• ઓફ સ્ટમ્પના કોરિડોરની લાઇનલેન્થ બંને પેસ બોલરને વધારે ઘાતક બનાવે છે

વિશ્વ ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલી, સ્ટિવ સ્મિથ, જોઇ રુટ અને કેન વિલિયમ્સનમાંથી બેસ્ટ કોણ તેવી ચર્ચા ચાલતી રહેતી હતી જેમાં પ્રત્યેકનો અભિપ્રાય અલગ અલગ રહેતો હતો. હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી પાંચ મેચની ટેસ્ટ શ્રોણીમાં બે પેસ બોલર જસપ્રીત બુમરાહ અને જેમ્સ એન્ડરસનમાંથી સર્વશ્રોષ્ઠ કોણ તેની ડિબેટ ચાલી રહી છે. આ ચર્ચાનો જવાબ આપવો મુશ્કેલ છે પરંતુ ભારત જેવા દેશમાં જ્યાં સ્પિનર્સનો દબદબો રહેતો હોય છે ત્યાં આ બંને બોલર્સે પોતાના ઘાતક યોર્કર અથવા આઉટ સ્વિંગર દ્વારા બેટ્સમેનોને પરસેવો લાવી દીધો છે. શ્રોણીની બે ટેસ્ટ મેચની સમીક્ષા કરીએ તો બુમરાહ અને એન્ડરસને કેટલાક અદ્ભુત સ્પેલ નાખ્યા છે જેના કારણે મેચો વધારે રસપ્રદ બની ગઈ હતી. બંને બોલર્સ પાસે ઘણો અનુભવ છે અને બંનેની બોલિંગની તાકાત ઓફ સ્ટમ્પની નજીકનો કોરિડોર છે જેની ઉપર તેઓ સતત એક જ લાઇનલેન્થથી લાંબા સ્પેલ નાખવાની ક્ષમતા ધરાવે છે. આ કારણથી બંને વિશ્વના અન્ય પેસ બોલર કરતાં અલગ પણ પડી રહ્યા છે. બંને બોલને ધારે ત્યારે ઇન સ્વિંગ કે આઉટ સ્વિંગર તરીકે નાખી શકે છે. ઓવરના તમામ છ બોલ તેમના વિવિધતાથી ભરેલા હોય છે અને બેટ્સમેન સતત વિચારતો રહે છે. આ સ્થિતિમાં બેટ્સમેનો ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને છેડછાડ કરવાની ભૂલ કરીને વિકેટ આપી દેતા હોય છે.

વિશાખાપટ્ટનમ ખાતેની બીજી ટેસ્ટમાં એન્ડરસને ઓફ સ્ટમ્પના કોરિડોરમાં સૌથી વધારે ગુડલેન્થ બોલ નાખ્યા હતા અને તેણે 20 રન જ આપ્યા હતા. તેણે સ્ટમ્પની નજીક 31 લેન્થ બોલ નાખ્યા હતા જેમાં તેણે માત્ર ત્રણ રન આપ્યા હતા અને એક બેટ્સમેનને પેવેલિયન પરત મોકલી પણ આપ્યો હતો. ઇંગ્લેન્ડના સૌથી અનુભવી પેસ બોલર તથા સ્ટુઅર્ટ બ્રોડ સાથે પેસ બોલર તરીકે સંયુક્ત રીતે હાઇએસ્ટ વિકેટ ઝડપનાર એન્ડરસને મેચમાં માત્ર એક જ યોર્કર નાખ્યો હતો. બીજી તરફ બુમરાહે ઓફ સ્ટમ્પની નજીક ગુડ લેન્થ ઉપર વધારે નાખ્યા હતા પરંતુ તે અચાનક યોર્કર નાખીને બેટ્સમેનને સ્તબ્ધ કરી દેતો હતો. બુમરાહની બીજી પસંદગીનો બોલ લેન્થ બોલ છે અને તેણે બે વિકેટ ઝડપી હતી. યોર્કર બુમરાહનું સૌથી મોટું ઘાતક હથિયાર છે. બીજી ટેસ્ટમાં તેણે છ યોર્કર નાખ્યા હતા અને એક ઇંગ્લિશ બેટ્સમેનનો શિકાર કર્યો હતો.

