આધુનિક વૈજ્ઞાનિકોએ જાણ્યું કે યુરોપના એક ખાસ દેશના લોકો બીજા યુરોપિયન દેશના લોકો કરતાં ખૂબ જ સ્વસ્થ, સુદૃઢ, સૌમ્ય અને દીર્ઘાયુષી છે. આનું મૂળ કારણ તેઓના દૈનિક આહારમાં દહીંનો છૂટથી ઉપયોગ જણાયો. દહીંનાં સંશોધનો પછી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે, સ્વસ્થ, સુદૃઢ અને દીર્ઘ જીવન જીવવા માટે દૈનિક આહારમાં દહીંનો નિયમિત સમાવેશ કરવો જોઈએ. આ તારણ પછી યુરોપના દેશોમાં દહીંનો ઉપયોગ વધી ગયો. સંશોધનનું આ તારણ જાણ્યા પહેલાં આ દેશોમાં દહીંનો ઉપયોગ તો સાવ નહીંવત્ જ થતો.
જ્યારે આપણા આયુર્વેદના પ્રાચીન (ત્રણ હજાર વર્ષ પૂર્વે લખાયેલા) ગ્રંથોમાં દહીંના ગુણકર્મોનું ઘણું વિસ્તૃત નિરૂપણ થયેલું છે.
દહીં અથવા ઘટ્ટ છાશનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાથી લોહીમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ઘટે છે. હૃદયરોગ થવાનું એક કારણ ઊંચું કોલેસ્ટેરોલ પણ ગણવામાં આવે છે. રક્તપ્રવાહમાં આ કોલેસ્ટેરોલનું પ્રમાણ સામાન્ય રીતે હોવું જોઈએ તે કરતાં વધી જાય તો હૃદયરોગની શક્યતા રહે છે.
દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રક્તમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરના દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. આયુર્વેદમાં ઘી, તેલ, માખણ, મલાઈ જેવાં સ્નિગ્ધ-ચીકણાં આહાર દ્રવ્યોના અધિક ઉપયોગથી ઉત્પન્ન થતા રોગોમાં તક્ર એટલે કે છાશની ચિકિત્સાનું અતિ મહત્ત્વ દર્શાવાયું છે. દહીં હૃદયને બળ આપે છે. એટલે હૃદયરોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
દહીં મધુર, ખાટું, તૂરું, ઉષ્ણ, લઘુ, રૂક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી, આંતરડાના રોગ, પાંડુરોગ-રક્તાલ્પતા, મસા-પાઈલ્સ, બરોળ-સ્પ્લીનના રોગો, ગોળો-આફરો, મંદાગ્નિ, અરુચિ, વિષમ જ્વર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગ મટાડે છે. અરુચિ તથા નાડીઓના અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંના ઉપર્યુક્ત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્સકો અને મહર્ષિઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે `પંચામૃત'માં સ્થાન આપ્યું છે.
આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્થાન `ચા' મહારાણીએ લીધું છે. અત્યારે આપણે ત્યાં અમ્લપિત્ત-એસિડિટી, અલ્સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. પહેલાં આપણે ત્યાં દહીંનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોના આંધળા અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્વાસ્થ્યપ્રદ રિવાજ મૃતઃપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્લાં સો વર્ષથી આપણે ત્યાં પાચનતંત્રનાં રોગો અને હૃદય રોગનું પ્રમાણ વધ્યું છે. આયુર્વેદ પ્રમાણે દિવસ આથમ્યા પછી દહીંનો ઉપયોગ કરવો સ્વાસ્થ્યપ્રદ નથી.