જાહન્વી કપૂર શિખર પહેરિયાને લાંબા સમયથી ડેટ કરી રહી છે. આ બંને હવે પોતાના સંબંધ બાબતે ઓપન થઇ ગયાં છે. બંને છૂટથી એકબીજાના ફોટા શેર કરે છે જ્યારે જાહન્વીએ તો મંગળસૂત્રની માફક શિખરના નામવાળી ચેઇન પણ પહેરવાની શરૂ કરી દીધી છે. વેસ્ટર્ન આઉટફિટ હોય કે ઇન્ડિયન જાહન્વીના ગળામાં ચેઇન તો હોય જ છે. ઘણા દિવસથી મીડિયા સહિત તેના ફેન્સે પણ આ વાત નોંધી છે. શિખર જાહન્વી સાથે ડેટ કરતો થયો ત્યારથી જ લાઇમલાઇટમાં આવ્યો છે. બધાંને એક જ સવાલ છે કે આખરે એ છે કોણ? શિખર મૂળ પ્રસિદ્ધ બિઝનેસમેન સંજય પહેરિયાનો દીકરો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે શિખરના નાનાજી થાય.
શિખરનો નાનો ભાઇ પણ છે. એનું નામ વીર છે. વીર અને સારા અલી ખાન એક સમયે ડેટ કરતાં હતાં. આ વાતની કબૂલાત ખુદ સારાએ પણ કરી હતી. એક શોમાં સારા અને જાહન્વી બંને પહોંચ્યાં હતાં ત્યારે એમણે કહ્યું હતું કે એક સમયે અમે બે ભાઇઓને ડેટ કરતાં હતાં. અલબત્ત, થોડા સમય બાદ વીર અને સારાનું બ્રેકઅપ થઇ ગયું હતું, પણ હવે સમાચાર એવા છે કે સારા અને વીર વચ્ચે પેચઅપ થઇ ગયું છે. આ બંને લંડનમાં મિત્રો સાથે વેકેશન માણી રહ્યાં હોવાના ફોટા ખુદ સારાએ જ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા છે જેમાં એ બંને ખૂબ ખુશ હોવાનું જણાય છે.










