હોળી-ધુળેટીનો તહેવાર આમ તો આપણાં દેશમાં દરેક જગ્યાએ ઉજવાય છે. ભલે પછી નામ અલગ હોય પણ તેની ઉજવણી દરેક પ્રદેશના લોકો પોતપોતાની પરંપરા મુજબ કરતાં હોય છે, પણ આપણાં દેશમાં કયા શહેરની ઉજવણી સૌથી પ્રખ્યાત છે એવું પૂછવામાં આવે તો? તરત મથુરાના બરસાનાનું નામ યાદ આવે. અહીં હોળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આપણે રૂટિન લાઇફથી ચેન્જ મેળવવા માટે નાનીમોટી ટ્રીપનું આયોજન કરતાં રહેતાં હોઇએ છીએ. રજાઓનું એડજેસ્ટમેન્ટ કરીને આ આયોજનો થાય છે, તો ખરેખર રજાઓ જ હોય ત્યારે જ ટ્રીપ પ્લાન કરવાથી ઘણો ફાયદો થઇ જાય. વળી આ રજાઓમાં ખાસ હોળીના તહેવારની જે જગ્યાએ સુંદર ઉજવણી થાય છે ત્યાં જવાનો પ્લાન કરી શકાય જેથી બરસાનાની હોળી વિશે જે સાંભળ્યું છે તે જાતે જ અનુભવવા મળે. અલબત્ત, જે લોકો ભીડથી દૂર રહેવાનું વિચારતા હોય અને શાંતિવાળી જગ્યાએ જવાનું પસંદ કરતાં હોય એમણે આ પ્લાન ન બનાવવો જોઈએ, કારણ કે હોળીમાં મથુરામાં વિશેષ ભીડ જોવા મળતી હોય છે.
મથુરા, બરસાનામાં લઠમાર હોળીનું સેલિબ્રેશન થાય છે, અહીં પરંપરાગત વસ્ત્રો પહેરીને સ્ત્રી-પુરુષો ખાસ સેલિબ્રેશન કરે છે. પર્યટકો પણ ઇચ્છે તો પરંપરાગત હોળી સેલિબ્રેશનમાં જોડાઇ શકે છે. હોળી-ધુળેટીમાં બરસાનાની દરેક ગલીમાં રાધા-કૃષ્ણનાં ગીતો સાથે આખો દિવસ હોળીની ઉજવણી થતી રહે છે.
મથુરામાં ફરવાલાયક સ્થળો :
બે દિવસની રજાઓમાં તમે મથુરા જતાં હોવ તો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો એ કંસની જેલ જોવા તમે જઇ શકો છો, આ જગ્યાને કૃષ્ણ જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને મંદિરમાં દર્શનની સાથે આકર્ષક ગુફાઓમાં પણ ફરવા મળશે. અલગ અલગ ગુફાઓ જોવા માટે તમારે અલગથી ટિકિટ લેવી પડશે.
બાંકેબિહારી મંદિર
અહીંથી વૃંદાવન જાવ તો ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત બાંકેબિહારી મંદિર પણ જઈ શકો છો. આ આખું મંદિર રાજસ્થાની શૈલીમાં બનાવવામાં આવ્યું છે, મતલબ કે મંદિરની અંદરની કોતરણી વગેરે રાજસ્થાની શૈલીની છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ બાળસ્વરૂપ છે. અહીં એક પણ ઘંટ કે શંખ નથી. મંદિરમાં ઘંટ ન હોય એ નવાઈની વાત કહેવાય પણ માન્યતા એવી છે કે બાળ શ્રીકૃષ્ણને આ વાદ્યનો અવાજ પસંદ ન હોવાથી ખાસ બાંકેબિહારી મંદિરમાં એ નથી રાખવામાં આવતા.
ઉજવણી કેવી રીતે થાય છે?
બરસાનામાં હોળીની ઉજવણી કરવા સૌથી પહેલાં યશોદા કુંડ તરફ લોકો જાય છે, ત્યાં ઠંડાઈથી એમનું સ્વાગત કરવામાં આવે છે. ત્યાંની પરંપરા એવી છે કે નંદગાંવથી બરસાનાને હોળી રમવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવે છે. અહીં રંગોના વરસાદની સાથે સાથે સ્ત્રીઓ લાઠીઓનો પણ વરસાદ વરસાવે છે. કહેવાય છે કે આ લાઠી જેને લાગે એ નસીબદાર. પુરુષો ખાસ આ પ્રસંગે મહિલાઓના હાથેથી લાઠી ખાવાનું પસંદ કરતાં હોય છે. એને શુકન માનવામાં આવે છે. એ સિવાય બાંકેબિહારીના ગામમાં પાણી અને કલર વડે લોકો ખુશી ખુશી હોળી રમે છે. આખો દિવસ અહીં હોળીનું સેલિબ્રેશન ચાલતું રહે છે.
કેવી રીતે જશો?
હોળી-ધુળેટીમાં મથુરામાં ભીડ વધારે પ્રમાણમાં હોય છે એટલે બુકિંગ વગેરે થોડું એડવાન્સમાં કરાવવું જરૂરી છે. દિલ્હીથી મથુરા અઢી કલાક દૂર છે. દિલ્હી ટ્રેન ફ્લાઇટ કે બસ દ્વારા પહોંચીને ત્યાંથી યમુના એક્સપ્રેસમાં મથુરા જઇ શકો છો. હોળી-ધુળેટીના સમયે મથુરામાં ફરવા માટે પોતાનું વાહન ન લેવું, ત્યાંની લોકલ રિક્ષાનો ઉપયોગ કરવો, કારણ કે એ સમયે અહીં ભીડ હોવાથી પાર્કિંગની સમસ્યા જટિલ હોય છે.