• સ્ત્રીઓ પહેલાં કરતાં સજાગ બની છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઇ છે
  • મહિલા વિરુદ્ધ અભદ્ર ઇશારો કે કોઇ હરકત કરવી સજાપાત્ર ગુનો છે
  • ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અંતર્ગત મહિલાઓને સંપત્તિમાંથી સમાન હિસ્સો મળવો જોઇએ

છોકરી જ્યારે સમજણી થાય છે ત્યારથી જ તેને માતા, દાદી, નાની અને આસપાસની સ્ત્રીઓ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે સ્ત્રી સહનશક્તિની મૂર્તિ હોય છે. સ્ત્રીએ તો બધુ સહન કરવું પડે જ પડે. કુમળી માનસિક્તા ધરાવતી બાળકીના મનમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છેકે આગળ જતાં તમારી સાથે નાની મોટી કોઇપણ ઘટના બને તો તમારે સહન કરી લેવું. કારણ કે તમે સ્ત્રી છો. દરેક વખતે તલવાર કાઢવાની જરૂર નથી, પરંતુ અન્યાય થતો હોય ત્યારે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે.

હવેની સ્ત્રીઓ પહેલાં કરતાં સજાગ બની છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઇ છે. સૌથી સારી વાત તો એ છે કે તેમને પરિવારના સભ્યોનો પણ સપોર્ટ મળે છે. એનો અર્થ એવો નથી કે સો ટકા જાગૃતિ આવી ગઇ છે. તેમ છતાં આજે પણ ગામના છેવાડાની ઓછું ભણેલી સ્ત્રીઓ તેમને અપવામાં આવેલા અધિકારોથી અજાણ છે. આ ઉપરાંત ભણેલી, ધનાઢ્ય પરિવારની અને જેમના લગ્ન સાટા પાટામાં કરવામાં આવ્યાં છે. એવી સ્ત્રીઓ અંદરખાને ઘણું બધું સહન કરતી હોય છે. બંધારણમાં મહિલાઓ માટે અનેક કાયદાની જોગવાઇ છે જે વિશે જાણકારી હોવી જોઇએ.

છેડતી વિરુદ્ધ જોગવાઇ

જિલ્લાના કોઇપણ પોલીસ સ્ટેશનમાં મહિલા ફરિયાદ નોંધાવી શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ અંતર્ગત મહિલા વિરુદ્ધ અભદ્ર ઇશારો કે કોઇ હરકત કરવી સજાપાત્ર ગુનો છે. જો આવા કેસમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસે કાર્યવાહી કરવી પડે છે.

વાંધાજનક પ્રચાર

ઇન્ટરનેટ અને ટેક્નોલાજીના જમાનામાં દરેક સ્ત્રીને આ કાયદા વિશે જાણ હોવી જોઇએ. ધી ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન ઓફ વિમન્સ એક્ટ અંતર્ગત કોઇપણ વ્યક્તિ કે સંગઠન કોઇ મહિલા, વિશેની કોઇપણ પ્રકારની માહિતીને પબ્લિશ ન કરી શકે. જો કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર તમને હેરાન કરી રહી હોય તો સાયબર સેલમાં ફરિયાદ કરી શકો.

સમાન વેતન

આ બિલ મારફતે તમામ લિંગના લોકોને એક સરખા વેતનનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા તમામ કાર્યો માટે ઓછામાં ઓછા વેતનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારા કાર્યાલયમાં જાતિ પ્રમાણે વેતનમાં અસમાનતા હોય તો તમે શ્રમ આયુક્ત કે પછી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકો છો.

મેટરનિટી બેનિફિટ

આ કાયદા મુજબ મહિલાઓને ગર્ભાવસ્થાના અધિકાર આપેલ છે. કોઇપણ સંસ્થામાં કામ કરતી ગર્ભવતી મહિલાને મેટરનિટી લીવ, નર્સિંગ બ્રેક્સ, મેડિક્લ બ્રેક્સ સહિતની સગવડનો લાભ મળે છે.

ઘરેલુ હિંસા

ઘરેલુ હિંસાને અટકાવવા માટે અનેક કાયદા ઘડવામાં આવ્યાં છે. એમાં 498ની કલમની જોગવાઇ છે. આ કાયદા મુજબ પરિવારના કોઇપણ સભ્ય નિર્દયપણે શારીરિક કે માનસિક રીતે સ્ત્રીને ત્રાસ આપતો હોય કે અપમાન કરતાં હોય ત્યારે સ્ત્રી તેની ફરિયાદ નોંધાવી શકે છે.

દહેજને લગતો કાયદો

દેશમાં દહેજ લેવું અને આપવું બંને અપરાધ છે. લગ્ન સમયે સાસરિયાં કે પિયરિયાં તરફથી દહેજ આપવામાં કે માંગવામાં આવે તો જેલ થઇ શકે છે. લગ્ન પછી પણ સ્ત્રી પાસે દહેજ માગવામાં આવે તો મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.

કાર્ય સ્થળે જાતિય શોષણ

2013માં પાસ થયેલા કાયદા હેઠળ વર્ક સ્ટેશન પર મહિલાઓને અનેક અધિકાર આપવામાં આવ્યાં છે. જાણી જોઇને ખોટા ઇરાદે અડવું, મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં કોઇ આપત્તિજનક મટિરિયલ બતાવવું, સેક્સસ્યુઅલ ટોન સાથે વાત કરવી વગેરેને જાતિય શોષણમાં ગણવામાં આવે છે. તમામ સરકારી અને પ્રાઇવેટ કંપનીઓમાં એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનાવવાની જરૂર હોય છે. જેની 50 ટકા સભ્યો મહિલાઓ હોવી જોઇએ.

સહાયનો અધિકાર

કોઇપણ વકીલ વિના પોલીસ સ્ટેશને જવા પર મહિલાના નિવેદનમાં ફેરફાર સંભવે છે. તેથી દરેક મહિલાને ખબર હોવી જોઇએ કે એમને કાયદાકીય મદદનો અધિકાર હોય છે. તેમણે એની માંગ કરવી જોઇએ. દિલ્હી હાઇકોર્ટના નિર્ણય મુજબ બળાત્કારનો રિપોર્ટ આવ્યા પછી જે તે અધિકારીએ દિલ્હી લિગલ સર્વિસ ઓર્થોરિટીને આ બાબતની જાણકારી કરવાની હોય છે. એ પછી સંસ્થા પીડિતા માટે વકીલની વ્યવસ્થા કરે છે. બળાત્કાર જેવા કેસમાં પીડિતાનું નિવેદન માત્ર મેજિસ્ટ્રેટની હાજરીમાં જ લેવામાં આવે છે. પીડિતા ઇચ્છે તો લેડી કોન્સ્ટેબલ કે પછી પોલીસ અધિકારી સમક્ષ પણ નિવેદન નોંધાવી શકે છે. પોલીસ સ્ટેશનને બદલે મહિલાને તેના ઘરે જ પૂછપરછની જોગવાઇ છે.

સંપત્તિનો અધિકાર

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અંતર્ગત મહિલાઓને સંપત્તિમાંથી સમાન હિસ્સો મળવો જોઇએ. જેમાં જાતિના આધારે કોઇ ભેદભાવ કરી ન શકાય. બીજુ નવા આવેલા કાયદા અનુસાર મહિલાના નામે પ્રોપર્ટી ખરીદવામાં આવે તો રજીસ્ટર ફીમાં એક ટકાની છૂટ મળે છે. આ લાભને કારણે પતિ પત્નીના નામે પ્રોપર્ટી ખરીદતા થયાં છે, પ્રોપર્ટી મહિલાના નામે હોય તો ભવિષ્યમાં કોઇ સમસ્યા સર્જાય તો તે સલામત અને સિક્યોર રહી શકે છે.

આ મુદ્દે એડવોકેટ દિવ્યા મોદીએ જણાવ્યું હતું કે અત્યારે ઘરેલું હિંસા અને છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે સ્ત્રી ઉપર ઘરેલું હિંસા થાય ત્યારે તે પોલીસ અને કાયદાની મદદ લઇ શકે છે. પરંતુ સ્ત્રીને જ્યાં સુધી ઘરની બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તેણે ઘર છોડવું ન જોઇએ. તો જ આગળ જતાં તે કાયદાકીય લાભ મેળવી શકે છે. બીજુ સંતાન હોય તેવા પતિ પત્નીએ છૂટાછેડા લેતાં પહેલાં મીડિયેટરની સલાહ લેવી જોઇએ. છૂટાછેડા બાદ સ્ત્રી પોતાનું અને સંતાનનું ભરણપોષણ માંગી શકે છે. ભરણપોષણ વધારવાની અરજી પણ કરી શકે છે. આમ કાયદા દ્વારા સ્ત્રીને મજબૂત, સલામત અને સેફ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

  • Follow us on: