દર મહિને આપણે આપણા માથાના વાળને કાળા કરવા `કાળી મજૂરી' કર્યા કરીએ છીએ. અમુક ઉંમર થાય એ પછી માથાના કાળા વાળ ધોળા થવા માંડે એ કુદરતનો નિયમ છે, નેચરલ કોર્સ છે, પણ આપણે દરેક નિયમમાં `તોડ-મ-ફોડી' કરવાના શોખીન છીએ. એટલે કુદરતના આ નિયમમાં પણ આપણે ફેરફાર કરવા (નેલ્સન) મંડેલા રહીએ છીએ.
આપણે ત્યાં કાળા વાળ એ યુવાનીની નિશાની છે. એટલે આ યુવાનીની નિશાનીની જાળવણી કરવા આપણે જાતજાતના નુસખા અજમાવતા રહીએ છીએ. (મિત્રો, આ લાસ્ટ સેન્ટેન્સમાં `યુવાનીની નિશાનીની જાળવણી' એ શબ્દોમાં ટોટલ પાંચ વખત ની/નિ આવે છે તેની ખાસ નોંધ લેવા વિનંતી છે) માથાના ધોળા વાળ કાળા કરવા માટે યાનિ કી જુવાની ટકાવી રાખવા માટેના પ્રયત્નોની શરૂઆત લગભગ ત્રીસેક વર્ષ પછી શરૂ થતી હોય છે. એવું સાંભળ્યું'તું કે (કોણ બોલ્યું'તું એ યાદ નથી) આપણા માથામાં જ્યારે સફેદ વાળ દેખાય એ પછી જબરી-જોરદાર `રામાયણ' સર્જાતી હોય છે. માથાના સફેદ વાળને કાળા કરવા માટે આપણે મનોમંથન શરૂ કરીએ છીએ.
સૌથી પહેલાં તો આપણે માથાના વાળને કયા પદાર્થથી રંગવા એ બાબતે ખૂબ `કન્ફ્યૂઝ' થઈએ છીએ. માથાના વાળને કલર કરવા, રંગવા માટે જાતજાતની ડાઈ, હેર કલર બજારમાં ચોરે ને ચૌટે ઉપલબ્ધ હોય છે. આમાંથી કઈ બ્રાન્ડ આપણા માથે ચોપડવી-ઘસવી એમાં આપણું માથું ફરી જાય છે. એમોનિયાવાળી, એમોનિયા વગરની, હર્બલ, પાઉડર, ક્રીમ (ઘણી બ્રાન્ડવાળા એને `ક્રેમ' કહે છે) લિક્વિડ, સેમી લક્વિડ, પેસ્ટ, ઓઈલ બેઝ્ડ, શેમ્પૂ બેઝ એવી કંઈકેટલીયે જાતની હેર ડાઈ આજકાલ મળતી થઈ ગઈ છે. આમાંથી માથે શું લગાડવું એ ટેન્શનમાં આપણે વધારે વાળ ધોળા કરીએ છીએ. કોઈ એક બ્રાન્ડ પર, કોઈ એક હેર ડાઈ પર આપણે હાથણીની જેમ કળશ ઢોળીએ છીએ. એ પછી બીજું કન્ફ્યૂઝન શરૂ થાય છે. આપણે વાળ કયા રંગે રંગવા છે?
આમ તો આપણે આપણા વાળ કાળા જ કરવા હોય છે. (કોલસાની દલાલીમાં હાથ કરીએ છીએ, એક્ઝેક્ટલી એમ જ) તે છતાં હેર ડાઈ / હેર કલર બનાવનારા ચિત્રવિચિત્ર શેડ્ઝના ઓપ્શન્સ આપણી સામે રજૂ કરે છે. બ્લેક, નેચરલ બ્લેક, ડાર્ક બ્રાઉન, નેચરલ બ્રાઉન, બર્ગંડી બ્રુનેટ, બ્લોન્ડ, હીના આવા આવા કેટલાયે હેર કલર બજારમાં અવેલેબેલ છે. એક કંપનીએ તો 130 શેડ્ઝના હેરકલર્સ આપણા માથે પછાડ્યા છે. આ બધામાં ખૂબ ગૂંચવાયા પછી આપણે (યાનિ કી હમ હિન્દુસ્તાની) છેવટે વાળને કાળા ડિબાંગ રંગે રંગવાનું નક્કી કરી ડાર્ક બ્લેક કલરની હેર ડાઈ લઈ આવીએ છીએ. (ફોરેનમાંતો બ્લૂ, ઓરેન્જ, રેડ, ગ્રીન એવા રંગો પણ અવેલેબલ હોય છે અને લોકો એનાથી વાળ રંગે પણ છે. પછી માણસ મટી મોર જેવા લાગે છે.) હેર કલર લાવ્યા પછી બીજો પ્રોબ્લેમ શરૂ થાય છે. ઉસે લગાએગા કૌન? કેમ કે જાતે પોતે પોતાના માથાના વાળ રંગવા એ ખૂબ અઘરું કામ છે. કેમ કે, કાચમાં જોઈ જાતે વાળ રંગો તો કાચમાં જેટલા વાળ દેખાય એટલાને જ કલર થાય, બાકીના વાળ રહી જાય.
છેવટે હજામભાઈ કે બ્યૂટી પાર્લરવાળાની મદદ લઈ કે પછી પતિ કે પત્નીનો સહારો લઈ આપણે વાળને રંગીએ છીએ. વાળ રંગીને અડધો કલાક, કલાક `રંગેલું માથું' રહેવા દેવું પડે છે. ત્યાં સુધી નીચી મૂંડી કરી બેસી રહેવું પડે છે, પણ કેટલાક (ખાસ કરીને બહેનો) રંગેલા માથે, ઉપર પ્લાસ્ટિકની કેપ લગાડી, સરપે કફન લગાડી શાક લેવા કે જાહેરમાં ફરતાં પણ નજરે ચડે છે. (એ દૃશ્ય ખૂબ ગોબરું લાગે છે, પણ ઈન દીવાનોં કો કૌન સમજાયે?) છેવટે વાળને કલાક પછી ધોવામાં આવે છે અને પછી? આહાહા, આપણા વાળ તો આપણે બારમા ધોરણમાં હતા ત્યારે જેવા કાળા ભમ્મર હતા એવા જ થઈ ગયા. આપણે `ખુશ... ખુશ...' થઈ જઈએ છીએ.
આપણે ચારેબાજુ કાળી ઝુલ્ફોં લહેરાવતા મસ્તીથી ફરીએ છીએ, પણ પંદરેક દિવસ પછી વાળ મૂળમાંથી વધવાના કારણે મૂળમાંથી સફેદ દેખાવા માંડે, માથાના હરિયાળા ખેતરમાં વચ્ચે સફેદ સૂકી કેડી જેવું દેખાય અને પછી બધાય વાળનો રંગ ઊડી જાય ને આપણું માથું કાબરચીતરું બની જાય ને ફરીથી માથું રંગવાની માથાકૂટ શરૂ થાય. આમાંથી બચવાનો એક જ ઉપાય છે ટોલુ કરાવી દેવાનું, બોલો છે હિંમત?