રેડિયો એક એવું માધ્યમ છે, જે આપણને બહારની દુનિયા સાથે જોડવાનું કામ કરે છે. રેડિયો સંચારથી લઇને મનોરંજનનું એક મોટું સાધન છે. સમયમાં પરિવર્તન આવતાં રેડિયોની લોકપ્રિયતામાં થોડી ઊણપ જરૂર આવી હતી, પરંતુ આજે તેનો વપરાશ વધ્યો છે. મોબાઇલમાં, કારમાં એમ દરેક જગ્યાએ રેડિયોનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ રેડિયોના મહત્ત્વ વિશે સામાન્ય જનતાને જણાવવા અને તેના ઉપયોગથી પ્રોત્સાહિત કરવાના હેતુથી ઊજવવામાં આવે છે.
13 ફેબ્રુઆરી સંયુક્ત રાષ્ટ્ર રેડિયો અને સંયુક્ત રાષ્ટ્રની આતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની સ્થાપનાની વર્ષગાંઠ છે. જેને 1946માં આ જ દિવસે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. ભારતીય રેડિયો પ્રસારણ 1920ના દશકામાં શરૂ થયું. 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બેએ પોતાનો પહેલો કાર્યક્રમ શરૂ કર્યો. 1930માં ઇન્ડિયન બ્રોડકાસ્ટ કંપની દેવામાં ડૂબી ગઇ હતી અને તેને વેચવી પડી. એ પછી ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને બનાવવામાં આવી હતી.
આપણા દેશમાં પહેલું ન્યૂઝ બુલેટિન 19 જાન્યુઆરી, 1936માં બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું. લિયોનેલ ફિલ્ડન ભારતમાં રેડિયો પ્રસારણના પહેલા નિયંત્રક હતા. તે બીબીસીના વરિષ્ઠ નિર્માતા હતા. જેમણે ભારતમાં પ્રસારણ, નિર્માણના નિયંત્રકના રૂપમાં પાંચ વર્ષ કામ કર્યું. 8 જૂન, 1936માં ભારતના રેડિયો પ્રસારણને અખિલ ભારતીય રેડિયોના નામથી ઓળખવામાં આવતું હતું. 1956માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું હતું. જ્યારે આપણા દેશને આઝાદી મળી હતી ત્યારે એર નેટવર્કમાં 18 ટ્રાન્સમીટરોની સાથે ફક્ત છ સ્ટેશન હતાં. દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, લખનૌ અને તિરુચિરાપલ્લીમાં. અત્યારે તેની સંખ્યા વધી ગઇ છે. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆતની સાથે રેડિયો પ્રસારણ ઝડપથી વધવાનું શરૂ થયું.
રેડિયો વેવ્સના અસ્તિત્વ અને રેડિયો પ્રસારણની ભવિષ્યવાણી સ્કોટિશ વૈજ્ઞાનિક જેમ્સ ક્લાર્ક મેક્સવેલે 186૦ના દાયકામાં કરી હતી. 188૦માં ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક તરંગની શોધ થઇ હતી. 189૦માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયોની શોધ કરી હતી, પરંતુ તેની પેટન્ટ રેકોર્ડ 1896માં મળી. એ પછી ગુલ્યેલ્મો માર્કોનીને રેડિયોના આવિષ્કારક માનવામાં આવે છે. રેડિયો લોકોને એકસાથે લાવવાનું, સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં અભિવૃદ્ધિ કરવાનું અને મહત્ત્વપૂર્ણ મુદ્દા તથા ઘટનાઓ વિશે જાગૃતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રેડિયો ફક્ત ભારતમાં જ કાર્યરત છે એવું નથી, તે વિશ્વભરમાં ફેલાયેલો છે.
ભારતમાં એફએમની શરૂઆત 23 જુલાઇ, 1977માં ચેન્નઇમાં થઇ હતી.