વેલકમ ફિલ્મ એવી સુપરહિટ ફિલ્મોમાંની એક છે કે જેને દર્શકો વારંવાર જોવાનું પસંદ કરે છે. આજે પણ સોશિયલ મીડિયા ઉપર તેનાં મીમ્સ ખૂબ વાઇરલ થાય છે, આજે પણ તેના ડાયલોગ્સ લોકોને યાદ છે. અલબત્ત, વેલકમને જેટલી સફળતા મળી હતી એટલી વેલકમ બૅકને નહોતી મળી. વેલકમમાં ઉદય શેટ્ટી ઉર્ફે નાના પાટેકર અને મજનૂભાઈ ઉર્ફે અનિલ કપૂરની ગોલ્ડન પૅર આજની તારીખે ફેમસ છે. જેટલા લોકો કાજોલ અને શાહરુખની જોડીને યાદ કરે છે એટલા જ લોકો ઉદય મજનૂને પણ યાદ કરે છે.
ખેર, હવે સમાચાર એવા છે કે સાજીદ નડિયાદવાલા આ ફિલ્મના ત્રીજા પાર્ટને લઇને આવી રહ્યા છે. અલબત્ત, હજી તો આ પ્લાન ખૂબ જ ઇનિશિયલ સ્ટેજમાં છે, હજી તો માત્ર વેલકમ ત્રણ આવશે એવા જ સમાચાર બહાર આવ્યા છે પણ સાથે સાથે બીજી તડકતી ભડકતી એવી વાત પણ બહાર આવી છે કે વેલકમ-3માં ઉદય અને મજનૂની જગ્યાએ બીજા સ્ટાર્સને લેવાનું સાજીદ નડિયાદવાલા વિચારી રહ્યાં છે.
સાજીદે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે અમે વેલકમ-3ની સ્ક્રીપ્ટ લખી ચૂક્યાં છીએ. આ ફિલ્મની વાર્તા નક્કી કરવામાં ખાસ્સો સમય લાગી ગયો, કારણ કે અમારે પહેલાં વેલકમ જેટલું જ ત્રીજા પાર્ટમાં દર્શકોને મનોરંજન પૂરું પાડવું છે. એટલે જ સ્ક્રીપ્ટ દમદાર હોય એ મારી પહેલી શરત હતી. વાર્તા ફાઇનલ થઇ ગઇ છે. હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. અમે કલાકારો ફાઇનલ કરી રહ્યાં છીએ, જોકે હજી કોઇ નક્કી નથી થયું, નક્કી થશે એટલે સત્તાવાર જાહેરાત કરીશું.
સાજીદે હાલ મગનું નામ મરી નથી પાડ્યું, પણ બે સમાચાર એવા છે કે નાના પાટેકર અને અનિલ કપૂરના સ્થાને સંજય દત્ત અને અર્શદ વારસીને લેવાનું નક્કી થઇ રહ્યું છે. આ જોડીને મુન્નાભાઈમાં લોકો પસંદ કરી ચૂક્યા છે એટલે વેલકમમાં પણ તેમને પસંદ કરશે એવું વિચારીને વેલકમ ફિલ્મમાં તેમને લેવાની વાત ચાલી રહી છે જ્યારે અક્ષય ફિલ્મનો હિસ્સો હશે કે નહીં તે હજી સુધી નક્કી નથી થયું. વાત એવી છે કે મુન્નાભાઈમાં ભલે સંજુ અર્શદ લોકોને ગમ્યાં પણ ઉદયભાઈ અને મજનૂભાઈની જગ્યાએ બીજા કોઈ જોવા ગમશે?