ વાગ્યા હતા. મુંબઈના અંધેરી વેસ્ટના ઓશિવારા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શૈલેશ પાલસકર રૂટિન કામ કરી રહ્યાં હતા ત્યાં જ એક ફોન આવ્યો, `સર, અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સની ક્રૌસગેટ સોસાયટી બિલ્ડિંગના બી વિંગના ફ્લેટ નંબર - 301માં એક મહિલાનું મર્ડર થઈ ગયું છે. એ મહિલા બોલિવૂડની પ્રસિદ્ધ હસ્તી છે. આપ જલદી પહોંચો.'
`આપ કોણ બોલો છો?' ઈ. પાલસકર પ્રશ્ન પૂછે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો. ઈ. પાલસકર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસને જોઈને ભીડ એકત્ર થઈ ગઈ. ઈ. પાલસકરે કહ્યું, `અમને આ ઘરમાં કંઈક અજુગતું બન્યાની બાતમી મળી છે. કોણ રહે છે અહીં ?' વાત કરતાં કરતાં એમણે ડોરબેલ વગાડ્યો. પાંચેક મિનિટ થઈ પણ કોઈએ બારણું ન ખોલ્યું. પડોશીએ માહિતી આપી, `સર, આ ફ્લેટમાં બોલિવૂડની પ્રસિદ્ધ મૉડેલ અને ફેશન ડિઝાઈનર સુનીતાસિંહ લાઠર અને તેનો દીકરો લક્ષ્યસિંહ રહે છે. લક્ષ્યસિંહની પ્રેમિકા એશપ્રિયા બેનર્જી પણ મોટાભાગે અહીં જ હોય છે.' વાતચીત ચાલતી હતી ત્યાં જ 23 વર્ષનો લક્ષ્ય આવી પહોંચ્યો. એણેય ડોરબેલ વગાડી પણ બારણું ન ખૂલ્યું. આખરે સૌ બારણું તોડી અંદર પ્રવેશ્યા. અંદરનું દૃશ્ય ચોંકાવી મૂકે તેવું હતું. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ફર્શ પર સુનીતાસિંહની લાશ પડી હતી. એના માથામાં ગંભીર ઘા હતો અને થોડું સુકાયેલું લોહી જામ થઈ ગયું હતું. મમ્મીને મરેલી પડેલી જોઈને લક્ષ્યસિંહ પોક મૂકીને રડી પડ્યો.
આ એક હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હતો એટલે થોડી જ વારમાં ત્યાં ડીસીપી મનોજ શર્મા પણ આવી પહોંચ્યા. ફોરેન્સિક લેબ.ની ટીમ સાથે એમણે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ઈ. પાલસકરને ઈન્વેસ્ટિગેશન સંબંધિત કેટલીક સૂચનાઓ આપી ત્યાંથી રવાના થયા. ઈ. પાલસકરે કેસ ફાઈલ કરીને સુનીતાસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે વિલેપાર્લેની કપૂર હોસ્પિટલમાં મોકલી આપી.
***
પોલીસ માટે આશ્ચર્યનો સવાલ એ હતો કે, ફોન કરીને પોલીસને લાશની જાણકારી આપનાર કોણ હતો? એને કેવી રીતે ખબર પડી કે રૂમ નંબર 301માં લાશ પડી છે? નંબરની તપાસ થઈ. પબ્લિક ટેલિફોન બૂથમાંથી ફોન થયો હતો. બૂથના માલિકે કહ્યું, `સાહેબ, અહીં તો અનેક લોકો આવે છે. મને ખબર નથી કે નવ વાગ્યે કોણ આવ્યું હતું.' વળી આસપાસ કેમેરા પણ નહોતા એટલે કંઈ કડી ન મળી. આખરે પોલીસે ફોન કરનારની તપાસ આદરી.
એ જ દિવસે સાંજે પોલીસે લક્ષ્યસિંહને બોલાવી પૂછપરછ કરી, `લક્ષ્ય, રાત્રે તું ક્યાં હતો?'
`સર! રાત્રે હું ઘરે જ હતો. વહેલી સવારે સાત વાગ્યે હું મંદિરે ગયો ત્યારે મમ્મી એના રૂમમાં ઊંઘતી હતી.'
`તને કોઈના પર શંકા છે?'
`હા, સર! મારા પપ્પા કુલદીપસિંહના આત્મા પર શંકા છે!' લક્ષ્યસિંહના જવાબથી ખળભળાટ મચી ગયો. પણ ઈ. પાલસકરે ધૈર્યથી વાત ચાલુ રાખી. લક્ષ્યએ કહ્યું, `સાહેબ, મારા પપ્પાનું નામ કુલદીપસિંહ લાઠુર છે. મારી મમ્મી અને એ ઘણાં વરસોથી જુદાં રહે છે. પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. મારી મમ્મી અવારનવાર અમને કહેતી હતી કે પપ્પાનો આત્મા એની પાસે આવીને વાત કરે છે. ક્યારેક તો આત્મા એવો હાવી થઈ જતો કે મમ્મી રાડારાડ કરી મૂકતી. વળી મમ્મીને દારૂ અને ડ્રગ્સની પણ ભારે લત લાગી ગઈ હતી. સાહેબ, મને કહેતાં પણ સંકોચ થાય છે કે મમ્મી સાવ ગાંડી થઈ ગઈ હતી. એ ક્યારેક એટલો ઓવરડોઝ નશો કરી લેતી કે મારી સાથે શારીરિક સંબંધોની માંગ કરતી. અવારનવાર એ મારી સાથે પૈસા બાબતે ઝઘડતી હતી. ગઈકાલે રાત્રે એણે ખૂબ જ ડ્રગ્સ લીધું હતું. એના રૂમમાંથી મને ચિત્રવિચિત્ર અવાજો આવી રહ્યાં હતા.'
`અમે સાંભળ્યું છે કે તારી પ્રેમિકા એશપ્રિયા બેનર્જી પણ મોટાભાગે તમારી સાથે રહેતી હતી.'
`હા, વિક એન્ડમાં એ હોય છે. એ મારી મંગેતર પણ છે. કાલે એ સાથે જ હતી પણ રાત્રે ચાલી ગઈ હતી.'
લક્ષ્યસિંહની પૂરતી પૂછપરછ કરીને ઈ.પાલસકરે એને રવાના કરી દીધો.
***
પોલીસ ભૂતપ્રેતની વાતમાં માનતી નથી પણ લક્ષ્યસિંહ હત્યાકેસને એ તરફ જ વાળી રહ્યો હતો. બીજી તરફ ફોન કરીને હત્યાની જાણકારી આપનારનો પણ હજુ સુધી કોઈ પતો નહોતો. દરમિયાન પોલીસે સુનીતાસિંહની જિંદગીની કુંડળી કાઢવા માટે એક ટીમ નીમી. ગણતરીના સમયમાં સુનીતાની જિંદગીનાં પાનાં ખૂલી ગયાં.
સુનીતાસિંહ લાઠુર મૂળ હરિયાણાના પાણિપતના અસંધ રોડસ્થિત અગ્રસેન કોલોનીમાં ઉછરી હતી. એના પિતાનું નામ રોહતાશ ઢાંડા. તેઓ પાણિપતના મોટા વેપારી હતા. સુનીતા ઉપરાંત તેમને એક દીકરો દેવેન્દ્ર ઢાંડા અને અન્ય એક દીકરી પણ હતી. સુનીતા એમાં સૌથી નાની. સુનીતા ભણવામાં હોશિયાર અને ખૂબ જ સુંદર અને મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. માયાનગરી મુંબઈમાં જઈને ફેશન ડિઝાઈનર તરીકે કરિયર શરૂ કરવાનું એનું સપનું હતું. જ્યારે જ્યારે એ મનીષ મલ્હોત્રા, નીતા લુલ્લા, રિતુ કુમાર જેવા ખ્યાત ફેશન ડિઝાઈનરના ફોટા મેગેઝિનમાં જોતી ત્યારે એનું સપનું વધારે તીવ્રતાથી ઝળકી ઊઠતું પણ સપનાં પૂરાં કરવા સુનીતા કંઈ પગલાં ભરે એ પહેલાં જ કરનાલમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના યુવક કુલદીપસિંહ લાઠુર સાથે એનાં લગ્ન થઈ ગયાં. સપનાંને છાતીમાં ધરબીને સુનીતા પરણી ગઈ. લગ્નજીવનનાં ત્રણ વર્ષમાં એ બે સંતાનોની માતા બની ગઈ. એક દીકરો લક્ષ્ય અને બીજી દીકરી આસ્થા.
પણ એ ખુશ નહોતી, કારણ કે કુલદીપસિંહ ખૂબ મોટો શરાબી હતો. એ દિવસ-રાત નશામાં ધૂત રહેતો. સુનીતાએ એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ માન્યો નહીં. આખરે એક દિવસ સુનીતા એને છોડીને પિયર આવી ગઈ. એણે ભાઈને ફેશન ડિઝાઈનર બનવાની વાત કરી. ભાઈએ સાથ આપ્યો અને એને મુંબઈ મોકલી. એ દરમિયાન સંતાનોને એણે બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી દીધાં હતાં.
મુંબઈ આવ્યા પછી સુનીતાએ પાછું વળીને જોયું નથી. ઘણા સંઘર્ષ બાદ એણે મુંબઈમાં ફેશન ડિઝાઈનર તરીકે પોતાનું આગવું નામ બનાવી લીધું. એ અત્યંત સુંદર હતી, કોઈ કહી શકે નહીં કે એ બે સંતાનોની માતા હશે. મિત્રોની સલાહ પર એણે મૉડેલિંગ પણ શરૂ કરી દીધું.
પછી તો એની શોહરત આકાશની બુલંદીએ આંબવા લાગી. દરમિયાન કુલદીપ સુધરી ગયો હતો. એણે સુનીતાને સાથે રહેવા ખૂબ આગ્રહ કર્યો પણ સાથે રહેવાને બદલે સુનીતાએ એની સાથે છૂટાછેડા લઈ લીધા. હવે છોકરાઓ જુવાન થઈ ગયાં હતાં. સુનીતાએ લક્ષ્ય અને આસ્થાને પોતાની પાસે મુંબઈ બોલાવી લીધાં અને એશો-આરામથી હાઈપ્રોફાઈલ જિંદગી જીવવા લાગ્યાં.
આપણે ત્યાં કહેવત છે કે, બિલાડી ઘી હજમ ન કરી શકે. સુનીતાના કિસ્સામાં પણ એવું જ થયું. એ સફળતા પચાવી ન શકી. એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી ગઈ. એટલું જ નહીં એણે દીકરાને પણ ડ્રગ્સના રવાડે ચડાવી દીધો. દીકરીને આ બધું ગમતું નહીં આથી એ નાના-નાની પાસે પાણિપત ચાલી ગઈ. ડ્રગ્સ અને દારૂના નશામાં સુનીતા એટલી ડૂબી ગઈ કે એને કામ મળવાનું પણ બંધ થઈ ગયું. બાદમાં એણે લક્ષ્યને મૉડેલિંગમાં મૂક્યો. ખ્યાતનામ હસ્તીઓએ એને સહયોગ કર્યો પણ ડ્રગ્સના નશાને કારણે એનું કામ પણ બહુ ન ચાલ્યું. મા-દીકરો આર્થિક રીતે પડી ભાંગ્યાં. ઘરમાં રોજરોજ ઝઘડા થવા લાગ્યા. દરમિયાન લક્ષ્યને એશપ્રિયા સાથે પ્રેમ થયો અને ગાડું ચાલવા લાગ્યું.
ઈ. પાલસકર સામે સુનીતાસિંહની આખી કુંડળી ખુલ્લી પડી હતી. એ કંઈક વિચારી રહ્યા હતા ત્યાં જ માહિતી આપનાર ઈન્સ્પેક્ટરે કહ્યું, `સાહેબ, અસલી માહિતી તો હવે આપું છું. લક્ષ્યસિંહને એની માએ કહ્યું હતું કે એના પિતા મરી ગયા છે પણ એ વાત ખોટી છે. કુલદીપસિંહ તો જીવે છે. શરાબના લીધે એનું જીવન બરબાદ થયું હતું. એનાં સંતાનો એનાથી અલગ થયાં હતાં એટલે એણે શરાબ જ છોડી દીધો. અત્યારે એ રિહેબિલિટેશન સેન્ટરમાં કાઉન્સેલિંગનું કામ કરે છે. મમ્મીમાં પિતાનો આત્મા આવતો હોવાની લક્ષ્યની વાત સાવ ખોટી છે. બીજી મહત્ત્વની વાત કે સુનીતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. એના શરીર પર મારનાં અસંખ્ય નિશાન છે અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ માથામાં કઠણ પદાર્થ વાગવાથી તેનું મૃત્યુ થયું છે. યાની કી મર્ડર !'
મૉડેલ અને ફેશન ડિઝાઈનર સુનીતાસિંહનો કેસ એક કોયડો બનીને ઈ. પાલસકરના મગજમાં ઘૂમરાઈ રહ્યો હતો. શું લક્ષ્યસિંહ ખોટું બોલે છે? શું એણે જ હત્યા કરી છે ? શું કુલદીપસિંહ બદલો લેવા આવ્યો હશે ? એણે હત્યા કરી હશે કે પછી બીજું જ કોઈ હશે ? આ બધા પ્રશ્નો ઈ. સાલસકરના દિમાગમાં ઉપસી રહ્યા હતા. એનું સિક્રેટ આવતા અઠવાડિયે.










