સદીઓથી મનુષ્ય કોઈ પણ રીતે હવામાં ઊડવાનું સ્વપ્ન જોતો આવ્યો છે. આજે આપણે વિમાનમાં બેસી મુસાફરી કરીએ છીએ તે રાઈટ બંધુઓને આભારી છે. હેલિકોપ્ટરે પણ માણસના ઊડવાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

જોકે, આ સિવાય પણ એક અન્ય વિકલ્પ છે અને તે વિકલ્પ છે હોટ એર બલૂન. 21 નવેમ્બર, 1783માં ફ્રાન્સીસી ચિકિત્સક જીવ-ફ્રાંકોઈસ પિલાત્રે ડે રોજિયર અને માર્ક્વિસ ડી' અર્લેંડેસ, ફ્રાંકોઈસ લોરેન્ટે પહેલીવાર ગરમ હવાના ફુગ્ગા એટલે બલૂનમાં બેસીને ઉડાન ભરી હતી. લગભગ 25 મિનિટ સુધી પેરિસ ઉપર 5.5 માઈલ સુધી તેઓ ઊડતા રહ્યા. આ ઘટનાએ મનુષ્યોના ઊડવાના સ્વપ્નને ઘણે અંશે સાચું કરી બતાવ્યું હતું. જોકે, આ પહેલાં હોટ એર બલૂનના કપડાને ફ્રાન્સીસી કાગળ બનાવનારા ભાઈઓ જેક્સ-એટિને અને જોસેફ-મિશેલ મોન્ટગોલ્ફિયરે તૈયાર કર્યું હતું. આ બંધુઓ દુનિયાના પહેલા હોટ એર (ગરમ હવાના) બલૂનના શોધકો હતા.

અહીંથી મળી હતી પ્રેરણા

જોસેફ અને એટિયેન મોન્ટગોલ્ફિયર દક્ષિણ ફ્રાન્સના વિડાલોન શહેરમાં કાગળનો વ્યવસાય કરતા હતા. તેઓ હંમેશાં પ્રયોગો કરતા રહેતા હતા. ઈ.સ. 1782માં એક દિવસ અનાયાસે જ તેમને જાણવા મળ્યું કે કાગળ અથવા તો કપડાના થેલાની નીચે બળનારા જ્વલનશીલ પદાર્થ થેલાને હવામાં ઉપર ઉઠાવે છે.

બંને ભાઈઓએ નિષ્કર્ષ કાઢ્યો કે ધુમાડો બલૂનને ઉપર આકાશમાં ઉઠાવે છે. વાસ્તવમાં તે ગરમ હવા જ હતી કે જે બલૂનને ઉપર ઉઠાવતી હતી, પરંતુ તેમની આ ભૂલે તેમની આગળની ઉપલબ્ધિઓમાં બાધા ન બની. 4 જૂન, 1783માં બંને ભાઈઓએ પોતાની આ શોધનું સાર્વજનિક પ્રદર્શન ગોઠવ્યું. ભૂસું અને ઊન સળગાવીને એક માનવરહિત બલૂનને ઉડાવ્યો, જે હવામાં લગભગ 3 હજાર ફૂટ ઉપર ઊઠ્યો અને પછી લગભગ બે માઈલ દૂર જઈને જમીન પર પડ્યો.

પહેલાં દોરડા બાંધીને બલૂન ઉડાવ્યો હતો

15 ઓક્ટોબર ઇ.સ.1783ના રોજ જીન-ફ્રાન્કોઈસ પિલાત્રે ડે રોજિયરે મોન્ટગોલ્ફિયરના બલૂનમાં દોરડા બાંધીને ઉડાન ભરી હતી. પહેલીવાર દોરડાથી બાંધ્યા વગરના હોટ એર બલૂને 21 નવેમ્બરે પેરિસમાં ઉત્સુક લોકોની ભીડ વચ્ચે ઉડાન ભરી હતી. પિલાત્રે અને ડી'અર્લાન્ડ, એક કુલીન, બોઈસ ડી બોલોગ્નેમાં શાહી શેટા લો મુએ મેદાન પરથી ઉપર આકાશમાં ઊઠ્યા અને લગભગ પાંચ માઈલની સફળ ઉડાન ભરીને જમીન પર આવ્યા. આમ કરીને તેમણે જાણે આકાશ ઉપર વિજય મેળવી લીધો હતો. મોન્ટગોલ્ફિયર ભાઈઓને તેમના સંશોધન અને ઉપલબ્ધિઓ માટે ફ્રેન્ચ એકેડેમી ડેસ સાયન્સીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વિમાન ઉપરનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત કર્યાં અને વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું.

મનુષ્ય પહેલાં જાનવરોને ઉડાવ્યાં હતાં

19 સપ્ટેમ્બર ઇ.સ.1783 મોન્ટગોલ્ફિયર ભાઈઓએ પહેલી માનવયુક્ત ઉડાનનો વિચાર કર્યો તે પહેલાં પોતાના એક બલૂનમાં ઘેટું, મરઘી અને બતકને મોકલ્યાં હતાં. નીલા રંગથી રંગેલા અને સોનેરી ફૂલથી સજાવેલો બલૂન રાજા લુઈ સોળમાની હાજરીમાં વર્સેલ્સના મહેલના પ્રાંગણમાં ઉપર ઊઠ્યો હતો. આ જાનવરો આઠ મિનિટ સુધી આકાશમાં ઊડતાં રહ્યાં અને બે માઈલના અંતરે સુરક્ષિત રીતે જમીન પર ઊતરી ગયાં હતાં.

બ્રાઝિલમાં પણ નિષ્ફળ પ્રયોગો થયા હતા

હોટ એર બલૂનના પોતાનાં પરીક્ષણોમાં મોન્ટગોલ્ફિયર્સ ભાઈએ પહેલાં બ્રાઝિલમાં બાર્ટોલોમૂ લોરેન્કો ડી ગુસ્માઓએ બલૂન ઉડાવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે

ઈ.સ. 1709માં પોર્ટુગલના રાજાના મહેલમાં એક નાનકડો હોટ એર બલૂન લોન્ચ કર્યો હતો. જોકે, મોન્ટગોલ્ફિયર્સ લોરેન્કો આ બાબતથી સાવ જ અજાણ હતા.

હજારો વર્ષોથી મનુષ્ય ઊડવાનું સ્વપ્ન જુએ છે

ગ્રીક પૌરાણિક કથાઓમાં ડેડલસ વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં મીણની પાંખો બનાવવામાં આવી હતી અને લિયોનાર્ડો-દ-વિન્ચીએ 15મી શતાબ્દીમાં ઊડવાવાળાં મશીનોની ડિઝાઈન બનાવી હતી અને હેલિકોપ્ટરની અવધારણાની કલ્પના કરી હતી. જોકે, 1780ના દશકા સુધી મનુષ્યના ઊડવાનું સ્વપ્ન વાસ્તવિકતા બની શક્યું નહોતું. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. આ સિવાય ઋષિ ભારદ્વાજના વૈમાનિક શાસ્ત્રમાં પણ વિવિધ પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ જોવા મળે છે.

પેરિસની ઉડાન પહેલાં પણ પ્રયોગો થયા હતા!

પહેલું સફળ ઉડાન ભરતું ઉપકરણ કદાચ મોન્ટગોલ્ફિયર બલૂન નહોતું, પરંતુ એક `ઓર્નિથોપ્ટર' હતું. એક ગ્લાઈડર જેવું વિમાન કે જેનાં પાંખિયાં ફડફડાતાં હતાં. એક રેકોર્ડ અનુસાર જર્મન વાસ્તુકાર કાર્લ ફ્રેડરિક મીરવીન ઈ.સ. 1781માં ઓર્નિથોપ્ટરમાં જમીન પરથી ઉડાન ભરવામાં સફળ રહ્યા હતા. આ બાબતની સત્યતા જે હોય તે, પરંતુ મીરવીનનું ઉડાન ભરતું મશીન ક્યારેક એક વ્યાવહારિક સાધન બની શક્યું નહીં. આ મોન્ટગોલ્ફિયર ભાઈ જ હતા, જેમણે પહેલીવાર લોકોને આકાશમાં ઉડાવ્યા હતા.