- આંખમાં આંસુ ફક્ત ખુશી અને દુઃખના કારણે જ આવે છે એવું નથી
જ્યારે પણ તમે ખૂબ ખુશ કે ઉદાસ હોવ ત્યારે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આંખોમાંથી આંસુ કેમ આવે છે? એ પાછળનું કારણ શું હોઇ શકે?
કોઇ વ્યક્તિ જ્યારે દુઃખી અથવા અત્યંત ખુશ હોય છે, ત્યારે તે રડવા લાગે છે. જેનાથી તેની આંખોમાં આંસુ આવી જાય છે. આંખમાં આંસુ ફક્ત ખુશી અને દુઃખના કારણે જ આવે છે એવું નથી. આ સિવાય કેટલીકવાર ઇન્ફેક્શનના કારણે પણ આંખોમાંથી પાણી પડવા લાગે છે. તેની પાછળનું કારણ શરીરમાં હોર્મોન્સમાં ફેરફારો હોવાનું કહેવાય છે. જેમાં એડ્રેનાલિન લેવલમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ હોર્મોન્સમાં થતાં ફેરફારોની સીધી અસર આંખો પર પડે છે. જેના કારણે આંખોમાં પાણી આવવા લાગે છે. ત્રીજા પ્રકારનાં આંસુ એટલે કે રડીએ ત્યારે આંસુ આવે છે. વ્યક્તિ જ્યારે ભાવુક થાય ત્યારે આંસુ આવે છે. એનું કારણે એ છે કે આપણા મગજમાં લિમ્બિક સિસ્ટમ છે. તેમાં મગજનો હાઇપોથેલેમસ હોય છે. જે નર્વસ સિસ્ટમ સાથે સીધા સંપર્કમાં આવે છે. આ સિસ્ટમના ચેતાપ્રેષકો સંકેતો આપે છે અને આપણે કોઇ પણ ભાવુકતાની ચરમસીમા પર આવીએ ત્યારે રડી પડીએ છીએ.
તમને જાણીને નવાઇ લાગશે કે આંસુના પણ ત્રણ પ્રકાર હોય છે. સૌ પ્રથમ એલર્જી, ચેપ અથવા આંખની સમસ્યાને કારણે આંસુ આવે છે. જેને પાણીવાળી આંખો કહેવામાં આવે છે. બીજા પ્રકારનાં આંસુ એ છે જે તેજ પવન અથવા હવામાન વગેરેને કારણે આંખમાં આવે છે. ત્રીજા પ્રકારનાં આંસુ આપણા રડવા અથવા ભાવનાઓ સાથે સંકળાયેલાં છે, એટલે આ ત્રણ કારણોસર આંખમાંથી આંસુ આવે છે.
આંસુ પહેલાં કંઇ આંખમાંથી આવે છે?
જ્યારે આંખમાંથી આંસુ આવે છે ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે કંઇ આંખમાંથી આંસુ પહેલાં પડે છે? તો વૈજ્ઞાનિકોનાં તારણોને આધારે એવું જાણવા મળ્યું છે કે, ભાવનાત્મક રુદન માટે હોર્મોન્સ જવાબદાર છે. મગજનો જે ભાગ હસતી વખતે સક્રિય થાય છે તે જ ભાગ રડતી વખતે પણ સક્રિય થાય છે. સતત હસવા અથવા રડવાના કિસ્સામાં મગજમાં કોષો પર વધુ તાણ આવે છે. આવી સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનોલિન નામના હોર્મોન્સનો શરીરમાં સ્ત્રાવ થાય છે. હસતી વખતે કે રડતી વખતે શરીરમાં થતી પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ માટે પણ આ હોર્મોન્સ જવાબદાર હોય છે. તેથી હસતી અને રડતી વખતે જે આંસુ વહે છે તે એકસરખાં હોય છે, પણ રસપ્રદ વાત એ છે કે ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી અને દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી વહે છે. જોકે, આમાં અમુક લોકો અપવાદ હોઇ શકે છે.