કહે છે કે ભૂકંપ કોઈને મારતો નથી, ભૂકંપને સહન ન કરનાર ઈમારતો જ લોકોને મારી નાંખે છે. અમેરિકામાં પાંચ રિક્ટર કે તેથી વધુ શક્તિશાળી ભૂકંપ સતત વધી રહ્યા છે. અમેરિકાનો જિયોલૉજિકલ સરવૅ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું છે કે પોણા ભાગનું અમેરિકા ભૂકંપના ઓથાર હેઠળ આવી ગયું છે. 1884 પછી અમેરિકા પહેલી જ વખત પાંચ રિક્ટર જેવા શક્તિશાળી ભૂકંપના આંચકા ભોગવી રહ્યું છે. આવું શા માટે થઈ રહ્યું છે; અત્યારે શા માટે થઈ રહ્યું છે?


ભૂકંપની ઘટનાઓ હવે અચાનક કેમ વધી રહી છે?

અમેરિકામાં પાંચ રિક્ટર કે વધુ શક્તિશાળી ભૂકંપ વધી રહ્યા છે. હમણાં 10 એપ્રિલના દિવસે અલાસ્કામાં 4.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો. અગાઉ છ એપ્રિલે ન્યૂયોર્કમાં 5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો. સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી ખાસ્સી બે મિનિટ સુધી ભૂકંપના હીંચકા ખાતું રહ્યું. બ્રુકલીનમાં ગગનચુંબી ઈમારતો પણ હીંચતી રહી, ખૂબ ઉપરના માળે લોકોના કબાટ ખૂલી ગયા, પડી ગયા. આગલા દિવસે પાંચ એપ્રિલે 4.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં આવ્યો. 1884માં આવેલા 5.2 રિક્ટર સ્કેલના ભૂકંપ પછી અમેરિકામાં આવેલો આ સૌથી શક્તિશાળી આંચકો હતો. ગાઝાની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રોની બેઠક ચાલી રહી હતી. બધાની ખુરશીઓ ઈધર-ઉધર થવા લાગી તો બેઠક મુલતવી રાખવામાં આવી. વિજ્ઞાનીઓને આશ્ચર્ય છે કે ખાસ્સાં 140 વર્ષ પછી હવે અમેરિકામાં શક્તિશાળી ભૂકંપના આંચકા કેમ વધી રહ્યા છે? અમેરિકાનો વધુ ને વધુ વિસ્તાર ભૂકંપના ઓથાર હેઠળ કેમ આવી ગયો છે?

આખા દેશનો નવેસરથી સરવૅ થયો ને ખબર પડી

વિજ્ઞાનીઓ હવે કેમ જાગ્યા? યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સરવૅના નિષ્ણાતોને ચિંતા થઈ કે કુદરત તેના સૌથી શાંત અને સૌથી સૌમ્ય સ્વરૂપના છ દાયકા પૂર્ણ કરી ચૂકી છે. હવેનાં વર્ષે કુદરત ખૂબ તોફાની બનવાની છે, તો ચાલો આખા દેશમાં કઈ જગ્યાએ કેવા વિનાશક તાંડવનું જોખમ છે તેની તપાસ કરી લઈએ. દરેક પ્રકારના સર્વેક્ષણમાં એક ક્ષેત્ર જિયોલૉજિકલ (ભૂસ્તરવિજ્ઞાન)નું પણ હતું. જાપાન અને અમેરિકાની ધરતી નીચેના પાતાળખડકોમાં એટલી બધી ભાંગફૂટ થયેલી છે કે ઠેકઠેકાણે જ્વાળામુખીઓ ખદબદે છે. ધરતીના આંતરિક કોચલા જેવા પાતાળખડકોમાં જેટલા સાંધા એટલા વાંધા. ભૂકંપનો ભય વધતો જાય છે, તેથી તપાસ જરૂરી છે.

કેટકેટલાં રાજ્યો પર જોખમ? : તપાસ કરી તો ખબર પડી કે લોસ એન્જેલસ, સાન્ફ્રાન્સિસ્કો, પોર્ટલેન્ડ, અલાસ્કા, કેલિફોર્નિયા અને સિયેટલ જેવા ભૂકંપ માટે કુખ્યાત વિસ્તારોમાં તો ભૂકંપનું જોખમ વધ્યું જ છે. સાથે સાથે સૉલ્ટલૅક સિટી તથા મેમ્ફિસ જેવાં રાજ્યોમાં પણ ભૂકંપનું જોખમ નવેસરથી જાગ્યું છે. બધું મળીને અમેરિકાનાં 37 રાજ્યો એટલે કે 75 ટકા વિસ્તાર ભૂકંપના જોખમમાં આવી ગયો છે. તેમાં અલાસ્કા અને કેલિફોર્નિયામાં તો ભૂકંપ સૌથી પાવરફુલ અને વિનાશક બનશે. ઉત્તર-પૂર્વ એટલાન્ટિક કિનારાના વૉશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવાં શહેરોમાં તો અણધાર્યો વિનાશ વેરાશે.

ભૂકંપની આગાહી ખૂબ જ મુશ્કેલ : વિજ્ઞાનીઓ કહે છે કે ભૂકંપની આગાહી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમાં પૃથ્વીના પાતાળમાં આવેલા મહાવિરાટ ખડકોની હિલચાલનો અંદાજ મેળવવાનો હોય છે. ધરતીના આંતરિક કોચલા જેવા આ ખડકો ધરતીથી સેંકડો-હજારો કિલોમીટર નીચે છે અને તેટલા જ જાડા છે. તેમાં અનેક ઠેકાણે જાડાઈ સાવ ઓછી છે. આ ખડકોની નીચે સળગતા પ્રવાહી અગ્નિ જેવા લાવાનું વલોણું ચાલ્યા કરે છે. તેના જોરથી કોચલું આમતેમ ધકેલાયા કરે છે. પૃથ્વીનું કોચલું આખું નથી. તેના સંખ્યાબંધ ટુકડા થઈ ગયા છે. બધા ટુકડા વર્ષના ચાર-પાંચ ઈંચની ઝડપે આમતેમ ખસતા રહે છે, એકબીજાને ઘસાતા રહે છે, એકબીજાની નીચે માથું મારતા રહે છે. એમાં ક્યાંક સામસામે ખડકમાં ખાંચો આવી જાય તો ખડક ખસી શકતા નથી, પરંતુ તેને ખસેડવા લાવાનું વલોણું તો ધક્કો મારતું જ રહે છે. આખરે વલોણાનું જોર ખૂબ વધી જાય તો ખડકો ખાંચાની અડચણ તોડીને એકસાથે બે-પાંચ-દસ ફૂટ ખસી જાય છે. એના કારણે ભયાનક ગડગડાટી સાથે ઘસારાની ધ્રુજારી સર્જાય છે. એને આપણે ભૂકંપ કહીએ છીએ. તેમાં લાવાના વલોણા અને મહાવિરાટ ખડકોની હિલચાલ કામ કરતી હોવાથી તેનો અંદાજ મેળવવો લગભગ અશક્ય બની રહે છે. જોકે, વિજ્ઞાનીઓ નિતનવી ટેકનિક શોધીને આગાહી વધારે ને વધારે સચોટ બનાવતા જાય છે.

  • Follow us on: