મહિલાઓએ પોતાની શક્તિને ક્યારેય મર્યાદિત ન માની લેવી જોઇએ, એવું દૃઢપણે માનતાં હિમાલા જોશી અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર, મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યરત છે. સમજણાં થયાં ત્યારથી સમાજ સાથે જોડાઇને કોઇ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હિમાલાબહેન ધરાવતાં હતાં. ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અને સ્નાતક કક્ષાએ મેનેજમેન્ટમાં અભ્યાસ પછી ડેવલપમેન્ટ સ્ટડીઝ વિષય સાથે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝ, મુંબઇથી અનુસ્નાતક કક્ષા સુધી અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમને કાયદાના અમલથી સામાજિક ક્ષેત્રે પ્રાધાન્ય આપી શકું એવી પ્રેરણા મળી. પરિણામે એ દિશામાં આગળ વધવા માટે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને 2018ની બેચમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે સરકારી સેવામાં જોડાયાં.
મહિલા અને પુરુષ સમાનતામાં માનતાં ત્રણ દાયકા વટાવી ચૂકેલાં હિમાલાબહેન કહે છે કે, અમારા ફિલ્ડમાં પુરુષ મહિલાઓનો કોઇ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર શારીરિક અને શૈક્ષણિક તાલીમ બંનેને સમાન રીતે આપવામાં આવે છે, તેથી મને એવું લાગ્યું નથી કે મહિલા તરીકે કોઇ અલગ કે વિશેષ પ્રકારના ચેલેન્જીસનો સામનો કરવાનો થાય. પોલીસ અધિકારી એ મહિલા હોય કે પુરુષ, તે સમાન ક્ષમતા ધરાવતા અધિકારી છે.
100 ટકાથી વધીને એક્સ્ટ્રા માઇલ જવું જોઇએ
આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પગપેસારો કર્યો છે અને તેઓ પોતપોતાની રીતે ઉત્તમ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જે અંગે હિમાલાબહેન કહે છે, અમે સરકારી સેવક હોઇ લોકોને 100 ટકા આપવું એ અમારી ફરજમાં આવે છે, તેથી અમારા ફિલ્ડમાં કાર્યનિષ્ઠા અપેક્ષિત છે. કર્મચારીની આ ભાવના જ તેને કર્મયોગી બનાવે છે. મારા કિસ્સામાં મને મારા કામથી મળતો સંતોષ એ જ મોટું વળતર છે. જ્યારે કાર્યક્ષેત્ર મોકળું હોય ત્યારે 100 ટકાથી વધીને એક્સ્ટ્રા માઇલ જવું જોઇએ એવું હું માનું છું. બીજું, સમાજે આપણને જે આપ્યું છે તે તેને વળતરના ભાગરૂપે પરત કરવું જોઇએ.
ગતિ યોગ્ય દિશામાં હોવી જરૂરી છે
કાર્યની ગતિને વેગ એ આ વર્ષની મહિલા દિનની થીમ છે, તો જ્યારે ગતિ વધારવાની વાત હોય ત્યારે અવરોધોને ઓળખીને તેને પાર કરવાનું મનોબળ મહિલાએ કેળવવું જરૂરી બને છે. આપણે ગતિ કરી રહ્યાં હોઇએ, પણ તેની દિશા ખોટી હોય તો એ યોગ્ય નથી. અમારા ક્ષેત્રની વાત કરીએ તો ગતિ વધારવાની ઊજળી તકો સરકારના ગ્રીન સિગ્નલથી મળી જતી હોય ત્યારે એક્સ્ટ્રા માઇલ દોડીને આગળ વધવું સહેલું અને સરળ છે. સમાજમાં બધી મહિલાઓને તેઓના વિકાસ અને સશક્તીકરણ માટે સારી તકો મળવી જોઇએ. અમારા તરફથી અમે મહિલાઓને યોગ્ય ન્યાય મળે એ માટે દરેક વર્ગની સ્ત્રી સુધી પહોંચવાનો પ્રયત્નો કરી રહ્યાં છીએ.
આજે યુવતીઓ શિક્ષિત થઇ રહી છે, પણ શિક્ષણ લઇને બેસી રહેવાને બદલે આ શિક્ષણનો ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે. તેને જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રમાં કાર્ય કરીને આર્થિક રીતે સધ્ધર થવું જોઇએ. દરેક સ્ત્રી માટે આર્થિક સધ્ધરતા ખૂબ જરૂરી છે. એનાથી તેમના આત્મવિશ્વામાં વધારો થશે. તે કોઇ પણ સમસ્યા સામે સારી રીતે લડી શકશે. ઘણી યુવતીઓ પગભર તો હોય છે, પરંતુ આર્થિક રીતે પતિ કે પિતા પર નિર્ભર રહેવું પડતું હોય છે, જે યોગ્ય નથી. આજે મહિલાઓ પગભર થવાની સાથે આર્થિક અને નાણાકીય રીતે સ્વતંત્રતા સુનિશ્ચિત કરે એ ખૂબ જ જરૂરી છે. તેમણે પોતાની શક્તિ મર્યાદિત હોવાનું માની લેવું જોઇએ નહીં. બીજું, મહિલાઓએ પોતાના રસ્તાના અવરોધને ઓળખવો પણ જરૂરી છે. મહિલા કોઇપણ ક્ષેત્રમાં કામ કરતી હોય તેને અવરોધો તો આવે જ છે. એનાથી ડરવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. જીવનમાં જે અવરોધો આવે છે એ અવરોધો ખરેખર અવરોધો જ છે કે કોઇએ ઊભો કરેલો આભાસ? આભાસી અવરોધો ઓળખીને, હિંમતપૂર્વક તમામ પ્રકારના અવરોધો પાર કરવાનો આત્મવિશ્વાસ કેળવવો જોઇએ.
તમારી પ્રગતિમાં અવરોધો જો અસામાજિક તત્ત્વો કે અસામાજિક પ્રવૃત્તિઓ કે કુરિવાજોના કારણે નડતરરૂપ હોય તો મહિલા પોલીસ તેમની મિત્ર છે, એવું માનીને જરાપણ ખેચકાયા વગર તેમનો સંપર્ક કરવો જોઇએ. પોતાના અંગત, પારિવારિક તેમજ વ્યાવસાયિક જીવનમાં સલામતી કે સુરક્ષાના નામે જ્યારે મહિલાની પ્રગતિ કે સ્વતંત્રતા માર્ગમાં ગ્લાસ સીલિંગ મૂકવામાં આવી હોય તો તેને ઓળખીને, તોડીને પોતે સ્વાભિમાન સાથે ઉન્નત મસ્તકે જીવવું જોઇએ. હું એવું માનું છું કે મહિલાઓની સશક્તીકરણની જવાબદારી ફક્ત મહિલાઓની એકલાની જ નથી. માતા-પિતાની અને પુરુષોની પણ એટલી જ છે. છોકરાઓ નાના હોય ત્યારથી તેમને દરેક સ્ત્રીને આદરભાવ અને સન્માન આપવાનું શીખવવું જોઈએ. એનાથી સમાજમાં ખરા અર્થમાં પરિવર્તન આવશે.
તૂટેલા સમુદાય અને સમૃદ્ધ સમુદાય વચ્ચેનો તફાવત એ જે તે સમુદાયમાં મહિલાઓને અાપતા આદરને દર્શાવે છે
સ્ત્રી એટલે કોણ?
સ્ત્રી એટલે પ્રેમનો અગાધ સાગર
અને સંસ્કારની છે ગંગા.
ઘર દીપાવતી છે ગૃહલક્ષ્મી અને
મમતાભરી વાત્સલ્યમૂર્તિ મા.
બંને કુળ તારનારી એ છે સાક્ષાત્ કરુણામૂર્તિ
અને દુર્ગા બની રાક્ષસ કુળને
સંહારતી મા.
સપનાંને પાંખો આપી ઊંચા
ગગનને આંબતી
અને છતાં પણ સ્વતંત્રતા અપનાવી રહેતી બંધનમાં.
સહનશીલ છતાંય તે છે શક્તિશાળી
અને એટલે જ `સ્ત્રી' માત્ર નામ નહીં એ છે યુગતારિણી.
- સહેલી જોષી દેસાઈ