• હાલમાં સેનાપતિ મંગળ મહારાજ રાહુ અને શનિ સાથે ષડાષ્ટકમાં ચાલી રહ્યા છે જે પરિસ્થિતિને સમજવી મુશ્કેલ બનાવે છે અને કોઈ ને કોઈ રીતે અકસ્માતોની શૃંખલા સર્જે છે

વેપાર-વાણિજ્ય, આયાત-નિકાસ, શેરબજાર, વાણી, બેન્ક, મુદ્રાસ્થિતિ, પ્રેસ જેવાં અનેક ક્ષેત્રો પર પ્રભુત્વ ધરાવતા બુધ મહારાજ 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી વક્રી રહેવાના છે જેની વ્યાપક અસર આર્થિક વ્યવહારો અને ઉપરોક્ત ક્ષેત્રોમાં જોવા મળશે. વળી, હાલમાં સેનાપતિ મંગળ મહારાજ રાહુ અને શનિ સાથે ષડાષ્ટકમાં ચાલી રહ્યા છે જે પરિસ્થિતિને સમજવી મુશ્કેલ બનાવે છે અને કોઈ ને કોઈ રીતે અકસ્માતોની શૃંખલા સર્જે છે. બુધ મહારાજ વક્રી થવાથી વિદ્યાર્થીઓની અભ્યાસ માટેની રુચિમાં બદલાવ આવતો જોવા મળશે અને કોટાથી લઈને કેનેડા સિવાય અભ્યાસ માટે અન્ય સ્થળો પર પસંદગી થતી જોવા મળશે. આ સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ હોસ્ટેલથી કંટાળી નીકળી જતા જોવા મળશે. સરકારની કોઈ પૉલિસી સારી અસર શેરબજાર પર જોવા મળશે. આ સમયમાં કમ્યુનિકેશન ક્ષેત્રે અને ટેક્નોલોજી ક્ષેત્રે કેટલાક અંતરાયો આવતા જોવા મળશે. સોશિયલ મીડિયાના દિગ્ગજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતા પ્લેટફોર્મને સંઘર્ષ કરવો પડે કે મુશ્કેલીમાંથી પસાર થવું પડે. વૈશ્વિક આયાત-નિકાસ બાબતે ઘણાં પરિવર્તન આવે, ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશો બાબત વિશ્વની સ્થિતિમાં મહત્ત્વના ફેરફાર થાય. આ સમયમાં યુવા નેતાઓ પોતાનાં વિધાનોથી વિવાદમાં આવી શકે છે અને તેમના હોદ્દામાં મહત્ત્વના ફેરફારો પણ થઈ શકે છે. આ સમયમાં સરકાર વિરુદ્ધ મહત્ત્વનાં વિધાનો થતાં જોવા મળે અને આર્થિક ક્ષેત્રે નવી યોજનાઓ સામે આવતી જોવા મળશે.

ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર જોઈએ તો...

મેષ (અ. લ. ઈ) : નજીકનાં ક્ષેત્રોમાં અને લોકોથી મધ્યમ રહે, પરંતુ દૂર દેશથી સારા સમાચાર મળે. સ્વ સાથે વાત કરી શકો, મનોમંથન કરી શકો.વિચારોમાં ખાસ્સું પરિવર્તન જણાય. વળી આગળ વધવાની સોનેરી તક પણ પ્રાપ્ત થાય.

વૃષભ (બ. વ. ઉ) : જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો. વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. વિવાહિત મિત્રોને દાંપત્યજીવનમાં સારું રહેશે, પરિવાર સાથે આનંદ માણી શકો. નાના પ્રવાસ યોજી શકો છો.

મિથુન (ક. છ. ઘ) : ભાગીદારીમાં સારું ફળ મળે. જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, પરંતુ શરીરનું ધ્યાન રાખવું પડે, તબિયતની કાળજી લેવી, ખાવાપીવામાં ધ્યાન રાખવું પડશે. જીવન પદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર કરવા પડે.

કર્ક (ડ. હ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. મનની વાત વ્યક્ત કરી શકો. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું પરિણામ મળશે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારો સમય છે. સંતાન બાબતે સારું રહે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ. ટ) : આ સમયમાં જમીન-મકાન-વાહનસુખ સારું રહે. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો. અન્ય જગ્યાએ યોગ્ય રોકાણ કરી શકો. નવી વસ્તુની ખરીદી થાય, સુખ-સગવડ પ્રાપ્ત થાય. મિત્રોને મદદરૂપ બની શકશો.

કન્યા (પ. ઠ. ણ) : મિત્રોની મદદથી કાર્ય થાય, ભાઈબહેનનું સુખ સારું રહે. પરિવાર સાથે આનંદ કરી શકો.ગણતરીપૂર્વક આગળ વધશો તો લાભ થશે. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી પ્રગતિના દરવાજા ખોલી શકશો.

તુલા (ર. ત) : તમારાં સૌમ્ય વાણી અને વર્તનથી કાર્ય સિદ્ધ થાય. એકધારા પ્રયત્નોથી સફળતા મળે. આગળ વધી શકો. આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળે. આવકજાવક સમજીને ખર્ચ કરવો. પૈસા ઉછીના આપવા નહીં. મનમાં સંતોષ અને રાજીપો રહેશે.

વૃશ્ચિક (ન. ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. નવી પ્રતિભા કેળવી શકો. યશ-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી-ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે સ્ત્રીવર્ગને મધ્યમ રહે, વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે.

ધન (ધ. ભ. ફ. ઢ ) : કામકાજમાં નુકસાનીના જાય એ જોવું. ભાગીદારીમાં સંભાળવું. નવા સાહસમાં કાળજી રાખવી. કોઈ બાબતમાં વધુ દલીલથી દૂર રહેવું. વાદ-વિવાદથી દૂર રહેવું. અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ. જ) : સગાંસ્નેહી, મિત્રોથી સારું રહે. લેખન-વાંચન-મંથનથી આનંદ મળે. રચનાત્મક કાર્ય કરી શકો.આકસ્મિત લાભ થાય. મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે. દોડધામ રહે, પરંતુ પરિણામ સારું મળે.

કુંભ (ગ. સ. શ. ષ) : વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજીને ચાલવું. વિદ્યાર્થીવર્ગને મહેનતનું સારું પરિણામ મળે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને થોડી રુકાવટ પછી સફળતા મળે.

મીન (દ. ચ. ઝ. થ): નસીબ સાથ આપતું જણાય. નવીન તક હાથમાં આવે, પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે. ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય. ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકશો. આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

  • Follow us on: