પાંચ હજાર કલાક ફ્લાઇંગ કરી ચૂકેલાં ભાવિકા શાહ, નાનાં હતાં ત્યારથી નક્કી કર્યું હતું કે મારે નવથી પાંચની સામાન્ય જોબ નથી કરવી, પણ અનોખું કરવું છે. દાદા ફ્રિડમ ફાઇટર હતા એટલે ભાવિકાને દેશ માટે કંઇક કરવું હતું, તેથી આર્મી ફોર્સમાં જવાનું નક્કી કર્યું. બેથી ત્રણ વખત પરીક્ષા આપી, પણ સિલેક્શન ન થયું, પરંતુ હિંમત હાર્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે કમર્શિયલ ફ્લાઇંગમાં આવ્યાં.
પાઇલટ ફિલ્ડ મેલ ડોમિનેટેડ છે, એમાંય આજથી બે દાયકા પહેલાં સિનારિયો બહુ જુદો હતો. એ સમયમાં ભારતમાં મહિલા પાઇલટની હાજરી આંગળીના વેઢે ગણી શકાય એટલી હતી. આવી સ્થિતિમાં ભાવિકાએ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ભાવિકા કહે છે કે, પુરુષની જેમ હું પણ આ કામ કરી શકું છું, એવું સાબિત કરવા ઘણી મહેનત કરવી પડે છે. મારે પણ કરવી પડી. શરૂઆતમાં આખી કંપનીમાં હું એક જ મહિલા પાઇલટ હોઉં એવું પણ બન્યું છે. બધી જ કંપનીમાં ગ્રૂપિઝમ અને પોલિટિક્સ ચાલે છે એવું અહીં પણ હતું, પરંતુ આ બધાની વચ્ચે રહીને સ્થિતિને કેવી રીતે ટાઇટલ કરવી એ હું શીખી, સ્ટ્રોંગ બની. બીજું, આ બધામાં ધ્યાન ન આપીને તમારે જે કરવું છે એ જ કરો. એટલે કે તમારા લક્ષ્યને વળગી રહો.
એક સ્ત્રી તરીકે આપણે કોઇની પુત્રી, પત્ની, પુત્રવધૂ વગેરે જેવા રોલ અદા કરતાં હોઇએ છીએ. આ બધાની સાથે સૌથી પહેલાં આપણે પોતે શું છીએ? એ આપણે ભૂલી જઇએ છીએ. મોટાભાગની સ્ત્રીઓ માટે તેમનું ફેમિલી જ સર્વસ્વ હોય છે, ફેમિલી તો છે જ, પણ પોતાનું ખુદનું પણ અસ્તિત્વ હોવું જોઇએ. એ માટે જાત ઉપર ફોકસ કરીને કોઇ પેશનને અપનાવો. એમાં ગમે એટલી નિષ્ફળતા મળે તેમ છતાં હાર માન્યા વગર ધ્યેયને વળગ્યા રહો, તો જ તમે મંજિલ સુધી પહોંચી શકશો. મારી વાત કરું તો મારી કરિયરમાં પણ ઘણા અપ એન્ડ ડાઉન આવ્યા છે. મારી જોબ પહેલાં સ્ટેબલ નહોતી. છતાં મારી ફિલ્ડમાં શું ચાલે છે? એ વિશે સતત અવેર રહેતી. એમાં અપડેટ રહેવા ભણતી, બીજે ક્યાંક જોબ કરતી, પણ ક્યારેય ફિલ્ડ છોડ્યું નથી, તેથી હું ટકી રહી શકી.
500 ટકા આપતાં પણ પૂરેપૂરું વળતર નહીં મળે
તમે કોઇ પણ ફિલ્ડમાં 100 શું 500 ટકા આપશો તો પણ તમને પૂરેપૂરું વળતર ક્યારેય નહીં મળે. એટલે એ દિશામાં વિચારવાને બદલે ફોકસ યોર સેલ્ફ. પ્રોબ્લેમની વાતો કરવાને બદલે એમાંથી બહાર આવવાના રસ્તા શોધશો, તો એમાંથી જલદી બહાર નીકળી શકશો. બીજું, હંમેશાં પોઝિટિવ વિચારો. જેમ કે, મારાથી આ થશે જ. હું આ કરી જ લઇશ. તમે જેટલા પોઝિટિવ હશો એટલી સફળતા મેળવી શકશો. હું મેરિડ છું. મારાં લગ્નને 14 વર્ષ થઇ ગયાં છે. સોશિયલ અને ફિલ્ડ બંનેને બેલેન્સ કરીને ચાલવું પડે. ઘણી વખત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેમિલી અને ફિલ્ડને પ્રાયોરિટી આપવી પડે. તો ક્યારેક અમને પોતાને અચાનક હેલ્થના ઇસ્યૂ થાય એવું પણ બને. જેમ કે, ફ્લાઇંગ હોય તેના થોડા કલાક પહેલાં જ તાવ આવ્યો હોય, લૂઝ મોશન થઇ જાય, પેટમાં દુઃખે વગેરે. આવી સ્થિતિમાં લાસ્ટ મોમેન્ટ પર હું ફ્લાઇંગ નહીં કરું એવું ન કહેવાય. કોઇ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દવા લઇને પણ ફ્લાઇંગ ખેંચી નાંખવું પડે. અમારા ફિલ્ડમાં સતત અપગ્રેડ રહેવું પડે એટલે જોબની સાથે ટ્રેનિંગ પણ સતત ચાલતી રહે છે.
પોતાના ગોલ વિશે વાત કરતાં ભાવિકા કહે છે કે, હજુ મોટાં મોટાં પ્લેન ચલાવવાં છે. જીવનમાં ખુશ રહેવું હોય તો લેટ ગો કરતાં શીખો, બીજા પાસે એક્સપેક્ટેશન ન રાખો. સેલ્ફ ડિફેન્સ માટે થોડા સ્ટ્રોંગ અને કઠોર બનો.
સાચા ડિરેક્શનમાં ગતિ કરો
આ વખતની વુમન્સ ડેની થીમ ક્રિયાને વેગ આપો એવી છે. એ અંગે મારું માનવું છે કે જો તમે સાચા ડિરેક્શનમાં કાચબાની ગતિએ પણ આગળ વધી રહ્યાં છો તો એક દિવસ મંજિલ સુધી જરૂર પહોંચશો, પરંતુ ઊંધી દિશામાં ફુલ સ્પીડમાં કામ કરશો તો ક્યાંય નહીં પહોંચી શકો. એટલે તમારા કામ પ્રત્યેનું ઇનપુટ સાચી દિશામાં છે કે કેમ એ નક્કી કરવું પડે, પછી તેને ગતિ આપો.