અંકશાસ્ત્રમાં અંક 1નું પ્રતિનિધિત્વ અને માલિકીપણું ગ્રહોના રાજા સૂર્યનું છે. બ્રહ્માંડમાં તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. સૂર્ય એટલે સમગ્ર જગતનું તેજ-પ્રકાશ, જગતનાં રાત અને દિવસ. સૂર્ય એટલે જગતનો તાત અને પિતા


અંકશાસ્ત્રના અહીં આપેલા લેખનો આશય પણ તમને નીરોગી અને સર્વ સુખ પ્રદાન કરવાનો છે. અંકનો જાદુ બૂંદિયાળને બાદશાહ બનાવી શકે છે અને નાદુરસ્ત ભવિષ્યને તંદુરસ્ત બનાવે છે. અંકશાસ્ત્રના આંકડા માનવજીવન પર અદભુત અસરો ધરાવે છે. સમગ્ર માનવજીવન દિવસ-રાત અંકના ઉપયોગથી ધબકે છે જાણે કે અંક એ માનવશરીરનું હૃદય હોય. જીવનકાળ દરમિયાન દરેક જીવ પોતાની શરૂઆત એકડે એકથી કરે છે. અને એકડ એકો એટલે અંક 1 અને અંક 1 એટલે અંકશાસ્ત્રમાં સૂર્ય, કારણ કે અંકશાસ્ત્રમાં અંક 1નું પ્રતિનિધિત્વ અને માલિકીપણું ગ્રહોના રાજા સૂર્યનું છે. બ્રહ્માંડમાં તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. સૂર્ય એટલે સમગ્ર જગતનું તેજ-પ્રકાશ, સૂર્ય એટલે જગતનાં રાત અને દિવસ. સૂર્ય એટલે જગતનો તાત અને પિતા. સમગ્ર સૃષ્ટિનું સંચાલન સૂર્ય વડે થાય છે. જીવસૃષ્ટિનો પ્રાણ અને પ્રાણવાયુ માત્ર અને માત્ર સૂર્યને આભારી છે અને તમામે તમામ ગુણ અંક 1ની અંદર ઠાંસીઠાંસીને ભરેલા છે.

નંબર 1 તમામ અંકનો ઈશ્વર છે, કારણ કે બાકીના તમામ અંકની શરૂઆત અંક 1થી થાય છે. અંક 1માં નવસર્જનની શક્તિ, શાસન-સિંહાસન અને નેતૃત્વની તાકાત છે. આવા જાતકોમાં અદ્ભુત એનર્જી અને કુશળ વહીવટી કાર્યક્ષમતા હોય છે. આવી વ્યક્તિઓ સફળ બિઝનેસમેન, તબીબ અગર મોટા બિલ્ડર્સ કે રાજકારણી હોય છે. બુદ્ધિચાતુર્ય, તેજ, તંદુરસ્તી, પ્રતિષ્ઠા, પ્રતિભા તેમના લોહીમાં હોય છે. અંક 1ની અસર હેઠળ આવતા જાતકો પબ્લિક ફિગર હોય છે. અંક 1ના જાતકો જો સૂર્ય ઉપાસના કરે તો તેમનું જીવન શ્રેષ્ઠ બની જાય છે. અંક માનવીના જીવનમાં જીવ પૂરે છે અને અંક રૂઠે તો જીવન વન જેવું બની જાય છે. અંક 1ની વાત કરી હવે અન્ય અંકની વાત કરીએ. કેટલાક અંક એવા હોય છે કે જે જીવનમાં વારંવાર ચડતીપડતીનો અહેસાસ કરાવે છે.

વિશેષ રૂપે અંક 4 અને અંક 8 માનવીના જીવનમાં નકારાત્મક રોલ ભજવે છે. તેનો મોટો પુરાવો ઈ.સ. 2020ની સાલ છે કે જ્યાં 2020 અર્થાત્ તેનો સરવાળો 4 થાય. ફળસ્વરૂપ કોરોનાના કાળમુખા દાનવે રાહુના સહારે સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચાવ્યો. અલબત્ત, દરેકે દરેક કેસમાં આવું ન હોય તો પણ મોટા ભાગના કેસ અવલોકનમાં એવા આવ્યા છે કે જ્યાં અંક 4 અને 8નું પ્રાધાન્ય હોય તેવા જાતકો અન્ય લોકો કરતાં જીવનમાં વધુ સંઘર્ષ કરી સિદ્ધિનો સ્વાદ માણતા હોય છે. તેનું મૂળ કારણ અંકશાસ્ત્ર અનુસાર અંક 4 રાહુ અને અંક 8 શનિની અસર હેઠળ આવે છે. ઉદાહરણ સ્વરૂપે વિચારીએ તો એવરેસ્ટ સર કરનારા શેરપા તેનસિંગ અને ચંદ્ર પર પ્રથમ ચરણસ્પર્શ કરનારા નીલ આર્મસ્ટ્રોંગ અંકશાસ્ત્રની દૃષ્ટિએ અંક 4ની અસર હેઠળ હતા. અહીં રાહુનો અંક 4 આ બંનેને અમરત્વ બક્ષી ગયો. હવે અંક 3 અને 7ની યશગાથા ગાઈએ તો ગત વર્ષોમાં રિલીઝ થયેલી અતિ સફળ ફિલ્મો સીમ્બા, બાહુબલી અંક 3ની અસર હેઠળ બજરંગી ભાઈજાન, પઠાણ અને પુષ્પા અંક 7ની અસર હેઠળ અને રૂસ્તમ, ઉરી જેવી ફિલ્મો અંક 3ની અસર હેઠળ કરોડોની ક્લબમાં પ્રવેશી તે સત્યથી આપણે અજાણ નથી.તો બીજી તરફ પંકજ ત્રિપાઠી ડાર્ક હોર્સની જેમ અંક 7ની અસર હેઠળ ઉપરાઉપરી સફળ વેબ સીરિઝ અને ફિલ્મોની હારમાળા સર્જી સફળતાની વરમાળા પહેરી ગયો, કારણ કે અંક 3 પર ગુરુ ગ્રહની સીધી અસર છે અને ગુરુ ગ્રહ વિસ્તૃતીકરણ તેમજ ધનનો કારક ગ્રહ છે તે જ પ્રમાણે અંક 7 પર નેપ્ચૂન ગ્રહની અસર છે અને નેપ્ચૂન ગ્રહમાં તમારાં સ્વપ્નોને સિદ્ધ કરવાની તાકાત છે.

કેટલાય કિસ્સા એવા ધ્યાનમાં આવ્યા છે કે જે લોકોએ પોતાના નામના સ્પેલિંગમાં અંગ્રેજી આલ્ફાબેટ `C' અગર `S' મૂક્યા હોય તેવા જાતકો નિષ્ફળતાથી સફળતા તરફ આગળ વધ્યા હોય છે. એક ભાઈની વાત કરીએ. વ્યવસાયમાં સરિયામ નિષ્ફળ હતા, પરંતુ તેઓએ તેમના નામના સ્પેલિંગમાં વધારાનો `S' મૂક્યો અને આજે તેઓ પ્રસિદ્ધિના શિખરે બિરાજમાન છે. જો તમે હિબ્રુ સિસ્ટમ અનુસરો અને તમારા નામના સ્પેલિંગમાં ખાસ કરીને ગુરુના આલ્ફાબેટ C- G- L- S બુધના આલ્ફાબેટ E-H-N-X અગર શુક્રના આલ્ફાબેટ U-V-W કે નેપ્ચૂનના O-Z (આલ્ફાબેટ)નો ઉપયોગ કરો તો તમને અંકશાસ્ત્રની સફળતા માટે અકબંધ ખાતરી છે. અલબત્ત, નામના સ્પેલિંગમાં ફેરફાર કરો ત્યારે તમારી પાસે અંકશાસ્ત્રની પદ્ધતિઓનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. જો નામમાં ભૂલથી પણ ક્રૂર ગ્રહોના અંકનો સમાવેશ થાય તો જીવન પણ કઠિન બની જતું હોય છે. સફળતા માટે કયા અંક અને કયા આલ્ફાબેટની જરૂર છે તે બાબતનો આધાર જ્ઞાન પર છે. આજકાલ અંકનો પ્રભાવ ફિલ્મ ક્ષેત્રે, મોટા ઔદ્યોગિક એકમો અને વ્યક્તિગત સફળતા મેળવવામાં જોવા મળે છે. અંક તમારા જીવન, વ્યવસાય અને ધંધામાં રંગ લાવે છે તે વાત સુનિશ્ચિત અને સટીક છે, પરંતુ તેનો ઉપયોગ અતિ વિવેકથી કરવો પણ જરૂરી છે.

એવા કેટલાય કિસ્સા છે કે જે અંકના દુરુપયોગના કારણે આજીવન દુઃખ ભોગવતા હોય અને સમગ્ર જીવન ફરિયાદ કરતા હોય. જેટલું મહત્ત્વ ગ્રહોનું અને કુંડળીનું છે તેટલું જ મહત્ત્વ ગ્રહો સાથે જોડાયેલા અંકોનું છે, કારણ કે અંક જો તમને રાજા બનાવે તો ક્યારેક દુરુપયોગ દ્વારા રંક પણ બનાવે છે.


  • Follow us on: