• માતા પાર્વતી જંગલમાં ઝાડ નીચે બેસી કઠોર તપ કરતા હતા એ સમયે ભૂખ્યો સિંહ ત્યાં આવી ચડ્યો

આપણે સૌ જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મમાં દરેક ભગવાન અને દેવીનું પોતાનું અલાયદું વાહન છે. જેમ કે, શિવ શંકરનું વાહન નંદી, ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ, શ્રી ગણેશનું વાહન મૂષક અને મા દુર્ગાનું વાહન સિંહ છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓનાં વાહન સાથે પણ અત્યંત ગૂઢ દાર્શનિક અને આધ્યાત્મિક પ્રતીકાત્મક સંદેશાઓ સંતાયેલા છે. આ પ્રાણીઓ અલગ અલગ દેવી-દેવતાઓનાં વાહન કેવી રીતે બન્યાં અને તેની પાછળનું કારણ શું હતું? એ જાણવું પણ અત્યંત રસપ્રદ છે.

સમગ્ર વિશ્વ જાણે છે કે શક્તિ સ્વરૂપ મા દુર્ગાનું વાહન સિંહ છે. આથી જ મા દુર્ગાને `મા શેરાવાલી' પણ કહેવામાં આવે છે, પરંતુ આ સિંહ માતાનું વાહન કઈ રીતે બન્યા તે માટે બે અલગ અલગ કથાઓ પ્રચલિત છે. મા દુર્ગા આદિશક્તિ દેવી પાર્વતીનું મૂર્ત સ્વરૂપ છે. દેવી પાર્વતી હિમાલય રાજાની પુત્રી હતાં. બાળપણમાં જ તેમણે ભગવાન શિવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા તેથી તેઓ હંમેશાં ભગવાન શિવની ભક્તિ અને પૂજામાં મગ્ન રહેતા હતા.

એક કથા એવી છે કે, મા પાર્વતીએ ભગવાન શિવની સાથે લગ્ન કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાનું નક્કી કર્યું. આથી તેઓએ ભગવાન શિવની કઠોર તપસ્યા આરંભી. ઘણાં વર્ષોની તપસ્યા બાદ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ હાજર થયા અને મા પાર્વતીને લગ્ન કરવાનું વચન આપ્યું. જે બાદ ભગવાન શિવ અને મા પાર્વતી બંનેનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયાં, જેમાં તમામ દેવી-દેવતાઓ, ઋષિઓ અને ગણો હાજર રહ્યાં.

ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે વર્ષો સુધી કરેલી કઠોર તપસ્યાના પરિણામે દેવી પાર્વતીનો રંગ કાળો (શ્યામ) થઈ ગયો હતો. આથી એક દિવસ કૈલાસ પર્વત પર બેસીને મજાક કરતા હતા ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને `કાલી' કહીને સંબોધ્યાં. પોતાને `કાલી' તરીકે સંબોધતા સાંભળીને દેવી પાર્વતી ક્રોધિત થઈ ગયાં અને કૈલાસ છોડીને પોતાનો વર્ણ સફેદ થાય એટલે કે ગોરા રંગની પ્રાપ્તિ માટે તપસ્યા કરવા જંગલમાં ગયાં.

મા પાર્વતી જંગલમાં એક ઝાડ નીચે બેસીને કઠોર તપ કરવા લાગ્યા. આ દરમિયાન એક દિવસ અચાનક જ એક ભૂખ્યો સિંહ ત્યાં આવી ચડ્યો. આ સિંહ પોતાની ભૂખ સંતોષવા માટે દેવી પાર્વતીની નજીક જતો રહ્યો, પરંતુ દેવી પાર્વતીની તપસ્યા એટલી તીવ્ર હતી કે સિંહ તેમને સહેજ પણ હાનિ પહોંચાડી શક્યો નહીં. અને સિંહ માતાની તપસ્યા પૂરી થવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો. માતા પાર્વતીની તપસ્યામાં ઘણાં વર્ષો વીતી ગયાં. તે સિંહ આટલાં વર્ષો સુધી તેમની પાસે બેઠો રહ્યો. એક ક્ષણ માટે પણ તે પોતાની જગ્યાએથી ખસ્યો નહીં.

અંતે દેવી પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ હાજર થયા અને તેમને ગોરા રંગનું વરદાન આપ્યું. વરદાન પ્રાપ્ત કર્યા પછી, ભગવાન શિવની સૂચના અનુસાર દેવી પાર્વતી ગંગાના કિનારે પહોંચ્યાં. ગંગામાં સ્નાન કર્યા પછી તેમની અંદરનું શ્યામ સ્વરૂપ દેવીના રૂપમાં બહાર આવ્યું અને તેમણે ગોરો રંગ પ્રાપ્ત કર્યો. ત્યારથી મા પાર્વતીને `મા ગૌરી' પણ કહેવામાં આવે છે જ્યારે મા પાર્વતીના શ્યામ સ્વરૂપને `દેવી કૌશકી' કહેવામાં આવે છે.

જ્યારે માતા પાર્વતી ગંગાસ્નાન કરીને બહાર આવ્યાં ત્યારે તેમને તેમની તપસ્યાના સ્થળે એક સિંહ બેઠેલો જોવા મળ્યો. પાછળથી માતા પાર્વતીને જાણ થઈ કે, આ સિંહ ભૂખ્યો હતો અને પોતાની ક્ષુધા સંતોષવા માટે માતા પાર્વતી પાસે આવ્યો હતો, પરંતુ દેવીને તપસ્યામાં લીન જોઈને તેમની બાજુમાં વર્ષો સુધી અન્ન-જળ ગ્રહણ કર્યાં વગર બેઠો રહ્યો હતો. આથી માતા પાર્વતી સિંહના ભક્તિભાવથી અત્યંત ખુશ થઈ ઊઠ્યાં. જે બાદ તેમણે સિંહને પોતાનું વાહન બનાવ્યું

સિંહ માતા પાર્વતીનું વાહન કઈ રીતે બન્યો તેની અન્ય એક વાર્તા પણ પ્રચલિત છે. સ્કંદપુરાણમાં આ વાર્તાનો ઉલ્લેખ છે. જે મુજબ ભગવાન શિવ અને મા પાર્વતીનાં લગ્ન થવાનું સૌથી મોટું કારણ ભગવાન કાર્તિકેયના જન્મનું હતું, કારણ કે એ સમયે તારકાસુર નામના રાક્ષસનો ત્રાસ અત્યંત વધારે હતો. સમગ્ર દેવતાગણ અને ઋષિગણ આ રાક્ષસના ત્રાસથી ત્રાહિમામ્ હતા. આ રાક્ષસના વધ માટે ભગવાન શિવનો પુત્ર ધરતી પર અવતરે તે જરૂરી હતું. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ બાદ કાર્તિકેયનો જન્મ થયો. જે બાદ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય અને રાક્ષસ તારકાસુર અને તેના બે ભાઈઓ સિંહમુખમ અને સુરપદ્મન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં ભગવાન કાર્તિકેયે તારકાસુરને હરાવ્યો હતો અને તેનો વધ કર્યો હતો. હાર પછી સિંહમુખે કાર્તિકેયની માફી માંગવાનું શરૂ કર્યું. કાર્તિકેયે તેને માફ કરી દીધો અને તેનું સિંહમાં રૂપાંતર કર્યું અને તેને દેવી દુર્ગાનું વાહન બનવાનું વરદાન આપ્યું. ત્યારથી સિંહમુખે સિંહનું સ્વરૂપ ધારણ કરીને મા દુર્ગાનું વાહન બનીને તેમની સેવા કરવાનું સ્વીકાર્યું.


  • Follow us on: