અમેરિકામાં આવેલ સેંકડો યુનિવર્સિટીઓમાં જાતજાતના અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. એમાં પણ કમ્પ્યૂટર, સાયન્સ, મેનેજમેન્ટના કોર્સ પરદેશી વિદ્યાર્થીઓને ખૂબ જ પસંદ પડે છે અને એમાંના મોટાભાગના આ બે વિષયોનું શિક્ષણ મેળવવા અમેરિકાની એ માટે પંકાયેલ યુનિવર્સિટીઓમાં ભણવાની ઈચ્છા ધરાવે છે.

એક વખત એવો હતો જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ઈંગ્લેન્ડની યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છતા હતા, પણ હવે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓને અગ્રસ્થાન આપે છે અને તેઓ ઈંગ્લેન્ડ યા પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર કે વિશ્વની બીજી યુનિવર્સિટીઓમાં ન જતાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું પસંદ કરે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી નામાંકિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જાય છે. આમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને આશ્ચર્યજનક વાત એ છે કે એમાંના મોટાભાગના ફક્ત અને ફક્ત અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જ જવાની ઈચ્છા ધરાવે છે. એ મેળવવા માટે એમની પાસે જરૂરી એવા પૈસાનો યોગ્ય બંદોબસ્ત હોય છે. એમનો અમેરિકામાં ગેરકાયદેસર રહેવાનો કોઈ ઈરાદો નથી હોતો તેમ છતાં એમાંના મોટાભાગના સ્ટુડન્ટના વિઝા નકારવામાં આવે છે.

અમેરિકાની યુનિવર્સિટીમાં જો શિક્ષણ પ્રાપ્ત કરવા જવું હોય તો પરદેશી વિદ્યાર્થીઓએ અમેરિકાના નોન ઈમિગ્રન્ટ શ્રેણીના એફ-1 સંજ્ઞા ધરાવતા વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે.

એફ-1 સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે સૌ પ્રથમ તો વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ માટે એમણે ટોફેલ યા આઈલ્ટ્સની પરીક્ષા આપવાની રહે છે. જો બેચલર્સનો કોર્સ કરવા જતા હોય તો સેટની પરીક્ષા અને માસ્ટર્સનો કોર્ષ કરવા જતા હોય તો જીઆરઈ કે જીમેટની પરીક્ષા આપવાની રહે છે. કોઈ કોઈ યુનવર્સિટીઓ આ પરીક્ષાઓ આપવાનો આગ્રહ નથી સેવતી.

વિદ્યાર્થીઓએ ત્યારબાદ એમણે જે વિષયમાં જે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું હોય એમાં પ્રવેશ મેળવવા માટે એડમિશનની અરજી કરવાની રહે છે. એ અરજીની સાથે સાથે એમણે તેઓ એ યુનિવર્સિટીમાં જે વિષયમાં ભણવાની ઈચ્છા ધરાવતા હોય એ વિષય એમણે શા માટે પસંદ કર્યો છે? એમની અત્યાર સુધીની કારકિર્દી અને ભવિષ્યના મનસૂબાઓ આ સર્વે એક સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ યા નિબંધ લખીને એડમિશન મેળવવાની અરજી જોડે મોકલવાનું રહે છે.

અમેરિકાનું ભણતર ખૂબ જ મોંઘું છે. એને પહોંચી વળવા માટે એ પરદેશી વિદ્યાર્થી પાસે નાણાંની પૂરતી જોગવાઈ છે એવું પણ પ્રવેશપત્રની જોડે જોડે પુરાવાઓ સહિત દર્શાવી આપવાનું રહે છે.

યુનિવર્સિટી એમને એડમિશન આપે ત્યારબાદ એમણે એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોર્મ ડીએસ-160 ભરીને સુપરત કર્યા બાદ સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટેની એપોઈન્ટમેન્ટ મેળવવાની રહે છે. એ પહેલાં એમણે બાયોમેટ્રિક્સ પણ કરાવવાનું રહે છે અને સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર ઈન્ફોર્મેશન સર્વિસ (સેવિસ)ની ફી ભરીને એમનું નામ રજિસ્ટર કરાવવાનું રહે છે.

ઈન્ટરવ્યૂમાં એમણે દેખાડી આપવાનું રહે છે કે તેઓને અંગ્રેજી ભાષા આવડે છે. અમેરિકાની માન્યતા પામેલી યુનિવર્સિટીએ ફોર્મ આઈ-20 મોકલાવીને એમને પોતાને ત્યાં પ્રવેશ આપ્યો છે. એ યુનિવર્સિટીમાં ભણવાનો, રહેવા-ખાવાનો જે ખર્ચો આવે એ ખર્ચાની રકમ એમની પાસે છે? તેઓ અમેરિકામાં ફક્ત અને ફક્ત ભણવા જવા માટે જ સ્ટુડન્ટ વિઝાની અરજી કરી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેવાનો કે ઈલ્લિગલી કામ કરવાનો એમનો કોઈ ઈરાદો નથી અને એમના સ્વદેશમાં નાણાકીય તેમજ કૌટુંબિક સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એમને એમનો અભ્યાસ પૂરો થતાં સ્વદેશમાં પાછા ખેંચી લાવશે.

ગુજરાતના એફ-1 વિઝાની અરજી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ આ સર્વે લાયકાતો ધરાવે છે. આમ છતાં એમના સ્ટુડન્ટ વિઝા નકારાય છે. એનાં બે કારણો છે.

મુખ્ય કારણ એ છે કે, તેઓ જે વિઝા કન્સલ્ટન્ટો પાસે સ્ટુડન્ટ વિઝા મેળવવાની તાલીમ લઈ રહ્યા હોય છે એ વિઝા કન્સલ્ટન્ટો એમને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં જે સવાલો વારંવાર પૂછવામાં આવતા હોય છે એના જવાબો ગોખાવે છે. આ કન્સલ્ટન્ટો એકસાથે 15-20-25 કે એથી પણ વધુ વિદ્યાર્થીઓને એકસાથે ઈન્ટરવ્યૂમાં વારંવાર પુછાતા સવાલોના એમણે તૈયાર કરેલ જવાબો ગોખાવે છે. આ ગોખણપટ્ટી એટલી સજ્જડ હોય છે કે વિદ્યાર્થીઓ એ જવાબો સિવાય અન્ય કોઈ જવાબો પોતાની રીતે આપી જ નથી શકતા. ગુજરાતના લગભગ બધા જ વિદ્યાર્થીઓના જવાબો આ કારણસર એકસરખા હોય છે અને આથી કોન્સ્યુલર ઓફિસરને એવું લાગે છે કે એ વિદ્યાર્થીઓ સાચું નથી બોલતા. એમના સવાલોના તેઓ ગોખાવેલા જવાબો આપે છે. આ જ કારણસર એ વિદ્યાર્થીઓની લાયકાત હોવા છતાં એમની સ્ટુડન્ટ વિઝાની અરજી નકારવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ વારંવાર પુછાતા સવાલો શું શું હોય છે ફક્ત એટલું જ વિઝા કન્સલ્ટન્ટો પાસેથી જાણી લેતા હોય છે અને એના જવાબો એમના પોતાના શબ્દોમાં આપે છે એમને વિઝા મેળવવામાં નિષ્ફળતા નથી સાંપડતી.

ગુજરાતના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા નકારવાનું એક બીજું કારણ પણ એ છે કે, ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરું ખોટું કરીને અમેરિકાના વિઝા મેળવે છે. અમેરિકામાં રહેતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોમાં પણ ગુજરાતીઓની સંખ્યા ખૂબ મોટી છે.

આ કારણસર કોન્સ્યુલર ઓફિસરોના મનમાં એવું ઠસી ગયું હોય છે કે ગુજરાતીઓ બધા જ અમેરિકામાં પ્રવેશવા માટે ખોટું કરે છે. આ વિચારધારાના કારણે યોગ્યતા ધરાવતા ગુજરાતના વિદ્યાર્થીઓના વિઝા પણ નકારાય છે.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર ગુજરાતના સર્વે વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યૂની તૈયારી કરતી વખતે વારંવાર પુછાતા સવાલોના જવાબો ગોખવા ન જોઈએ. જવાબો કેવા હોવા જોઈએ એ જાણી લઈને પછી એમણે પોતાના શબ્દોમાં જ જવાબો આપવા જોઈએ. મોટા મોટા બોમ્બાસ્ટિક અને અઘરા શબ્દોનો ઉપયોગ એમના જવાબોમાં કરવો ન જોઈએ. જો આટલું તેઓ કરશે તો એમના સ્ટુડન્ટ વિઝા નકારવાના ચાન્સીસ ખૂબ ખૂબ ઘટી જશે.