રેડ બોલ હોય કે વ્હાઇટ બોલ, મેચ પહેલાં પેસ બોલર્સ બેટ્સમેનને કેવી રીતે મુશ્કેલીમાં મૂકવા તથા તેમની વિકેટ કેવી રીતે ઝડપવી તે અંગે એક માઇન્ડ સેટ કરતા હોય છે અને પૂરો સેટઅપ તૈયાર થઈ ગયા બાદ બેટ્સમેનની નબળાઈ મુજબ લાઇનલેન્થ તથા ફિલ્ડિંગ પણ ગોઠવતા હોય છે. એન્ડરસનમાં એક જ કોરિડોરમાં બોલ નાખવાની ક્ષમતા છે અને તે સતત ત્યાં બોલ નાખ્યા બાદ અચાનક ફૂલર બોલ નાખીને બેટ્સમેનને ભૂલ કરવાની ફરજ પાડે છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટના બીજા દાવમાં યશસ્વી જયસ્વાલની વિકેટ સૌથી મોટું ઉદાહરણ છે. સતત ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યા બાદ એન્ડરસને અચાનક ઓફ સ્ટમ્પની નજીક ફૂલર લેન્થ બોલ નાખ્યો હતો અને પરિણામ સ્વરૂપે બોલ બેટના કિનારાને અડીને સ્લિપમાં પહોંચી ગયો હતો. એન્ડરસન ઓફ અને મિડલ સ્ટમ્પની વચ્ચે પિચિંગ કરીને બોલને સ્લિપ તરફ સ્વિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

બોલિંગ કરવાનો કોરિડોર એન્ડરસન અને બુમરાહનો લગભગ સરખો છે પરંતુ બુમરાહની એક્શન તેને વધારે ઘાતક બનાવી રહી છે. યુવા વયમાં ટેનિસ બોલ દ્વારા ક્રિકેટ રમતી વખતે ઘાતક યોર્કર નાખવાની કુશળતા હાંસલ કરનાર બુમરાહ ઓફ સ્ટમ્પની લાઇનમાં જ બોલને અંદર તથા બહાર સીમ કરી શકે છે પરંતુ તેનો સ્ટમ્પની અંદર આવતો બોલ ઝડપથી દિશા બદલે છે અને બેટ્સમેન ફોરવર્ડ કે બેકફૂટ ઉપર રમવું તેની દ્વિધામાં ફસાઈ જતો હોય છે. ઓલી પોપને બુમરાહે જે રીતે આઉટ કર્યો હતો તેના દ્વારા વિશ્વક્રિકેટમાં તે છવાઈ ગયો હતો. બંને વચ્ચેનો ફરક જાણવો હોય તો શોર્ટ પિચ બોલ બંને કેટલા નાખે છે તેની સમીક્ષા કરવી જોઈએ. બીજી ટેસ્ટમાં એન્ડરસને કુલ છ શોર્ટ પિચ બોલ નાખ્યા હતા તેની સામે બુમરાહ આ પ્રકારના બોલથી દૂર રહ્યો હતો અને તેણે બાઉન્સરને હથિયાર બનાવ્યો હતો. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો પ્રથમ ક્રમાંકિત બોલર છે પરંતુ એન્ડરસન 41 વર્ષની વયે પોતાની ક્ષમતાનો પરચો આપી રહ્યો છે. બંને બોલર પોતાની ટીમના મુખ્ય હથિયાર સાબિત થયા છે અને વર્તમાન ટેસ્ટ શ્રોણીમાં તથા આગામી શ્રોણીઓમાં સુકાની તેમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહેશે. ચર્ચાનો અંત ક્યારેય આવશે નહીં તે ચોક્કસ છે પરંતુ એક બાબત નક્કી છે કે બુમરાહ અને એન્ડરસન જેવા ચતુર બોલર ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.


  • Follow us on: