2006. સ્થળ આર્જેન્ટિનાનું પાટનગર બ્યુએનોસ એરીસ. આર્જેન્ટિનન ફૂટબોલ એસોસિએશનની જગ્યા જ્યાં મેસી જેવા મહાન ખેલાડીએ ટ્રેનિંગ લીધી છે.
બીજા દિવસે અતિ મહત્ત્વની જે મેચ રમાવાની હતી તેની સ્ટ્રેટેજી ખેલાડીઓ વચ્ચે બંધ બારણે પ્લાન આઉટ થઇ રહેલી. ત્યાં ટકોરા સંભળાયા. ખેલાડીઓની ટીમના કોચે દરવાજો ખોલ્યો. જોયું તો એક નાનકડો છોકરો હતો, એનું નામ હતું જુઆન. એ કોચને કહે કે એ બધાને મળવા આવ્યો છે અને બધા ખેલાડીઓને ચર્ચ લઇ જવા માંગે છે. કોચે હસીને શાંતિથી જવાબ આપ્યો કે તમારો આભાર, પણ અત્યારે ચર્ચ જવાનો સમય નથી. પણ આ તો બાળક, બાળહઠ છોડે? એણે આગ્રહ કર્યો કે ના, તમે બધા મારી સાથે ચર્ચ આવો જ.
કોચ તો પણ ન માન્યો તો પેલા છોકરાએ બહુ અચરજભરી વાત કરી કે મારા પર વિશ્વાસ રાખો. બધા ખેલાડીઓ મારી સાથે ચર્ચ આવશે અને અહીં એના રૂમ પર પરત ફરી રહ્યા હશે ત્યારે અમુક ખેલાડીઓ દેખતા થઇ જશે. આવું સાંભળીને કોચ ચૂપ થઇ ગયો. હવે એક ખેલાડી ઊભો થયો અને કડક ટોનમાં કહ્યું, કે જો હું તારી સાથે ચર્ચ આવું અને દેખતો થઇ જઉં તો આવતી કાલની ફૂટબોલ મેચ હારી જઈશ અને તને ખૂબ મારીશ! પેલો છોકરો ભાગ્યો અને બધા ખેલાડીઓ બીજા દિવસની ગેમ વિષયક ચર્ચામાં લાગી પડ્યા. હા, બધા જ ખેલાડીઓ અંધ હતા, કોચ સિવાય. બીજા દિવસે બધા બસમાં ફૂટબોલના મેદાને પહોંચ્યા તો આ કોચ સાથે એક સિલ્વીઓ નામનો ખેલાડી હતો. તેણે કોચને કહ્યું કે મને આજુબાજુના પરિસરની બધી જ માહિતી આપો. કોચે શક્ય એટલી માહિતી આપી. સિલ્વીઓને સંતોષ ન થતાં તેણે પૂછ્યું કે ક્યાંય તમને મારા શહેર `સાન પેડ્રોનો' ઝંડો દેખાય છે?
કોચે હજારોના ઓડિયન્સમાં નજર નાખીને તે ઝંડો ગોત્યો. સિલ્વીઓ કહે કે એ મારી પત્ની છે. તેણે ધર્મપત્ની બાજુ હાથ હલાવ્યો. એ સાઈડના લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પછી મેચ શરૂ થયો. અંધ ખેલાડીઓને બોલ ક્યાં છે એ ખબર પડે એટલે બોલની અંદરથી અવાજ આવતો હોય અને હજારો દર્શકોમાંથી એક પણ વ્યક્તિને અવાજ કરવાની છૂટ ન હોય. નીરવ શાંતિ હતી અને ન જીતી શકાય એવી અઘરી મેચ આર્જેન્ટિનાના ખેલાડીઓ જીતી ગયા. અચાનક સાયલન્સ બ્રેક થયું અને ગગનભેદી હર્ષનાદોથી આ અંધ ખેલાડીઓને વધાવી લેવામાં આવ્યા. આ વાત જ્યારે કોચ ગોન્ઝાલો વિલેરીનો કહે છે ત્યારે ઓડિયન્સમાંથી કેટલા બધાની આંખ ભીની છે. ફૂટબોલ મેચ ક્યારેય નિહાળી પણ ન હોય એવી ટીમ અશક્યને શક્યમાં ફેરવી શકી એનું કારણ હતું તેઓનું જબરદસ્ત ટીમવર્ક.
માણસ સમૂહાચારી હતો કે પછી હજુ છે, પણ ટોળું જેમ જેમ સિવિલાઈઝ્ડ થતું ગયું એમ સમાજ સ્થપાતો ગયો. સમાજ એટલે શું? એક ટીમ જ ને, પણ ઉત્ક્રાંતિ દરમિયાન પેલા ગુફા સમયના ટોળાના જનીનો હજુ સાવ ભૂંસાયા નહિ. આપણા દેશવાસીઓમાં તો ખાસ નહિ એટલે ટીમ સ્પિરિટ વિકસવાને બદલે ટોળાપણું વિકસ્યું. (આભાર કુદરતનો કે ઘેટાને માણસની ભાષા સમજવાની શક્તિ નથી આપી, બાકી તેઓ શરમના માર્યા....) વસ્તારી કુટુંબમાં જન્મેલા સરેરાશ બાળકમાં તો ટોળાશાહીના લખણ બાય ડિફોલ્ટ આવી જાય છે. જો નાના સ્વતંત્ર ફેમિલીમાં જન્મ થયો હોય તો તો વધુ પ્રોબ્લેમ, ટોળા પ્રત્યે તેમને વધુ આકર્ષણ થશે, શેરિંગના ગુણના અભાવે. આજુબાજુ નજર કરો. ટાંટિયાખેંચની પ્રવૃત્તિ, ચડસાચડસીની વૃત્તિઓ, દંભખોરીની મસલતો એ જ ચાલ્યા કરે. વિશાલને ટ્વિટ ડિલીટ કરીને માફી માંગવી પડે, જીયોનું કાર્ડ આવે તો એમાં પોલિટિક્સ આવે, ખાટલા આવે ને ચોરાય વગેરે વગેરે સાવ ફૂદ્દું વાતોમાં આખો દેશ સામૂહિક સમય બગાડે. દિશાહીનતા એ ટોળાનું પહેલું લક્ષણ હોય છે, જે આપણી લક્ઝરી બની ગઈ છે.
ટીમ એટલે શું એ ખરેખર આપણે સમજ્યા નથી. આઝાદીનાં વર્ષો પછી પણ અમુક મહાન ચિંતકો ચર્ચા કર્યા કરે છે કે ગાંધીજી એકને કારણે કંઈ આઝાદી નથી મળી આપણને. અરે ભાઈ! ગાંધીજીએ ભારત આવીને પહેલું કામ એ જ કર્યું, ટીમ બનાવવાનું જેના તેઓ લીડર બન્યા. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહેલો પગ ત્યારે મૂકી શક્યો જ્યારે એની પાછળ ચાલીસ હજારથી વધુ નિષ્ણાતોની ટીમની વર્ષોની મહેનત હતી. શેરલોક હોમ્સનું રિયલ લાઈફ અસ્તિત્વ ન હોવા છતાં પણ કરોડો લોકો એને રોજ યાદ કરે છે, કારણ કે ડૉ. વોટ્સન સાથે એની ટીમ હતી. `અમે તો જિસસ કરતાં પણ વધુ પ્રખ્યાત થઇ ગયા છીએ' એવું જ્હોન લેનન ત્યારે બોલી શકે જ્યારે બીટલ્સ જેવું અલ્ટ્રા સ્ટ્રોંગ ગ્રૂપ હોય. આખી દુનિયાને હંફાવનાર લાદેનની છાતીમાં ગોળીઓ કોઈ એક ટીમ ધરબી શકે, એકલદોકલ માણસ નહિ. ટીમ એ સફળતાનું કન્ફર્મેશન છે અને જો ટીમ બનાવ્યા પછી પણ ધારી સફળતા ન મળી તો સમજવું કે ટીમના એકાદા મેમ્બરમાં પેલા ટોળાશાહીના જનીનો સુષુપ્ત પડેલા છે.
ટીમવર્ક શીખવું, ટીમસ્પિરિટ આત્મસાત્ કરવી બહુ જ જરૂરી છે, ભલેને તમે એકલા કામ કરતા હો તો પણ.
વીસમી સદીમાં બધું જ મહત્ત્વનું થઇ ગયું છે, આઈન્સ્ટાઇન પણ આવી ગયો ને ગાંધીજી પણ ગયા. હવે કોઈ ક્રાંતિકારી કદમ ભરવું એ એકલદોકલ ઇન્સાનની વાત નથી. સ્ટીવ જોબ્સની પણ એપલ ટીમમાંથી હક્કાલપટ્ટી થઇ શકે, જો એ ટીમનો ભાગ બનીને ન રહે તો. શેરિંગ એન્ડ કેરિંગનો સમય છે તો આપણી આજુબાજુના બધાનું ભલું થાય એ ખેવનાથી આગળ વધીએ તો જ આપણો વિકાસ થાય. આ ફિલસૂફી નહિ પણ પાયાગત વિજ્ઞાન છે. જ્હોન નેશ `અ બ્યૂટીફૂલ માઈન્ડ'માં ગણિતથી એવા મતલબનું સમજાવે છે કે કેન્ટિનમાં 5 છોકરાઓની સામે માત્ર 3 છોકરીઓ છે. જો બધા વારાફરતી કોઈ એક છોકરી પાસે જશું તો રિજેક્ટ થવાના ચાન્સીસ વધુ છે અને કોઈને છોકરી નહિ મળે. એના કરતાં આપણે ટીમ બનાવીને એમની રાહ જોઈએ તો એટલિસ્ટ આપણા પાંચમાંથી ત્રણ તો ખાલી હાથ નહિ જાય! આ છે ટોળા અને ટીમ વચ્ચેનો તફાવત કે તમે ઈન્ડિવિઝ્યુઅલ હો તો પણ ટીમસ્પિરિટ નહિ હોય તો ફેંકાઈ જશો. ગૂગલ જેવી કંપની એટલે જ સતત સફળ થતી રહી છે, કારણ કે ત્યાં ટીમ ભાવના છે. એમ્પ્લોયીને ટોળાના ગણીને યુનિફોર્મ પહેરાવીને પંચ મશીનમાં એન્ટ્રી ફરજિયાત નથી કરાવતા, પણ તેમને છુટ્ટોદોર આપે છે એટલે એમ્પ્લોયીમાં આપોઆપ ટીમસ્પિરિટ જન્મે છે અને વર્લ્ડ બેસ્ટ રિઝલ્ટ આવે છે, જેનું પરિણામ તમારી સામે છે.
આ સાદી વાત મા-બાપ, સ્કૂલે જતાં બાળકો અને તેના શિક્ષકો, કોઈ પણ સંસ્થા-કંપની, ખાસ કરીને યુવાનો અને સરકાર અપનાવી લે તો પણ ટોળાના વંટોળમાં મીણબત્તી કેટલો સમય રહી શકે? ટીમ ફોર્મ કરવા માટે લીડર-કેપ્ટન પણ એવા દમદાર જોઈએ, પણ હવે ગાંધી કે પટેલ મળશે?
