વ્યક્તિના ઘડતરમાં માતા-પિતાનો ઉછેર અને આત્મવિશ્વાસ અગત્યનો ભાગ ભજવે છે. જે જમાનામાં દીકરીના ભણતર કરતાં ઉંમર થાય એટલે સાસરે વળાવવા પર ભાર મૂકવામાં આવતો હતો, એવા સમયે સમાજનો વિરોધ સહન કરીને દીકરીને ભણાવી ત્યારે ભારતને કુલજીત કૌર મરહાસ જેવાં પ્લેનેટરી સાયન્ટિસ્ટ મળ્યાં છે, જેઓ અત્યાર સુધીમાં પ્લેનેટરી પર અનેક અભ્યાસ કરી ચૂક્યાં છે.
મુંબઇમાં જન્મેલાં અને શીખ પરિવારમાં ઉછરેલાં ડો. કુલજીત કૌર ત્રણ બહેનોમાં સૌથી નાનાં હતાં. પાંચ દાયકા વટાવી ચૂકેલ કુલજીત કૌર કહે છે કે, પપ્પા એન્જિનિયર હોવાની સાથે ઘરમાં ટીવી, ટેપ, જેવું રિપેરિંગ કામ કરતા હતા. એમને કામ કરતા જોઇને નાની હતી ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મોટી થઇને રિસર્ચ કરીશ, કારણ કે મને ઇન્સ્ટ્રુમેન્ટ ફેસેનેટિંગ લાગતું હતું. પરિણામે બી.એસસી., એમ.એસસી. અને પી.એચ.ડી. કર્યા બાદ જર્મની અને યુ.એસ. એમ બે વખત પોસ્ટ ડોક્ટર ફેલોશિપ મેળવી. પહેલાં પિતાના અને લગ્ન પછી પતિના સપોર્ટને કારણે રિસર્ચ કરી શકી છું. શરૂઆતમાં જ્યારે હું રિસર્ચ સેન્ટરમાં જોડાઇ ત્યારે એક્સ્પિમેન્ટલ ફિલ્ડમાં હું એક જ લેડી હતી. એ વખતે લોકો વાતો કરતા હતા અને એક મહિલા થઇને હું રિસર્ચ કરી શકીશ કે કેમ? એવો પુરુષોના મનમાં મોટો પ્રશ્ન હતો. તેમના પ્રશ્નનો જવાબ બોલીને તો આપી શકાય નહીં તમારે નક્કર કામ કરીને બતાવવું પડે. જો તમે ન કરી શકો તો મહિલા રિસર્ચ ન કરી શકે એવું ટેગ સમગ્ર મહિલાઓને લાગી જાય. એ વખતે મારી કફોડી હાલત હતી, પરંતુ કલાકોના કલાકો કામ કરીને જરૂર લાગે તો ત્રણ-ત્રણ દિવસ સુધી ત્યાં રિસર્ચ સેન્ટરમાં રોકાઇને મેં સાબિત કર્યું કે એક મહિલા પણ પ્લેનેટરી ક્ષેત્રમાં રિસર્ચ કરી શકે છે. મારે બે બાળકો છે, પ્રાયોરિટીને પ્રાધાન્ય આપીને હું કામ કરું છું.
ખરેખર 100 ટકા મળતું નથી
મેં મારી કરિયરમાં આઉટ ઓફ ધ વે જઇને કામ કર્યું છે, તેમ છતાં 100 ટકા મળતું નથી. પુરુષ અને મહિલાની કમ્પેરિઝન દરેક ક્ષેત્રમાં થાય જ છે. પુરુષપ્રધાન સમાજ હોવાથી આજે પણ તે સિનિયર પોસ્ટ પર કે મહિલા બોસને સ્વીકારી શકતા નથી. હા, પહેલાંની સરખાણીમાં થોડા ઘણા અંશે પરિવર્તન આવ્યું છે તેમ છતાં હજુ પણ માઇન્ડ સેટ બદલવાની જરૂર છે.
કાર્યની ગતિને વેગ જરૂરી છે?
તો હા, પહેલાં કરતાં ઇન્ટર્નલ સિસ્ટમ થોડી ઇઝી થઇ છે. પહેલાં રિસર્ચ સેન્ટર પર જઇને જ નાના-મોટા પ્રોબ્લેમ સોલ કરી શકતી હતી. હવે ઘરે લેપટોપ પર ક્યાં કયો પ્રોબ્લેમ આવ્યો છે, તેને જાણી શકાય છે. એટલું જ નહીં થોડા ઘણા અંશે તેને ત્યાં ગયા વગર દૂર પણ કરી શકાય છે. એ રીતે કાર્યને ગતિ મળી છે, પરંતુ મહિલાઓને રિસર્ચ ક્ષેત્રમાં જે ગતિ અને વેગ મળવો જઇએ એટલો મળ્યો નથી. હા, આ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા પહેલાં કરતાં થોડા અંશે વધી જરૂર છે. સ્ત્રીઓ પી.એચ.ડી સુધીનો અભ્યાસ કરે છે. પછી પરિવારને બેલેન્સ કરવા પોતાની રિસર્ચ ક્ષેત્રમાં જોડાવાની ઇચ્છા હોવા છતાં ટીચિંગ કે થિયરી લાઇનમાં ડાઇવર્ટ થઇ જાય છે, કારણ કે રિસર્ચ લાઇન સમય માંગી લે છે, તેથી ઇઝી વર્કિંગ સોર્સ પસંદ કરે છે. હું માનું છું કે સ્ત્રીના માથે પરિવારની જવાબદારી છે. તે કામની સાથે તેને સારી રીતે બેલેન્સ પણ કરી જાણે છે, પણ એ પોતાની ખુશીના ભોગે ન હોવું જોઇએ. મોટાભાગની મહિલાઓ એવું માને છે કે, રસોઇ હું બનાવું, બાળકોની ટોટલી જવાબદારી હું ઉપાડું, મારી કરિયરમાં પણ હું ટોપ પર રહું. સ્ત્રી મલ્ટિટાસ્કિંગ છે, પરંતુ બધું જ જાતે કરવાને બદલે તમે કૂક અથવા હાઉસ હેલ્પર રાખી શકો. પતિ સાથે વાત કરીને બાળકોની થોડી જવાબદારી એમના પર ડાઇવર્ટ કરી શકો. ટૂંકમાં, પરિવારનું તમામ કામ જાતે કરવાને બદલે તેમને ક્વોલિટી ટાઇમ આપો. જો આવું કરશો તો તમે તમારું મનગમતું કામ ખુશીપૂર્વક કરી શકશો. ભગવાને સ્ત્રી અને પુરુષ બંનેને સરખાં મગજ આપ્યાં છે, એટલે સ્ત્રીને જેમાં રસ હોય એમાં ગતિશીલતા બતાવવાની જરૂર છે.
સ્ત્રી
આજ ઊભી હું આમ દર્પણ સામે,
ઈશ્વરની આ રચનાને નિખારતી.
જેના નિખાલસ મંદ મંદ હાસ્યથી,
ઉભરાતો જાણે આત્મવિશ્વાસનો ફુવારો.
જેના મસ્ત મસ્ત અણિયાળાં નયનમાં,
કેટકેટલાં સ્વપ્ન રચાતાં દેખાતાં.
જેના લલાટની બિંદી ને કાનનાં ઝૂમખાં,
તેને પરાણે પ્રીત કરવા પ્રેરતાં.
જેના એક ઉષ્માભર્યા આવકારથી જ,
ઘરના ખૂણેખૂણામાં તાજગી અનુભવાતી.
માટે તો મારા આ અનમોલ અસ્તિત્વની,
મહેકથી પરિવારને દુનિયાને કંઈક અર્પું.
- મોના દવે