તારીખ 2 જુલાઈના રોજ બ્રહ્માંડમાં એક અનોખો સંયોગ રચાઈ રહ્યો છે. શુક્ર, બુધ, શુક્ર, શનિ, મંગળ અને ચંદ્ર આ તમામ ગ્રહો પોતાની સ્વરાશિમાં બેસીને આશરે 2500 વર્ષ પછી આવો અનોખો સંયોગ બનાવી રહ્યા છે. કહેવાય છે કે જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજિતનો જન્મ થવાનો હતો ત્યારે રાવણે કડક રીતે બધા ગ્રહોને સ્વગૃહી રહેવાની સૂચના આપી હતી. શનિદેવે આ વાતની અવગણના કરી ત્યારે રાવણે એમના પગ પર પ્રહાર કર્યો. પરિણામ સ્વરૂપે શનિદેવ આજે પણ બ્રહ્માંડમાં સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. આ ભ્રમણ દરમિયાન ખાસ કરીને વૃશ્ચિક રાશિ કે વૃશ્ચિક લગ્નવાળા જાતકોને ખૂબ ફાયદો થશે. મંગળ-રાહુ તથા યુરેનસની યુતિ મેષ રાશિમાં થવાથી ધરતીમાં ક્યાંક દાવાનળ ફાટે એવી શક્યતાઓ છે. મંગળ મીનમાંથી મેષ રાશિમાં જઈને રહી તથા યુરેનસ સાથે યુતિ કરતો હોવાથી સમુદ્રની અંદર મોટો વિસ્ફોટ, ત્સુનામી અથવા કોઈ અચાનક આગના બનાવો બને તેવી શકયતાઓ વધે.

મેષ : શરીરમાં પિત્ત વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. મંગળ-રાહુનો અંગારક યોગ આપની ઉત્તેજના અને ગરમીમાં વધારો કરે. આ યુતિ સામે લાઇફ પાર્ટનરના સ્થાને દૃષ્ટિ કરતી હોવાથી જીવનસાથી સાથે દલીલબાજી ટાળવી. કોઈ પણ કાર્ય પૂરું કરવા આ યોગ ખૂબ ઉત્સાહ, ધગશ તથા હિંમત પૂરી પાડશે.

વૃષભ : લગ્ને સ્વગૃહી શુક્ર જીવન મનોરંજન અને મોજશોખથી ભરી દેશે. ભેગું કરવાની દાનત સાથે જે મહેનત કરી રહ્યા હતા એ ભોગવવાના અવસરો પ્રાપ્ત થશે. આ ભ્રમણ દરમિયાન જીવન સુખ ને સાહ્યબીમાં વીતશે. બીજા સ્થાને સ્વગૃહી બુધને કારણે વાણીમાં એક અલગ પોઝિટિવ અસર દેખાશે જે આપના દરેક સંબંધો સુધારવામાં અને સાચવવામાં મદદરૂપ થશે.

મિથુન : સ્વગૃહી બુધ તર્ક તથા વિદ્વત્તામાં રસ જગાડશે. વાણીમાં ચતુર બનશો. આપને સંવાદ કરવામાં રસ પડશે. પરિવાર સાથે આપના સંબંધો ગાઢ બનશે. નોકરી ક્ષેત્રે સ્વગ્રહી ગુરુ આપને ઉપરી અધિકારી તરફથી લાભ અપાવશે. જમીનને લગતા સોદા કરવાથી લાભ થવાની શક્યતા છે.

કર્ક : સ્વગૃહી ચંદ્ર મનને શુભ વિચારોથી ભરશે. દસમે મંગળ-રાહુની યુતિ નોકરી ક્ષેત્રે અવશ્ય કોઈ મોટો બદલાવ લાવશે. પિતા સાથે ચકમક ન થાય તેનું ધ્યાન રાખવું. અગિયારમે શુક્ર સ્ત્રીમિત્રોથી તથા મોટી બહેનની લાભ અપાવે.

સિંહ : ભાગ્યસ્થાને મંગળ તથા રાહુની યુતિ ભાગ્યને ધક્કો આપે. અટકી રહેલા આપનાં કાર્યો પૂરાં થાય. દસમે શુક્ર પિતા તથા બોસ સાથેના સંબંધો મધુર બનાવે. લેખનકાર્ય, સ્ટેશનરી કે પ્રિન્ટિંગ પ્રેસને લગતાં સાધનોમાં રોકાણથી લાભ થાય.

કન્યા : સાતમે ગુરુનું ભ્રમણ જીવનસાથી સાથે મધુર સંબંધો સ્થાપિત કરે. આઠમે મંગળ-રાહુ આગ તથા કેમિકલથી દૂર રહેવાનું સૂચવે છે. હનુમાન ચાલીસાના પાઠ રોજ કરવા. ભાગ્યમાં શુક્ર તમામ ઇચ્છાઓ પૂરી કરે તથા કર્મસ્થાને સૂર્ય-બુધની યુતિ આપને કાર્યક્ષેત્રે સફળતા અપાવે. ખાસ કરીને લેખનકાર્ય સાથે જોડાયેલા કન્યાના જાતકોને ખૂબ લાભ થશે.

તુલા : જીવનસાથી સાથે ઉગ્ર દલીલોમાં પડતાં બચવું. સાતમે રાહુ તથા મંગળની યુતિ જીવનસાથી સાથેના સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે છે. નેગેટિવિટીથી બચવું. ભાગ્યમાં સૂર્ય તથા બુધ આપને ઉચ્ચતાનાં શિખરો પાર કરાવશે. પિતા સાથે લાગણીભર્યા સંવાદો સંસ્થાપિત થશે. દસમે શુક્ર આર્ટિસ્ટ તથા કલાપ્રેમીઓ માટે સારા અવસરો લઈને આવશે.

વૃશ્ચિક : આ યોગનો આપને સૌથી વધારે લાભ મળવાનો છે. સાતમે શુક્ર જીવનસાથી સાથે પ્રેમભર્યાં દાંપત્યજીવનનો અનુભવ કરાવશે. ભાગ્યમાં ચંદ્ર નાનીમોટી યાત્રાના યોગ બનાવશે. સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. છઠ્ઠે રાહુ તથા મંગળ કોર્ટ-કચેરીના કેસોમાં વિજય અપાવશે.

ધન : માતાની તબિયતમાં સુધારો જણાય. ઘર તથા વાહનના સુખમાં વધારો થાય. પ્રેમી અથવા પ્રેમિકા સાથે ઝઘડાથી બચવું. છઠ્ઠે શુક્ર મોસાળ પક્ષ સાથે સંબંધો મજબૂત કરે. જીવનસાથી સાથે અસરકારક સંવાદ સ્થાપિત થાય. આઠમે ચંદ્ર પાણી અથવા કફ વધારે તેવી ચીજોથી દૂર રહેવાનું સૂચવે છે.

મકર : બીજે ભ્રમણ કરી રહેલા લગ્નેશ પરિવાર પ્રત્યે વધુ ફોકસ કરાવે. ત્રીજે ગુરુ ભાઈ સાથેના સંબંધો સુખદાયી બનાવે. ચોથે રાહુ તથા મંગળ હોવાથી માતા સાથે દલીલબાજીથી બચવું. પાંચમે શુક્ર પ્રેમમાં એકરાર કરાવે. સાતમે ચંદ્ર જીવનસાથી સાથેના સંબંધો લાગણીભર્યા બનાવે.

કુંભ : લગ્ને શનિ ગરીબો માટે કરુણા અપાવે. બીજે ગુરુ પરિવારમાં સુખ શાંતિ બનાવી રાખે. ત્રીજે મંગળ તથા રાહુ આપને નાનીમોટી યાત્રાઓ કરાવે. ચોથે શુક્ર મોજશોખ તથા મનોરંજનમાં કોઈ કચાશ બાકી ન રાખે. પાંચમે સૂર્ય તથા બુધ સંતાનની ઉન્નતિ કરાવે. ટૂંકમાં, આપ બધી રીતે સફળ થાઓ.

મીન : લગ્ને ગુરુ આપના વિચારોમાં શુભતા લાવે તથા જીવનમાં નવી તકો આપે. બીજે રાહુ તથા મંગળ વાણીમાં ઉગ્રતા લાવે તથા કુટુંબમાં ક્લેશ કરાવે જેનાથી બચવું. ત્રીજે શુક્ર સુખમય યાત્રા કરાવે. પાંચમે ચંદ્રનું ભ્રમણ આપને પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે લાગણીશીલ બનાવે.

  • Follow us on: