• મહાત્મા ગાંધીએ છેક 1938માં ઇઝરાયેલને પેલેસ્ટાઇનના માથે થોપવાનો વિરોધ કર્યો હતો

આઝાદી પછી ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન પર ભારતનું વલણ પેલેસ્ટાઇનના લોકો પ્રતિ સહાનુભૂતિ અને સમર્થનનું રહ્યું હતું. તેનું કારણ એ હતું કે આઝાદી પહેલાંના ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણી સમાનતાઓ હતી. બંને ઉપનિવેશવાદની પરાધીનતાનો શિકાર હતા અને બંનેને વિભાજનની પીડા સહન કરવી પડી હતી

7મીઓક્ટોબરના રોજ, પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટીમાં શાસન કરતા હમાસ નામના આતંકી સંગઠને ઇઝરાયેલ પર ઘાતકી હુમલો કર્યો, તે પછી ઇઝરાયેલે તેની સામે ઘોષિત કરેલું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. ઇઝરાયેલે જાહેર કર્યું છે કે હમાસનો સફાયો ન થાય, ત્યાં સુધી તેનું આક્રમણ અટકવાનું નથી. ત્યાં સુધી કે ઇઝરાયેલના એક મંત્રી અમિચાઈ ઇલિયાહુએ તો એવું પણ કહ્યું છે કે ગાઝા પટ્ટી પર ન્યુક્લિયર બોમ્બ ફેંકવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. એનો અર્થ એ થયો કે આ લડાઈ જલદી ખતમ થાય તેમ લાગતું નથી અને એ જેમ લંબાશે તેમ તેનો વ્યાપ વધે અને અન્ય દેશોને પણ એમાં ખેંચે તેવી સંભાવના છે. એવું થાય તો મધ્ય પૂર્વમાં અને વિશ્વમાં એક લાંબી અસ્થિરતા ઊભી થશે.

ઇતિહાસ સાક્ષી છે કે દેશો વચ્ચેના સંઘર્ષ જલદી ખતમ થતા નથી. એ એવા જખ્મ હોય છે, જે સતત વહેતા રહે છે. રાજકીય, આર્થિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જેવાં અનેક જટિલ પરિબળોને કારણે દેશો વચ્ચે સંઘર્ષોનું સમાધાન થતું નથી અને તે પેઢી દર પેઢી પીડા, તણાવ અને અસ્થિરતાનું કારણ બને છે. જીવંત ઘાની જેમ, દેશો વચ્ચેના સંઘર્ષો સતત વેદના આપતા હોય છે. રશિયા-યૂક્રેન વચ્ચે આવું જ થઈ રહ્યું છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ આવો જ એક જીવતો ઘા છે, જેને સમયસર રૂઝાવવામાં ન આવ્યો એટલે હવે તે વકરી ગયો છે. બંને વચ્ચેની મૂળભૂત સમસ્યા જમીન પર પ્રાદેશિક વિવાદ અને આ પ્રદેશમાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વના વિરોધાભાસી દાવાઓ છે. આ વિવાદ એક સદી જૂનો છે. તેના કેન્દ્રમાં જેરુસલેમ છે. પેલેસ્ટાઇનીઓ ઇચ્છે છે કે પૂર્વ જેરુસલેમ, જેમાં મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટેનાં પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે, તે તેમના રાજ્યની રાજધાની બને. ઇઝરાયેલનું કહેવું છે કે જેરુસલેમ તેની અવિભાજ્ય અને શાશ્વત રાજધાની રહેવી જોઈએ. જેરુસલેમના પૂર્વીય ભાગ પર ઇઝરાયેલનો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી.

જેમ શરીરના ઘાની બેદરકારી કરવામાં આવે અને તે ઉત્તરોત્તર બીજી બીમારીઓને જન્મ આપે, એવી જ રીતે આ કિસ્સામાં પણ શરૂઆતમાં જમીનના ટુકડાની માલિકીના વિવાદમાં કાળક્રમે બીજી અનેક સમસ્યાઓ અને ફરિયાદોને જન્મ આપ્યો છે અને હવે તે પૂરા વિશ્વને વિભાજિત કરી નાખે તેવી સ્થિતિએ પહોંચી ગયો છે. તાજેતરની ઘટનાના સંદર્ભમાં પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ ભારતને તેની ભૂમિકા નિભાવવાની અપીલ કરી છે. તેમણે એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,`પેલેસ્ટાઇનના મુદ્દે ભારતનો સહયોગ મહાત્મા ગાંધીના સમયથી ચલતો આવે છે. ભારત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું મિત્ર છે અને તે તણાવ ઓછો કરવા તેમજ પેલેસ્ટાઇન મુદ્દે સમાધાનમાં યોગદાન આપવા સક્ષમ છે.'

રાજદૂતે તેમના નિવેદનમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો તે નોંધપાત્ર છે. ગાંધીજી આજે હોત તો તેમણે નિશ્ચિતપણે હમાસના આતંકની ટીકા કરી હોત, પરંતુ જ્યાં સુધી સંઘર્ષના રાજકીય-સામાજિક પાસાંની વાત છે ત્યાં સુધી તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતા. આઝાદી પછી ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન પર ભારતનું વલણ પેલેસ્ટાઇન લોકો પ્રતિ સહાનુભૂતિ અને સમર્થનનું રહ્યું હતું. તેનું કારણ એ હતું કે આઝાદી પહેલાંના ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણી સમાનતાઓ હતી. બંને ઉપનિવેશવાદની પરાધીનતાનો શિકાર હતા અને બંનેને વિભાજનની પીડા સહન કરવી પડી હતી.

તે વખતે ગાંધીસહિત ઉપનિવેશવાદ વિરોધી ભારતીય નેતાઓએ યહૂદીઓની માતૃભૂમિ માટે પેલેસ્ટાઇન પર જબરદસ્તી કબજો કરવાની ટીકા કરી હતી અને એમાંથી જ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદના શાંતિપૂર્ણ સમાધાનની સ્વતંત્ર ભારતની એક નીતિ તૈયાર થઈ હતી.

ગાંધીજીએ તેમના `હરિજન' સામયિકમાં છેક 1938માં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદને લઈને લખ્યું હતું, `મારી સહાનુભૂતિ યહૂદીઓ સાથે છે. હું તેમને દક્ષિણ આફ્રિકાથી સારી રીતે જાણું છું. તેમાંના કેટલાક આજીવન સાથી બની ગયા. આ મિત્રો દ્વારા મને તેમની ઉપરના અત્યાચાર વિશે ઘણું જાણવા મળ્યું. તેઓ ખ્રિસ્તી ધર્મમાં અસ્પૃશ્ય રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા તેમની સાથે કરવામાં આવતી વર્તણૂક અને હિંદુઓ દ્વારા અસ્પૃશ્યો સાથે કરવામાં આવતી વર્તણૂક વચ્ચે સમાનતા છે...પણ મારી સહાનુભૂતિ મને ન્યાય પ્રત્યે આંધળી નથી કરતી. યહૂદીઓ માટે રાષ્ટ્રની માંગણી મને આકર્ષિત કરતી નથી. પૃથ્વી પરના બાકી લોકોની જેમ, જે દેશમાં તે જન્મ્યા હોય અને જીવનનિર્વાહ કરતા હોય એ જ તેમનું વતન કેમ ન હોય? પેલેસ્ટાઇન એ જ રીતે આરબોનું છે, જે રીતે ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અથવા ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે. યહૂદીઓને આરબો પર લાદવા એ ખોટું અને અમાનવીય છે.'

મહાત્મા ગાંધીએ લખ્યું હતું, `યહૂદીઓને આરબોને પર થોપાવવાનું ખોટું અને અમાનવીય છે. પેલેસ્ટાઇનમાં આજે જે ચાલી રહ્યું છે, તેને કોઇ પણ નૈતિક આચારસંહિતા દ્વારા ઉચિત ઠેરવી ન શકાય.'

એ જ રીતે, ભારતના પહેલા વડાપ્રધાન પંડિત નહેરુએ કહ્યું હતું, `પેલેસ્ટાઇન મૂળભૂત રીતે એક આરબ દેશ છે અને તે એમ જ રહેવો જોઈએ. પોતાની માતૃભૂમિ માટે યહૂદીઓને અધિકાર છે પણ તે આરબ લોકોની માતૃભૂમિની કિંમત પર નહીં.'

તેઓ માનતા હતા કે, `પેલેસ્ટાઇનના યહૂદીઓ ભૂલ કરી રહ્યા છે. તેમણે પેલેસ્ટાઇનમાં રહેવું હોય તો પણ, બ્રિટિશ બંદૂકોના પડછાયામાં ત્યાં જવું ન જોઈએ. બંદૂકની અણીએ કે બોમ્બથી ધાર્મિક ક્રિયા ન થાય. તેમણે આરબોનાં દિલ જીતીને ત્યાં વસવું જોઈએ. જે ઈશ્વર આરબોના દિલમાં છે, તે જ ઈશ્વર યહૂદીઓના દિલમાં છે. તેઓ બ્રિટિશરોની બંદૂકોને ત્યજી દે તો આરબોને મનાવાના હજારો રસ્તાઓ છે. હું આરબોના અત્યાચારને ઉચિત નથી ઠેરવતો. તેમના દેશમાં થયેલી ઘૂસણખોરીનો તેમણે અહિંસાથી વિરોધ કર્યો હોત તો સારું થાત.'

જર્મનીમાં નાઝીઓના હાથે યહૂદીઓનો સામૂહિક નરસંહાર શરૂ થયો તે પહેલાં, 1938માં ગાંધીજીએ આ લેખ લખ્યો હતો અને તેમાં તેમણે દલીલ કરી હતી કે યહૂદી લોકોને વિશ્વના નાગરિક ગણવા જોઈએ. જેમ કે, ફ્રાન્સમાં જન્મેલા યહૂદી સાથે ફ્રેન્ચ જેવો, જર્મનીમાં જન્મેલા યહૂદી સાથે જર્મન જેવો વ્યવહાર થવો જોઈએ. ગાંધીજીએ જર્મન યહૂદીઓને જર્મન સતામણીનો સામનો કરવા માટે અહિંસક નાગરિક ચળવળનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

જોકે, યહૂદીઓના નરસંહાર અને બીજા વિશ્વયુદ્ધ પછી સ્થિતિ બદલાઈ ગઈ અને યહૂદીઓના અલગ રાષ્ટ્રની માંગમાં બ્રિટન કટ્ટર બની ગયું. 45 વર્ષ સુધી ભારતે ઇઝરાયેલને માન્યતા જ આપી નહોતી. આજે એ સ્થિતિ પણ બદલાઈ ગઈ છે. આજે ભારત ઇઝરાયેલની પડખે અડીખમ ઊભું છે. ગાંધીજી આજે હોત તો શું કરત?

  • Follow us on: