• જે દિશામાંથી ઇન્દ્રનો અવાજ સંભળાયો ત્યાં મારુતિ માથું ફેરવીને જુએ છે તો મોટો સફેદ સુંદર ઐરાવત હાથી દેખાય છે

મહેશ્વર તીર્થ, ગોવિંદરાજ, નાગોજી ભટ્ટ, માધવ યોગેન્દ્ર વર્ષોની અથાક મહેનત બાદ રામાયણના તમામ શ્લોકનો વિસ્તૃત અર્થ કાઢી શક્યા. ખાસ કરીને લંકાના યુદ્ધ સમયની ઘટનાઓ તેમજ હનુમાનજીની ઉડ્ડયન ગતિ અંગેની માહિતી મેળવવા માટે તેમણે વિવિધ પૌરાણિક કેલેન્ડરનો પણ અભ્યાસ કર્યો. એમાંનાં કેટલાંક સમીકરણો તો હનુમાનજી દ્વારા હિમાલય પર્વતથી લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટીનું વર્ણન કરતાં હતાં. તદુપરાંત, રામેશ્વરમથી લંકા સુધી અને પૃથ્વીથી સૂર્ય સુધીની એમની છલાંગની ગણતરીઓ પણ ખરા! વાયુદેવના પુત્ર હોવાના નાતે હવામાં ઊડી શકવાની ક્ષમતા તેમની પાસે જન્મસમયથી જ હતી.

નાનપણમાં એક વખત મારુતિએ પોતાના કક્ષની બહાર ગોળમટોળ પીળા લચકતાં ફળને જોયું, તેને લાગ્યું કે આંબાના વૃક્ષ પર કેરી પાકી ગઈ છે અને તુરંત એમના મોંમાં પાણી આવી ગયું. ઝાડનાં પાંદડાંઓની વચ્ચેથી ડોકિયું કરતો સૂરજ મારુતિને કેરીના ફળસમાન પ્રતીત થયો અને તેમણે કેરી ખાવા માટે એ ચમકતાં પીળાં ફળ તરફ છલાંગ લગાવી. વૃક્ષને પાંદડાંને આરપાર વીંધીને તેઓ આકાશમાં ઊંચે-ઊંચે ઊડવા લાગ્યાં, હજુ પણ તેમને અહેસાસ ન થયો કે પોતે જેના તરફ આગળ ધપી રહ્યા છે એ ફળ નહીં પરંતુ સાક્ષાત્ સૂર્ય છે. જોતજોતામાં તેઓ સૂર્ય સુધી પહોંચીને એમને ગળી ગયા! જ્યાં સુધીમાં મારુતિ સૂર્ય સુધી પહોંચ્યા, એ સમયે સૂર્યગ્રહણ થવાનો સમય હતો. નવ ગ્રહોમાંનો એક અદૃશ્ય રાહુ, થોડા સમય માટે સૂર્યને ગળી પોતાનો ઉપવાસ તોડવા માટે તત્પર બન્યો હતો, પરંતુ સૂર્યને મારુતિના મુખમાં રહેલા જોઈને અત્યંત ક્રોધ આવ્યો. તેણે મારુતિ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અલબત્ત, મારુતિની શક્તિ અને બળની સામે રાહુનું કંઈ જ ન ચાલ્યું. ધૂંવાપૂંવા થઈ ઊઠેલો રાહુ ઇન્દ્રદેવ પાસે મદદ માંગવા ગયો. કહ્યું કે, `તમારી જ આજ્ઞા થકી હું થોડા સમય માટે સૂર્યને ગળીને મારી ભૂખ શાંત કરી રહ્યો હતો, પરંતુ લાગી રહ્યું છે જાણે તમે સૂર્ય બીજા કોઇને ભેટમાં આપી દીધો છે!' રાહુની વાત સાંભળીને તુંડમિજાજી ઈન્દ્ર તુરંત પોતાના ઐરાવત હાથી પર બેસીને મારુતિને રોકવા માટે નીકળી પડ્યા, પરંતુ ઈન્દ્ર મારુતિ સુધી પહોંચે એ પહેલાં જ રાહુ ત્યાં પહોંચી ગયો. રાહુને ફરી વખત આવી ચડેલો જોઇને મારુતિએ એને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

સૂર્યની જેમ રાહુને પણ ફળની માફક ગળી જવા માટે તેઓ આગળ ધપ્યા કે તરત રાહુએ મદદનો પોકાર લગાવ્યો અને ઇન્દ્ર ત્યાં હાજર થયા. તેમણે કહ્યું કે, ચિંતા ન કર રાહુ! આ બાળકને હું ખતમ કરી નાંખીશ! જે દિશામાંથી ઇન્દ્રનો અવાજ સંભળાયો એ દિશામાં મારુતિ માથું ફેરવીને જુએ છે તો મોટો સફેદ રંગનો સુંદર ઐરાવત હાથી દેખાય છે. એને પકડવા માટે મારુતિ ઇન્દ્રની દિશામાં આગળ વધે છે કે તરત ઇન્દ્ર પોતાના વજ્રાસ્ત્રનો પ્રહાર એ નાના બાળક પર કરી દે છે. ભગવાન શિવનો અવતાર હોવાને કારણે મારુતિનું મૃત્યુ તો ન થયું પરંતુ તે મૂર્છિત અવસ્થામાં જમીન પર એક પથ્થર સાથે અથડાયો, જેમાં તેમનું હનુ (જડબું) ભાંગી ગયું. આ કારણસર તેમને ભક્તો હનુમાન તરીકે ઓળખે છે. એક નિર્દોષ બાળક પર ઇન્દ્રે કરેલા પ્રહારથી નારાજ થયેલા મારુતિના પિતા વાયુદેવે સૃષ્ટિમાંથી હવા પરત લેવાનું શરૂ કરી દીધું. હવાની ગેરહાજરીમાં તમામ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું. તમામ ભક્તો અને દેવી-દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે મદદની માંગણી કરવા પહોંચ્યાં, ઇન્દ્ર બ્રહ્માજીની વાતને ટાળી ન શક્યો અને તુરંત એણે મારુતિ પરથી વજ્રાસ્ત્રની અસર હટાવી લીધી.

હનુમાન ભાનમાં તો આવી ગયો પરંતુ પોતાના દીકરાનું આવું અપમાન હજુ પણ વાયુદેવના ગળે નહોતું ઊતરી રહ્યું. એમને મનાવવા માટે તમામ દેવોએ હનુમાનને પોતપોતાના તરફથી વરદાન આપવાનો નિર્ણય લીધો. ભગવાન બ્રહ્માએ મારુતિની માવજત લઈને એને તમામ પ્રકારની શારીરિક પીડામાંથી મુક્ત કર્યો. એમણે વાયુદેવને વિનંતી કરી કે સૃષ્ટિનું સંતુલન બગડવા ન દે! તાત્કાલિક વાયુદેવે જીવસૃષ્ટિમાં હવા વહેતી કરી મૂકી. બીજી બાજુ, બ્રહ્માજીએ પણ મારુતિને કોઇ પણ હથિયાર દ્વારા નુકસાન ન પહોંચે એવું વરદાન આપ્યું. સાથોસાથ, મિત્રોને ભયમુક્ત અને શત્રુમાં ભય ઉમેરી શકવાની શક્તિ પ્રદાન કરી. તદુપરાંત, પોતાનું સ્વરૂપ બદલી શકવાની ક્ષમતા પણ એમને વરદાનમાં મળી! ભગવાન શિવે એમને અપ્રતીમ બુદ્ધિક્ષમતા, દીર્ઘાયુ જીવન અને સાગરપાર ઊડી શકવાનું વરદાન આપ્યું. પોતાનાથી થયેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવા માટે ઇન્દ્ર દેવે મારુતિનો દેહ વજ્રાસ્ત્ર કરતાં પણ વધુ મજબૂત બને એવું વરદાન આપ્યું. વરુણ દેવે પાણી સામે રક્ષણ, અગ્નિદેવે આગ સામે રક્ષણ અને યમદેવતાએ પોતાનાં શસ્ત્ર `દંડ' સામે સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું. ધનદેવતા કુબેર તરફથી સદા ખુશ અને સમૃદ્ધ રહેવાના આશીર્વાદ એમને પ્રાપ્ત થયા. સૌથી અગત્યની વાત એ છે કે, સૂર્યદેવે મારુતિને `લઘિમા' અને `ગરિમા' નામની બે સિદ્ધિઓ પ્રદાન કરી, જેની મદદ વડે મારુતિ પોતાના દેહનું કદ વધારી-ઘટાડી શકતા હતા! વિશ્વકર્માએ એમને અન્ય કોઇ પણ હથિયાર સામે સંરક્ષણ અને કામદેવ દ્વારા એમને કામવાસનાથી મુક્ત રહેવાનાં વરદાન મળ્યાં!

અંતે, તમામ દેવો દ્વારા વરદાન આપી દીધા બાદ મારુતિના પિતા વાયુદેવ દ્વારા પણ પોતાના પુત્રને એક વરદાન આપવામાં આવ્યું, જે હતું : હવા કરતાં પણ વધુ ઝડપે ઊડી શકવાની ક્ષમતા!


  • Follow us on: