આ વર્ષે તા. 18-07-2023 ને મંગળવારથી તા. 16-08-2023 ને બુધવાર સુધી અધિક શ્રાવણ માસ રહેશે. અષાઢી બીજ (રથયાત્રા) અને ભાદરવી બીજ એ બંને દિવસો કૃષિ સંસ્કૃતિ અને લોકજીવનમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ બે દિવસો સામાન્ય રીતે બરાબર બે માસના અંતરે આવે છે, પરંતુ આ વર્ષે અષાઢી બીજ પછી પૂરા ત્રણ માસના અંતરે ભાદરવી બીજ આવશે. આમ કેમ? તેનું કારણ જાણો છો? કારણ છે અધિક શ્રાવણ માસ.


આ વર્ષે વિક્રમ સંવત 2079માં 12 ચાંદ્રમાસને બદલે 13 ચાંદ્રમાસ આવ્યા છે, અધિક માસ તરીકે શ્રાવણ માસ હોવાથી બે શ્રાવણ માસ આવે છે. અષાઢ માસની અમાસ એટલે કે દિવાસો તા. 17-07-2023 ને સોમવારે છે. તેના બીજા દિવસે શિવપૂજાનું વિશેષ મહત્ત્વ અને બળેવ- જન્માષ્ટમી જેવા તહેવાર ધરાવતો શ્રાવણ માસ આવી જતો નથી, પરંતુ આ વર્ષે તા. 18-07-2023 ને મંગળવારથી તા. 16-08-2023 ને બુધવાર સુધી અધિક શ્રાવણ માસ રહેશે. અધિક માસને ધાર્મિક પરિભાષામાં `પાવન પુરુષોત્તમ માસ' પણ કહે છે. ત્યારબાદ નિજ શ્રાવણ માસ (શુદ્ધ બીજો શ્રાવણ માસ) તા. 17-08-2023 ને ગુરુવારથી તા. 15-09-2023, શુક્રવાર સુધી રહેશે.

લગભગ દર ત્રણ વર્ષે આવતા અધિક માસ અંગે સામાન્ય લોકોમાં ઓછી જાણકારી હોય છે. આથી ક્યારેક અમુક ભણેલા - ગણેલા કહેવાતા આધુનિક લોકો ચર્ચા દરમિયાન આ અધિક માસને કે તિથિની વધઘટ (ક્ષય વૃદ્ધિ) ને હિંદુ ધર્મની - હિંદુ પંચાંગની ખામી કે ગરબડ ગોટાળા જેવી સ્થિતિ સમજતા હોય છે. વાસ્તવિક રીતે જોઇએ તો કાળગણના (ક્રોનોલોજી)ની દૃષ્ટિએ અધિક માસની ગોઠવણ એ એક વિશિષ્ટ સમજ અને સૈદ્ધાંતિક સૂક્ષ્મ ગણતરીનું ઊજળું ઉદાહરણ છે.

અધિક માસ અંગે સાદી અને સરળ છતાં સ્પષ્ટ શાસ્ત્રોક્ત વિગત સમજવાનો પ્રયત્ન કરીએ. ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષના 12 ચાંદ્રમાસ સૂર્ય ચંદ્રની ગતિ- સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. ગુજરાત - મહારાષ્ટ્રમાં સુદ એકમથી અમાસ સુધી ચાંદ્રમાસ ગણાય છે, રાજસ્થાન (મારવાડ, મેવાડ) તથા ઉત્તર ભારતમાં વદ એકમથી સુદ પૂનમ સુધી ચાંદ્રમાસ ગણાય છે.

એક ચાંદ્રમાસની લંબાઇ 29.5 (સાડા ઓગણત્રીસ) દિવસ જેટલી હોય છે. આવા 12 ચાંદ્રમાસનું એક ચાંદ્રવર્ષ બને છે, જે લગભગ 354 દિવસ થાય છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો ચાંદ્રવર્ષની લંબાઇ 354 દિવસ-08 કલાક- 48 મિનિટ- 34 સેકન્ડ જેટલી છે. જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણ આધારિત સૌરવર્ષ (ઋતુચક્ર)ની લંબાઈ 365 દિવસ- 06 કલાક-09 મિનિટ-09 સેકન્ડ છે. સૂક્ષ્મ ગણિતથી તફાવત જોઇએ તો સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ 10 દિવસ -21 કલાક - 20 મિનિટ- 35 સેકન્ડ જેટલું નાનું છે. આમ, સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ આશરે 11 દિવસ નાનું છે. આ તફાવત એક વર્ષને અંતે 11 દિવસ જેટલો, બે વર્ષના અંતે 22 દિવસ જેટલો અને ત્રણ વર્ષના અંતે 33 દિવસ જેટલો થઇ જાય છે. જો આ તફાવતને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેને અવગણવામાં આવે તો આપણાં તહેવારો, ઉત્સવો, વ્રતપર્વ દર વર્ષે 11 દિવસ પાછળ ખસતાં જાય (અંગ્રેજી તારીખની સાપેક્ષમાં 11 (અગિયાર) દિવસ જેટલાં દર વર્ષે વહેલા આવી જાય. આમ થવાથી તહેવાર-વ્રત-પર્વનો ઋતુઓ સાથેનો મેળ જળવાઇ રહે નહીં.

આમ, આસો માસની નવરાત્રિ ભરઉનાળામાં આવી જાય. ચોમાસું, વર્ષાઋતુ, જન્માષ્ટમી વગેરે શિયાળામાં આવી જાય. મકરસંક્રાંતિ, હુતાશણી-હોળી જેવા તહેવાર ચોમાસામાં-વરસાદના દિવસોમાં આવી જાય. આમ ન થાય તેવા શુભ હેતુથી આપણા પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ, પંચાંગ ગણિતના વિદ્વાનોએ ચાંદ્રવર્ષમાં એક વધારાનો માસ (અધિક માસ) ઉમેરવાનું સમજપૂર્વકનું આયોજન કર્યું છે.

મધ્યમમાન (એવરેજ ગણતરી) મુજબ એક અધિક માસ પછી 32 મહિને બીજો અધિક માસ આવે છે, જ્યારે પ્રત્યક્ષ પંચાંગ મુજબ ગણતરી કરી સ્પષ્ટમાનથી એક અધિક માસ પછી બીજો અધિકમાસ 28થી 35 માસ દરમિયાન આવે છે. અંગ્રેજી (ખ્રિસ્તી) વર્ષ એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર 365 દિવસનું છે. જ્યારે સૂર્યની ગતિ આધારિત ઋતુચક્ર સાથે સંકળાયેલું સૌરવર્ષ અગાઉ જણાવ્યા મુજબ 365 દિવસ- 6 કલાક- 9 મિનિટ- 9 સેકન્ડ જેટલી લંબાઈનું છે. આમ, ખ્રિસ્તી વર્ષ એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર વર્ષ પણ સૌર વર્ષ કરતાં લગભગ 6 કલાક નાનું છે. આ 6 કલાકનો તફાવત ચોથા વર્ષે 24 કલાક (1 દિવસ) નો થતો હોવાથી દર ચોથા વર્ષે લીપ વર્ષ 366 દિવસનું ગણીને ફેબ્રુઆરી માસના 28ને બદલે 29 દિવસ લેવાય છે.

પારસી સન હંમેશાં 365 દિવસનો હોય છે. (12 માસ. દરેક માસના 30 રોજ. પછી પાંચ ગાથાના પવિત્ર દિવસો મળીને 365 દિવસ થાય છે) આથી પારસી પતેતી દર ચોથા વર્ષે લીપ વર્ષમાં એક તારીખ વહેલી આવે છે. તેમાં દર 120 વર્ષના અંતે એક અધિક માસ ઉમેરવાની પ્રથા છે.

કાળનો પ્રવાહ અનંત છે, પરંતુ કાળગણનાના પ્રકાર અલગ અલગ (ભિન્ન પ્રકારના) છે. તેથી આવી વિશિષ્ટ બાબતો જોવા મળે છે. અધિક માસને ધર્મશાસ્ત્રમાં `પાવન પુરુષોત્તમ માસ' કહે છે. મુહૂર્તશાસ્ત્રમાં તેને `મળમાસ' કહ્યો છે. તેમાં લગ્ન, જનોઈ, વાસ્તુ કે અન્ય માંગલિક પ્રસંગોનાં મુહૂર્તો હોતાં નથી. સમગ્ર અધિક માસ દરમિયાન જ્ઞાન, સત્કર્મો, ભક્તિ, ઉપવાસ તથા સદવાંચનનો વિશેષ મહિમા છે.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ગણિતની માફક પંચાંગકર્તાઓ ભૂતકાળનાં અને ભવિષ્યનાં વર્ષોમાં અધિક માસનું ગણિત કરી શકે છે. તેના ગણિતમાં સૂર્ય સંક્રાંતિ અંગેના ખાસ નિયમો છે.

સાદા ગણિત મુજબ જ્યારે બે સૂર્યોદય વચ્ચે તિથિ સમાપ્ત ન થતી હોય ત્યારે વૃદ્ધિ તિથિ ગણાય છે. એ જ રીતે બે અમાસ વચ્ચે સૂર્યસંક્રાંતિ આવે નહીં ત્યારે તે ચાંદ્રમાસને અધિક માસ ગણવામાં આવે છે.

અધિક માસ હંમેશાં ચૈત્રથી આસો માસ દરમિયાન જ આવે છે. સાધારણ રીતે કારતકથી ફાગણ વચ્ચે અધિક માસ આવતો નથી. આમ છતાં ઘણાં વર્ષોમાં ક્યારેક (જવલ્લે જ) અધિક ફાગણ આવી શકે છે, પરંતુ કારતકથી મહા સુધીના ચાર મહિના (કારતક, માગશર, પોષ અને મહા) કદાપિ અધિક માસ તરીકે આવતા નથી.

 અધિક માસ દરમિયાન કરવાનાં કાર્ય

ઇષ્ટદેવની ભક્તિ વિશેષ કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ દરરોજ કરવો. પવિત્ર યાત્રાધામની મુલાકાત લેવી. જળાશયના વિકાસ તથા શુદ્ધીકરણ માટે પ્રયત્ન કરવા જોઇએ. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોવાથી તુલસીના છોડના જતન તથા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો. પોતાના આરોગ્યની જાળવણી માટે તુલસીનો વિશેષ ઉપયોગ વિવિધ પ્રકારે કરવો. સાત્ત્વિક સાહિત્યનું વાંચન કરવું. જનસેવા એ પ્રભુસેવા સમજીને જરૂરિયાતવાળા લોકોને શક્ય હોય તે રીતે મદદ કરવી.


  • Follow us on: