સફળ ગુજરાતી ફિલ્મો અને નાટ્ય કલાકાર, આર.જે. અને પ્રોડ્યુસર એવાં આરતી પટેલને આપણે અનેક સીરિયલો, નાટકો અને ફિલ્મોમાં જોઇ જ ચૂક્યાં છીએ. આ મહિલા દિવસ ઉપર એમની સાથે વાત કરવાની થઇ ત્યારે એમની વાતો ગુજરાતી કે હિન્દી ઇન્ડસ્ટ્રીને લઇને જે અમુક ધારણાઓ છે એને ક્લીયર કરવાનું કામ કરી ગઇ. આરતીબહેન સ્વભાવે એકદમ મોજીલા માણસ. એ કહે છે કે મેં દૂરદર્શનમાં 1૯87માં એઝ અ એનાઉન્સર કામની શરૂઆત કરી. એ પહેલાં તેઓ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરતાં હતાં. દૂરદર્શનની વાત કરીએ તો એ કહે છે કે એ સમયે દૂરદર્શનમાં મહિલાઓ ઓછી એટલે મને નોર્મલી મળે એના કરતાં વધારે એટેન્શન મળતું. નોર્મલી બધાને એવું હોય કે પુરુષો જ્યાં વધારે હોય અને મહિલાઓ ઓછી હોય ત્યાં મહિલાઓને કામ કરવામાં સમસ્યા થાય, પણ ઓનેસ્ટલી મારો અનુભવ અલગ જ હતો. મને ઉપરથી દૂરદર્શનમાં વધારે પેમ્પરિંગ મળતું. એનું કારણ કે લોકોને એમ થતું કે આ છોકરીને અગવડતા ન પડવી જોઇએ.
ગુજરાતી ઇન્ડસ્ટ્રી અમુક દૂષણોથી દૂર છે
લાંબા સમયથી એક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હોઇએ ત્યારે એના દરેક પાસાથી આપણે વાકેફ થઇ જતાં હોઇએ છીએ. એટલે જ આરતીબહેનને જ્યારે પૂછ્યું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને કેવા ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. આ સવાલના જવાબમાં એમણે કહ્યું કે આમ તો આપણી ઇન્ડસ્ટ્રી અમુક દૂષણોથી ઘણી દૂર છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિન્દી ઇન્ડસ્ટ્રીમાં હોય છે એવાં દૂષણો નથી આવ્યાં અને એ ગર્વ લેવા જેવી બાબત છે. એટલે સ્ત્રી તરીકે અહીં અનસેફ ફીલ કરવા જેવું ક્યારેય નથી અનુભવાયું. આપણા લોકો માયાળુ છે અને ખોટી કનડગતમાં નથી માનતા, પણ એઝ અ ફીમેલ જો તકલીફરૂપ એક બાબત કહેવી હોય તો એ કે અલગ અલગ લોકેશન ઉપર કામ કરવાનું થાય ત્યારે ટોઇલેટને લઇને પૂછપરછ હું પહેલાં કરું. કેમ કે ઘણાં લોકેશન્સ એવાં હોય જ્યાં ટોઇલેટની અગવડતા ખૂબ પડે. અમુક જગ્યાઓ ઉપર એ હોય જ નહીં અને હોય તો હાઇજેનિક ન હોય, અંદર જવું પણ ન ગમે એવાં હોય. એવી જગ્યાએ જઇએ તો શારીરિક સમસ્યા થાય એટલે હું એ બાબતે કાયમ સજાગ કરું. ટોઇલેટ અને હાઇજિન બાબતે પહેલાં પૂછું, સલાહ પણ આપું અને એઝ અ પ્રોડ્યુસર મારી ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ત્યારે મારા ટીમ મેમ્બરને ખાસ ટપારું કે ટોઇલેટની વ્યવસ્થા અવશ્ય કરજો, ટોઇલેટ હોવાં જોઇએ અને એ પણ સ્વચ્છ હોવાં જોઇએ.
પે-સ્કેલની બબાલ પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં નથી
હિન્દી ફિલ્મોમાં પ્રિયંકાથી લઇને દીપિકા જેવી અનેક એક્ટ્રેસીસે એ બાબતે નિવેદનો આપેલાં છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં મેલ સ્ટાર્સને જેટલી ફી મળે છે એટલી ફી અમને નથી મળતી. આ બાબતે વાત કરતાં આરતી પટેલ કહે છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં એવું નથી. અમે જ્યારે ફિલ્મની શરૂઆત કરીએ ત્યારે અમારી ટીમમાં છોકરીઓ જોડાય છે. એ લોકો એમનું કામ એટલું શિદ્દતથી કરતી હોય છે કે સ્વાભાવિકપણે જ એમને એમના કામ મુજબ વધારે જ પૈસા મળે. કલાકારોમાં તો એવું છે કે દરેકની પોપ્યુલારિટી પ્રમાણે એમની ફી હોય છે. વળી, ફિલ્મ લાઇનમાં તમે કેટલા દિવસ કામ કરો છો એ પ્રમાણે તમારી ફી નક્કી થતી હોય છે. કોઇ કલાકારનું શિડ્યુલ વીસ દિવસનું હોય તો કોઇનું ત્રીસ દિવસનું હોય છે. જેટલું શિડ્યુલ એ હિસાબે ફી. આપણી ઇન્ડસ્ટ્રીની ફીમેલ સ્ટાર્સ આ બાબતે ખૂબ જ સારી અને સમજું પણ છે. એ લોકોમાં કામ કરવાની ધગશ જેટલી હોય છે એટલા જ એ લોકો સ્ટ્રેટફોર્વડ પણ હોય છે. એમને માત્ર એમના કામથી જ મતલબ હોય છે. બીજા શું કરે છે, કેમ કરે છે એનાથી કોઇ લેવાદેવા નથી હોતી.
સ્ત્રી તરીકે સેફ્ટી વધારે જોવાય છે
આરતીબહેન કહે છે કે સેફ્ટીની વાત છે ત્યાં સુધી લેટ નાઇટ શૂટ ચાલતું હોય તો મારો પર્સનલ અનુભવ એવો છે કે સ્ત્રીઓની સિક્યોરિટી સૌથી વધારે જોવાતી હોય છે. એમને એમના ઘરે સાચવીને પહોંચાડવાની વ્યવસ્થાથી માંડીને પ્રમોશનમાં પણ કોઇ કનડગત ન થાય એનું ધ્યાન સૌથી પહેલાં રખાય છે. એક સમયે મેલ એક્ટર એમની રીતે ઘરે જવાની વ્યવસ્થા કરી લે, પણ ફીમેલ એક્ટ્રેસ સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય એ સૌથી વધારે જોવાતું હોય છે. એટલે ઓવરઓલ જોવા જઇએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ છે. વધુમાં આરતીબહેન જણાવે છે કે હવે સોસાઇટી બદલાઇ રહી છે. હવે પુરુષો સ્ત્રીઓને એમની રીતે દરેક જગ્યાએ મદદરૂપ થતા જ હોય છે, એટલે એમની એ નાની-નાની કેરને પણ આપણે માર્ક કરવી જોઇએ. બીજું કે, હું એવું માનું છું કે ઘર સાચવતી મહિલા પણ ઘરની અર્નિંગ મેમ્બર જ છે અને મને લાગે છે કે ધીરે ધીરે લોકો પણ આ વાત સ્વીકારતા થયા જ છે. આજે મહિલાઓની પરિસ્થિતિ સાવ પહેલાં જેવી નથી જ એ વાત આપણે માનવી જ રહી.