ભોળાનાથની પૂજા લિંગરૂપે થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. શિવજી જ એક એવા દેવ છે જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર, ગરીબ, ઊંચનીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેવાં કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરું વગેરેની પૂજા પણ કરાય છે.
શ્રી શિવમહાપુરાણના સૃષ્ટિખંડમાં વર્ણન છે કે બ્રહ્માજીના પુત્ર સનતકુમાર વેદવ્યાસજીને ઉપદેશ આપતાં કહે છે કે દરેક ગૃહસ્થે દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષા લઈને પંચદેવો (શ્રી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શંકર)ની પ્રતિમાઓનું દરરોજ પૂજન કરવું જોઈએ. ભોળાનાથ શિવજી જ સૌનાં મૂળ છે, મૂળ (શિવજી)ને સીંચવાથી બધા જ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે, પરંતુ બધા જ દેવતાઓને તૃપ્ત કરવા છતાં પણ પ્રભુ શિવ તૃપ્ત થતા નથી. આ રહસ્ય દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષિત વ્યક્તિ જ જાણે છે. સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુએ એક વાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિર્ગુણ, નિરાકાર, અજન્મા બ્રહ્મ (શિવ)ને પ્રાર્થના કરી, `હે પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો?' શિવજી બોલ્યા, `મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો. જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુ:ખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુ:ખોનો નાશ થાય છે.'










