રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીવાળા દેશ અમેરિકામાં અઢારથી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીના 36 ટકા છે, પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.
અમેરિકાએ 1971ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જોકે, ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. 1996માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેક્શનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ 2008માં બરાક ઓબામાના ઈલેક્શન વખતે બદલાયું હતું. હવે કુલ યુવા મતદારોમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા, પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.
દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉંમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે, પરંતુ આફ્રિકાના ભાગ્યે જ કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે.
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વરસના છે. તેઓ યુવાનો જેવી ઊર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ, ન રિટાયર્ડનું વલણ ધરાવતા હોવાનું કહેવાય છે. જોકે, રાજનીતિમાંથી નિવૃત્તિની ખુદ તેમણે બાંધેલી 75 વરસની વયે પહોંચવામાં છે.
ભારત પણ યુવા વસ્તીનો દેશ છે. 2011માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી 50 ટકા હતી, પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. 1952થી 57ની પહેલી લોકસભાના સમયગાળામાં 25થી 40ની વય ધરાવતી વસ્તી દેશમાં 22.25 હતી. આ જ ઉંમરના લોકસભા સભ્યો 30.30 ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે 1952ની 22.25 ટકાની યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને 25.76 ટકા થઈ છે, પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ પહેલી લોકસભામાં જે 30.30 ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં 10.68 ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે, પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ત્રણ ગણું ઘટ્યું છે. વળી, પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય 46.5 વરસ હતી, આજે અઢારમી લોકસભામાં 55.6 વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ 19 ટકા લોકસભ્યો 55 વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં 51 ટકા લોકસભા સભ્યો 55 વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃદ્ધો વધી રહ્યા છે.
1896માં જન્મેલા મોરારજી દેસાઈ 1977માં વડાપ્રધાન બન્યા ત્યારે 81 વરસના હતા. રાજીવ ગાંધી માત્ર 40 વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ 58 અને ઈન્દિરા ગાંધી 49 વરસની ઉંમરે વડાંપ્રધાન બન્યાં હતાં. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર તેર દિવસના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની વય 72 વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી પદે પહોંચ્યા હતા. 29 વરસની વયે 1967માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા 34 વરસે અસમના અને શરદ પવાર 38 વરસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ચૂક્યા હતા. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે તેની નવી હરોળના, પ્રમાણમાં મધ્ય વયના નેતાઓને મુખ્ય પ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાનમંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે.
રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનનાં પદોમાં પણ જુવાનિયાઓને બદલે બુઝુર્ગોને આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જયપ્રકાશ નડ્ડા 64 વરસના છે, તો વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 82ના છે. વળી, યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રીમંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ, પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.
જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉંમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે, પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું?
એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડાપ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતનાં દીર્ઘ દૃષ્ટિનાં કામો કર્યાં, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી, એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમના સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયોભયો એવું ન હોય.
પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર તે જ સાચું નથી. 1869માં જન્મેલા મોહનદાસ ગાંધી 1915માં ભારતમાં આવ્યા ત્યારે 46 વરસના હતા. 46 વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ન માત્ર ઘરડાં ગાડાં વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે, પણ તે જ એકમાત્ર માપદંડ ન હોઈ શકે.
યુવા અને વયસ્ક, નવજુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધાં ક્ષેત્રોમાં સારાં પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવનાં ગાણાં ગાવાનાં બંધ કરવાં પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શીખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્ત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીઝ હૈ?