- કેરળમાં પાંચ વર્ષમાં ચોથી વાર નિપાહ વાઇરસનો પ્રકોપ
કેરળે તેની સ્વાસ્થ્ય વ્યવસ્થા દુરસ્ત રાખી છે તેનું કારણ એ પણ છે કે કેરળની ભૌગોલિકતા રોગચાળામાં ઉમેરો કરે છે. વન્યજીવન અને પશુપાલન નિષ્ણાતો માને છે કે રાજ્ય વિશાળ વનોથી ઘેરાયેલું છે અને તેની તીવ્ર ચોમાસાની પેટર્ન રોગો ફેલાવા માટે રાજ્યને સંવેદનશીલ બનાવે છે
કેરળમાં તાજેતરમાં નિપાહ વાઇરસ પકડાતાં લોકોમાં ફરીથી કોરોના મહામારીની યાદો તાજી થઇ છે. સમાચારો અનુસાર, અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે, જ્યારે બે લોકોનાં મોત થયાં છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કન્નુર, વાયનાડ અને મલપ્પુરમમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંની 7 ગ્રામ પંચાયતોને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. આ વિસ્તારો અને અહીંની હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ પહેલાં 2018માં કેરળમાં આ વાઇરસની પુષ્ટિ થઈ હતી. તે ડુક્કર અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ અથવા તેમના પ્રવાહી દ્વારા ફેલાય છે. 1999માં મલેશિયા અને સિંગાપોરમાં લોકોમાં આ રોગ ફાટી નીકળ્યો તે દરમિયાન વાઇરસની ઓળખ પ્રથમ વખત થઈ હતી.
નિપાહ વાઇરસના સમાચારો આવતાં લોકોમાં એક સહજ પ્રશ્ન એવો પુછાય છે કે કેરળમાંથી જ વાઇરસ કેમ પકડાય છે? અગાઉ, કોરોનાનો પહેલો કેસ પણ કેરળમાં નોંધાયો હતો. ઇનફેક્ટ, છેલ્લા બે દાયકામાં કેરળ રાજ્યએ 10 જેટલા વાઇરલ અને નોન-વાઇરલ રોગ પકડવામાં સફળતા મેળવી છે. એનું કારણ એ નથી કે રાજ્યમાં રોગ વધારે છે, એ તો બીજાં રાજ્યોમાં પણ એટલા જ છે, અસલી કારણ એ છે કે બીજાં રાજ્યોની સરખામણીમાં કેરળની સ્વાસ્થ્ય ચોકસાઈ વ્યવસ્થા એકદમ દુરસ્ત છે.
કોવિડ-19નો રોગ ફાટી નીકળ્યો ત્યારે પ્રકાશિત થયેલા એક લેખમાં, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (હુ) કેરળની કેસોના સક્રિય રિપોર્ટિંગની વ્યૂહરચના માટે અને શરૂઆતના થોડા મહિનાઓ દરમિયાન કેસોની સંખ્યા નિયંત્રણમાં રાખવાની સિદ્ધિની પ્રશંસા કરી હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે, `રાજ્યએ સંસાધનોને ઝડપથી તહેનાત કરવા અને સમયસર વ્યાપક પ્રતિસાદ આપવા માટેના તેના અનુભવનો અસરકારક ઉપયોગ કર્યો હતો.'
કેરળના રોગચાળા નિષ્ણાત ડૉ. ગિરિધર બાબુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેરળને વાઇરસને ઝડપથી પકડવાની ક્ષમતા માટે એક મૉડેલ રાજ્ય ગણવું જોઈએ. તેમણે કહ્યું હતું, `રોગચાળો ફાટી નીકળવાની જાણકારી આપવા બદલ રાજ્યની ઘણી વખત ટીકા કરવામાં આવે છે તે બરાબર નથી. રાજ્યનું સક્રિય સર્વેલન્સ મિકેનિઝમ, હેલ્થકેર વર્કર્સ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સની ક્ષમતા વધારવાની કવાયત, સામુદાયિક ભાગીદારી અને વ્યૂહાત્મક દરમિયાનગીરીના કારણે વાઇરસ શોધવામાં મદદ થાય છે એટલું જ નહીં, રોગના પ્રકોપને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ થાય છે.'
2018માં, જ્યારે કોઝિકોડમાં નિપાહના 18 કેસ નોંધાયા હતા, ત્યારે દેશ તો ઠીક, રાજ્યમાં પણ બહુ ઓછા લોકોને `ક્વૉરન્ટિન' અને `પીપીઇ કિટ' વગેરે જેવી બાબતો વિશે ખબર હતી. તેમ છતાં, કેરળે છેક 2001માં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં નિપાહ ફાટી નીકળવાની અને 2007માં બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લામાં લગભગ 50 લોકોને ચેપ લાગ્યાની નોંધ લીધી હતી.
કેરળે છેક 2001થી આફ્રિકામાં ફેલાયેલા ઇબોલા રોગચાળાના પ્રોટોકોલને અનુસરવાનું નક્કી કર્યું હતું. કેરળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના અલેપ્પી સેન્ટર અને બાયોટેક્નોલોજી વિભાગનું પ્રાદેશિક રાજીવ ગાંધી બાયોટેક્નોલોજી સેન્ટર પાસે વાઇરોલોજી એક સરસ ટીમ છે.
વાઇરસને નિયંત્રિત કરવામાં સરકારની સફળતાની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બાદમાં `વાયરસ' નામની મલયાલમ ફિલ્મ રજૂ કરવામાં આવી, જેમાં રોગચાળાને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું હતું.
બીજો ફાયદો એ છે કે કેરળમાં સાક્ષરતાનો દર ઘણો ઊંચો છે. પરિણામે દૂરનાં ગામડાંઓ સુધી લોકોને રોગનાં લક્ષણોથી શિક્ષિત કરવાનું આસાન છે. આ જાણકારી રોગોની પ્રારંભિક તપાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કોવિડના રોગચાળામાં, દેશનાં અન્ય રાજ્યોના લોકો વ્હોટ્સએપની અફવાઓને `સમાચાર' માની રહ્યા હતા- જેમ કે, સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી વાઇરસ સામે રક્ષણ મળી શકે છે એવો દાવો કરતાં સંદેશાઓ- ત્યારે કેરળના મોટાભાગના લોકોને પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ થયો હતો અને તેઓ સરકારની વિજ્ઞાનિક સૂચનાઓનું અનુસરણ કરતા હતા. ભણેલા-ગણેલા હોવાનો આ ફાયદો હતો.
કેરળે તેની સ્વાસ્થ્ય વ્યવસ્થા દુરસ્ત રાખી છે તેનું કારણ એ પણ છે કે કેરળની ભૌગોલિકતા રોગચાળામાં ઉમેરો કરે છે. વન્યજીવન અને પશુપાલન નિષ્ણાતો માને છે કે રાજ્ય વિશાળ વનોથી ઘેરાયેલું છે અને તેની તીવ્ર ચોમાસાની પેટર્ન રોગો ફેલાવા માટે રાજ્યને સંવેદનશીલ બનાવે છે. કેરળમાં પ્રવાસીઓ ખૂબ આવે છે. કોવિડનો કેસ ચીનના વુહાનથી આવેલા પ્રવાસી મારફતે આવ્યો હતો.
કેરળના બહુ લોકો પરદેશોમાં રહે છે અને તેમની અવરજવર પણ ખૂબ છે. રાજ્યના બહુબધા લોકો વિદેશોમાં મેડિકલ સાયન્સમાં ભણે છે અથવા કામ કરે છે. તેમના પર વાઇરલ હુમલાઓનું સંકટ હોય છે અને તેઓ જ્યારે ભારત પાછા આવે છે ત્યારે બીજા લોકોને પણ તેનાથી પ્રભાવિત કરે છે.
`નેચર' નામના એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં તાજેતરના પ્રગટ એક અધ્યયન મુજબ, અન્ય સંભવિત કારણમાં કેરળના પશ્ચિમ ઘાટમાં વન્યજીવોના નિવાસસ્થાનમાં માણસોનું અતિક્રમણ પણ છે. પાછલાં ઘણાં વર્ષોથી કેરળમાં, શિકારી પ્રવૃત્તિથી કે સહેલાણીઓથી, માણસો અને વન્યજીવો વચ્ચે સંસર્ગ વધ્યો છે અને એથી પણ વાઇરસો સમાજમાં આવે છે.
વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કહે છે કે કુદરતી સ્થાનોમાં જેમ જેમ માનવ પ્રવૃત્તિમાં વધારો થાય છે, તેમ તેમ જંગલી પ્રજાતિઓ તરફથી લોકો અને ઘરેલુ પ્રાણીઓમાં ચેપી રોગ ફેલાવાનું જોખમ વધતું જાય છે. પશ્ચિમ ઘાટનાં જંગલોમાં માણસોનું અતિક્રમણ અને જંગલોમાં ફળોના અભાવથી ચામાચીડિયાંની પ્રજાતિ કેરળમાં માનવ વસાહતો તરફ આકર્ષાય છે. આ ચામાચીડિયાં વિવિધ રોગો વહન કરી શકે છે, તેથી રોગ ફાટી નીકળવાનું વધુ શક્ય બને છે.
જોકે, મહત્ત્વની વાત એ છે કે માણસોમાં રોગ હોય તો પણ એને પકડવો કેવી રીતે? કેરળની સ્વાસ્થ્ય વ્યવસ્થા અહીં કામમાં આવે છે. તમે જો કોઈ ચીજ શોધો જ નહીં, તો તે કેવી રીતે મળે? જેમ કે, ઝિકા વાઇરસનું ઉદાહરણ લો. મધ્ય પ્રદેશમાં એ રોગ ઘણા સમય સુધી હતો, પરંતુ ચેકિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી તે વિલંબથી ધ્યાનમાં આવ્યો હતો. બીજાં રાજ્યોમાં વાઇરસ જોવા નથી મળતો એનો અર્થ એવો સહેજ પણ થતો નથી કે ત્યાં વાઇરસની ગેરહાજરી છે, તેનો અર્થ એ પણ થાય છે કે તેને પકડાવાની વ્યવસ્થા કમજોર છે.
ભારતમાં કોવિડ રોગચાળા વખતે કેરળમાં સૌથી વધુ રિકવરી રેટ, નીચો મૃત્યુદર અને વાઇરસનો ધીમો ફેલાવો હતો તેનું કારણ તેની મજબૂર સ્વાસ્થ્ય વ્યવસ્થા છે.
2020 અને 2021માં સતત બે વર્ષ સુધી કોવિડ-19 રોગચાળા સામે ઝઝૂમવાના અને અગાઉના ચેપના અનુભવોથી કેરળને રોગો સામે લડતાં આવડી ગયું છે. આરોગ્ય ક્ષેત્રે કેરળ વિશ્વ માટે રોલમૉડેલ છે. ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં કેરળે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સરકાર સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ કૉલેજો અહીં ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. બીજાં રાજ્યોએ આ શીખવા જેવું છે.










