એક સરસ મજાનું ક્વોટ હમણાં વાચ્યું, `ઇતના મત બોલીએ કે લોગ આપકે ચૂપ હોને કા ઇંતજાર કરે, બલકિ ઇતના બોલકર ચૂપ હો જાયે કિ લોગ આપકે દોબારા બોલને કા ઇંતજાર કરે.' સામાન્ય રીતે આપણે બોલે તેનાં બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ એ બે વિરોધી માનસિકતા વચ્ચે અટવાઇએ છીએ. શબ્દનું જેટલું વજન છે એટલું જ વજન યોગ્ય સમયનાં મૌનનું છે. ઘણી વખત ન બોલાયેલા શબ્દો વધુ અસરકારક સાબિત થઇ શકે. યોગ્ય સમયે પોતાના મતની અભિવ્યક્તિ કરવી, પોતાના સન્માન માટે લડવું અને અન્યાય સામે ચૂપ ન રહેવું.

એ બોલવા માટેના અવસર છે. આપણા જીવનમાં રોજ એકાદ-બે ક્ષણો એવી આવે છે કે ગુસ્સો, હતાશા, દુઃખ કે વિરોધ શબ્દરૂપે પ્રગટતાં રહે. જેનું હકારાત્મક અને નકારાત્મક બંને પરિણામ આવી શકે. જ્યારે હકારાત્મક પરિણામ આવે ત્યારે બોલવું અને નકારાત્મક પરિણામનો અંદેશો હોય ત્યારે શબ્દોને ગળી જવા એ મોટો પડકાર છે. આ શબ્દો ગળી જતાં જેને આવડે તે એટલિસ્ટ સંબંધોના જંગમાં તો જીતી જ જાય છે. જે યોગ્ય સમયે બોલે છે એ ખુદ જીતે છે, પરંતુ યોગ્ય સમયે ચૂપ રહે છે એ બંને પક્ષને જિતાડે છે.

માણસે ક્યારે ચૂપ રહેવું? એ કોમનસેન્સનો સવાલ છે. છતાં કેટલાક સંજોગો એવા હોય છે કે એમાં ચુપકીદી જ આવકાર્ય છે. જેમ કે, જ્યારે આપણને આખી વાતની ખબર ન હોય ત્યારે શિખામણ આપવી, ટીકા કરવી કે વચમાં બોલવું એ મૂર્ખામી છે. આમ કરવાથી બની શકે સામી વ્યક્તિ અપમાનિત કરે અથવા આપણે એમને મિસગાઇડ કરીએ. પૂરી વાત સાંભળ્યા વિના બોલનાર દોઢડાહ્યામાં ખપે છે અને નૈતિક રીતે પણ જે વસ્તુનું તમને પૂરું નોલેજ નથી એમાં બોલવું એ ખોટું છે. અગર સામી વ્યક્તિ નાદાન હોય તો આપણી સલાહથી એને નુકસાન થઇ શકે. અધૂરું જ્ઞાન હંમેશાં નુકસાનકારક હોવાથી મૌન રહેવું બહેતર છે.

જ્યારે માણસ ખૂબ ઇમોશનલ હોય ત્યારે એના શબ્દો વ્યાવહારિક નથી હોતા. વ્યક્તિ વધારે પડતી લાગણીથી, દુઃખથી, આઘાતથી કે બેવફાઇ જેવી પીડાથી ઇમોશનલ બને ત્યારે ખુદ પર કંટ્રોલ નથી હોતો. એ જે વિચારે છે એમાં વાસ્તવિકતા અને તર્ક નહીં, પરંતુ એકપક્ષીય લાગણીનો ઊભરો હશે. દાખલા તરીકે પરિવારમાં કોઇ યુવાન સ્વજનનું મૃત્યુ થાય અને એમના પરિવારના ભવિષ્યનું પ્લાનિંગ થતું હોય ત્યારે નજીકની વ્યક્તિનાં ઇમોશન ચરમસીમા પર રહેવાનાં. એથી એમનો મત, નિર્ણય કે ટીકા વાસ્તવિક નહીં હોય. એ જે બોલશે એ માત્ર લાગણી અને પીડાનો પડઘો હશે. એમની તાકાત નહીં હોય તો પણ એ પાંચ લાખની મદદની વાત કરશે અને જ્યારે પૈસા આપવાના આવશે ત્યારે પોતે તકલીફમાં રહેશે અથવા ફરી જશે. છેવટે એની લાગણી મજાક બનશે.

એ જ રીતે માણસ જ્યારે અતિ ગુસ્સામાં હોય ત્યારે શું બોલવું અને શું ન બોલવું એનું ભાન નથી હોતું. ગુસ્સામાં બોલાયેલા શબ્દો ભાગ્યે જ સાચા હોય છે અને સાચા હોય તો પણ એની કિંમત નથી થતી. પ્રાયઃ ગુસ્સો હોય ત્યારે બોલવાથી ખુદની અને સામી વ્યક્તિ બંનેની પીડા વધે છે. દલીલ ઝઘડામાં રૂપાંતર થાય છે. ખોટા નિર્ણયો લેવાય અને સંબંધોમાં કડવાશ આવે. તેમ છતાં જીવનમાં એવી ક્ષણ આવે કે આપણે બોલ્યા વિના ન રહી શકીએ અને એ બોલાયેલા શબ્દો અન્યને હર્ટ કરી શકે એની આપણને જાણ હોય ત્યારે ચૂપ રહેવું જોઇએ. આ ચુપકીદી સંબંધોને બચાવશે. સંબંધોને બચાવવા માટે એક ક્ષણની ચુપકીદી એક શબ્દ કરતાં વધુ અગત્યની સાબિત થઇ શકે. ખોટા શબ્દો અથવા અયોગ્ય સમયે બોલાયેલા શબ્દો કરતાં સમયસરનું મૌન જરૂરી છે.

અન્ય સંબંધો કરતાં ફ્રેન્ડશિપનો સંબંધ રાખો છે તેથી મોટાભાગના લોકો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે, તેથી કડવા શબ્દો બોલતા અચકાતા નથી. દોસ્તીમાં પણ એક ક્ષણ એવી આવે છે કે શબ્દ દોસ્તી ખતમ કરી નાંખે છે. વાસ્તવિકતા, સત્ય, લાભ, હાનિ વગેરે ગમે તેટલાં બળકટ હોય, પરંતુ મૌનથી દોસ્તી બચતી હોય તો મૌનને ઉપર રાખી દોસ્તી બચાવવી જોઇએ. બીજું, જ્યારે માણસ પીડામાં હોય ત્યારે એને એની પીડા સિવાય બીજું કશું દેખાતું નથી અને એ પોતાની પીડા માટે દરેક વ્યક્તિને જવાબદાર ગણે છે. અજાણતાં એના મુખમાંથી ન બોલવાના શબ્દો બોલાઈ શકે અને સામી વ્યક્તિને હર્ટ કરી શકે. આપણી પીડા બીજાની પીડા બને એનાં કરતાં મૌન રહેવું વધુ બહેતર છે.

કેટલીક વાર વાત કે શબ્દો ખૂબ સામાન્ય હોય અને કોઇ ખોટા ઉદ્દેશ વિના સહજતાથી બોલાયેલા હોય, પરંતુ એનાંથી બોન્ડિંગ તૂટી, સંબંધોમાં કડવાશ આવે, સામી વ્યક્તિનું સ્વમાન ઘવાય ત્યારે સહજ અને સામાન્ય સંવાદ પણ ટાળવો જોઇએ. યોગ્ય સમયનું મૌન હજારો શબ્દો કરતાં બળકટ બની સંબંધો બચાવી શકે.