રમણિકલાલે ઇશારો કરીને સુખભવન ઘરડાઘરના દરવાજે મારેલ બોર્ડ બતાવ્યું. અમરતભાઈનાં ચશ્માં તૂટ્યાં પછી દીકરાએ બનાવડાવ્યાં ન હતાં, એટલે પાસે જઈને આંખો ખેંચીને વાંચ્યું. ત્યાં લખ્યું હતું, `આંસુ, દુઃખ અને હતાશાએ અંદર દાખલ થવું નહીં.' બહુ આશ્ચર્ય સાથે અમરતભાઇએ રમણિકલાલની સામે જોયું. રમણિકલાલે કહ્યું, આની ટેવ પાડી દેજો. વેલકમ ટુ સુખભવન.
હજી કલાક પહેલાં આવેલા અમરતભાઈને આજ સુધી સાંભળેલી ઘરડાઘરની વ્યાખ્યા અહીં તદ્દન ખોટી પડતી હોય એમ લાગ્યું. ચારે તરફ ધોળા વાળવાળા અંદરથી જીવતા લોકો ફરી રહ્યા હતા. પાંચેક જણ ક્રિકેટ રમતા હતા. એક કાકા સમાચારપત્રનું ભૂંગળું કરીને કોમેન્ટરી આપતા હતા. એક બાજુ કેરમ તો બીજી બાજુ સંગીત ચાલુ હતું. કોઈ લાઇબ્રેરીમાં હતા તો કેટલાક ત્યાં બનાવેલ મિનિ થિયેટરમાં બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ જોઈ રહ્યા હતા. અમરતભાઈને એક પણ માણસ દુઃખી જોવા ન મળ્યો. રમણિકલાલે પોતે બનાવેલા ઘરડાઘરની અનોખી પોલિસી આખી વાંચી સંભળાવી જેના મૂળમાં હતું, જે થયું તે ભૂલીને બાકીની જિંદગી પોતાની મરજીથી, પોતાની શરતોએ જીવવી, કોઈની ચિંતાને લઈને આપણે વહેલું ચિતા તરફ ન જવું.
આખું ઘરડાઘર બતાવ્યા પછી રમણિકલાલે છેલ્લે સપનાનું ઝાડ દેખાડ્યું. એના પર ખૂબ બધી ચિઠ્ઠીઓ લટકાવેલી હતી. ઝાડ પર આટલી ચિઠ્ઠીઓ જોઇને અમરતભાઇ વધુ મૂંઝાયા. રમણલાલે કહ્યું કે આ આપણા ઘરડાઘરનું આ ટોપ સિક્રેટ છે. તમારે જે જોઈતું હોય એની ચિઠ્ઠી અહીંયાં મૂકી દેવાની. આ ઝાડમાં એક પ્રેત છે. રાતે કોઈએ આ તરફ આવવાનું નહીં. રાત્રે એ ચિઠ્ઠી વાંચે. જો એમાં કોઈ દુઃખ હોય તો એ એને ફાડી નાખે, પણ જો યોગ્ય ડિમાન્ડ હોય તો બરાબર ત્રીજા દિવસે એમને એ ચીજ મળે જ. અમરતભાઇ વ્યંગમાં હસ્યા કે એવું તે કંઈ હોતું હશે! રમણિકલાલે કહ્યું કે તમે જાતે જ ચિઠ્ઠી મૂકીને જોઈ લો. અમરતભાઈને વિશ્વાસ તો નહોતો, પણ એમણે પણ એક ચિઠ્ઠી લખી લટકાવી.
બરાબર ત્રીજા દિવસે ઝાડ પાસે તેમણે લખેલા તે નંબરનાં ચશ્માં ખોખાં સાથે પડ્યાં હતાં. અમરતભાઈને આશ્ચર્ય થયું, પણ મન પ્રેત માટે માનવા તૈયાર ન હતું. જોકે, ઘરડાઘરના સૌને એમાં વિશ્વાસ હતો કે પ્રેત જોડે આજ સુધી જે કંઈ પણ માંગ્યું એ બધાને મળ્યું જ છે. લગભગ એક અઠવાડિયું એમણે જોયું કે ત્યાં સંતોષનો દરિયો છલકાતો. કોઈને કશું જોઈએ તો પ્રેત પાસે માંગી લેતા, પણ એ વિશે વાત કરવા કોઈ તૈયાર ન હતું.
અમરતભાઇએ ફરી એક ચિઠ્ઠી લટકાવી અને એ રાત્રે ત્યાં પાસેની બખોલ પાસે નીડર થઈ સંતાઈને બેસી રહ્યા. બીજા દિવસે સવારે રમણિકલાલની પાસે ગયા અને ધીમેથી પોતાના સેવિંગ એકાઉન્ટનો બ્લેંક ચેક ધરતાં કહ્યું, મારે પણ કોઇકની ઈચ્છા પૂરી કરવા પ્રેત થવું હોય તો થઈ શકું?