પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના પેરા એથ્લેટ્સ રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી પેરિસ ગેમ્સમાં ભારતે કરેલા નિરાશાજનક પ્રદર્શન બાદ પેરાલિમ્પિકમાં દેશના વિવિધ રીતે શારીરિક રીતે વિકલાંગ રમતવીરોએ ભવ્યાતિભવ્ય પ્રદર્શન કરીને દેશના રમતપ્રેમીઓમાં એક ઉત્સાહનો સંચાર કર્યો છે.


ભારતના રમતમંત્રાલયે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ એથ્લેટ્સ માટે પેરિસ ઓલિમ્પિક માટે 500 કરોડનું બજેટ નક્કી કર્યું હતું અને મેડલ્સ માત્ર છ મળ્યા હતા જેમાં એક પણ ગોલ્ડ મેડલ પણ સામેલ નથી. બીજી તરફ પેરા એથ્લેટ્સ માટે સરકારે ફક્ત 20 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને આજે ભારતના નામે 15 પ્લસ મેડલ્સ બોલી રહ્યા છે. કેટલાક એથ્લેટ્સે તો ટોક્યો બાદ પેરિસમાં સતત મેડલ્સ મેળવવાની પણ સિદ્ધિ મેળવી છે.

પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય પેરા એથ્લેટ્સમાં કોઈને પગમાં, કોઈકને હાથમાં સહિત વિવિધ વિકલાંગતાઓ છે પરંતુ તેમનો જુસ્સો આસમાને છે. તેઓ મેડલ્સ જીતીને વિકલાંગો સામે સમાજ દ્વારા રાખવામાં આવતા ભેદભાવને ખતમ કરવાનો જંગ લડી રહ્યા છે. જયપુરની અવનિ લેખરાએ ભારત માટે સતત બે પેરાલિમ્પિક શૂટિંગ ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. 11 વર્ષની વયે જો કોઈ બાળક દુર્ઘટનાનો શિકાર બને તો તેની જિંદગી વિકલાંગતામાં જ પૂરી થઈ જાય છે. તેનું મનોબળ તૂટી જતું હોય છે પરંતુ અવનિ લેખરા અપવાદ બની છે. 2012માં જયપુરથી ધૌલપુર જતી વખતે એક રોડ અકસ્માતમાં અવનિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ગણતરીના કલાકોમાં તે પૂરી જિંદગી માટે વ્હીલચેર ઉપર આવી ગઈ હતી. માતમ અને નિરાશા ચોમેર છવાયેલી હતી અને કોઈ આશા નહોતી પરંતુ પરિવારે અવનિને તમામ પ્રકારનું પ્રોત્સાહન આપ્યું હતું. આજે ટોક્યો બાદ પેરિસ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને અવનિએ અનેક લોકોમાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે જેઓ જિંદગીમાં ક્યાંક ને ક્યાંક નિરાશ થયા છે.

એક દિવસ મનનો પ્રફુલ્લિત કરવા માટે અવની શૂટિંગ રેન્જ ઉપર ગઈ હતી અને નાના બાળકો સાદી બંદૂકથી ફુગ્ગા ફોડે તેવી સ્ટાઇલમાં અવનીએ બંદૂક પકડીને શોખ પૂરો કરવા ઉપરાંત અજાણતા જ શૂટિંગમાં કારકિર્દીનો પાયો નાખી દીધો હતો. પડકાર મોટા મોટા પહાડ જેવા હતા અને મર્યાદાઓ ઘણી હતી. પોતાની પ્રથમ ઇવેન્ટમાં ભાગ લીધો ત્યારે અવનિ પાસે પોતાની રાઇફલ પણ નહોતી. ઉધારની રાઇફલથી તેણે ગોલ્ડ મેડલ જીતીને તમામને પ્રભાવિત કર્યા હતા. 2016નું વર્ષ અવનિ માટે જીવનની એક નવી સવાર લઈને આવ્યું હતું. તેણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ માટે પસંદગી થઈ હતી.

ત્યારબાદ અવનિએ પાછું વળીને જોયું નથી અને સતત સફળતાના શિખરો પાર કરી રહી છે. માત્ર અવનિ જ નહીં પરંતુ તમામ પેરા એથ્લેટ્સના જીવનમાં કશીક એવી ઘટના બની છે જે તેમના માટે અને પૂરા સમાજ માટે પ્રેરણારૂપ બની છે. પેરા શૂટર રૂબીના ફ્રાન્સિસની લાઇફ પણ સામાન્ય લોકો જેવી નથી. 1999માં જન્મેલી રૂબીના જન્મથી જ દિવ્યાંગ છે. તે રિકેટ્સ નામની બીમારીનો સામનો કરી રહી છે, તેના પગ 40 ટકા દિવ્યાંગ છે પરંતુ તેણે પોતાની શારીરિક ખોડને ક્યારેય નબળાઈ બનવા દીધી નથી. તેના માતા એક સામાન્ય નર્સ તથા પિતા સાયમન મોટર મિકેનિકનું કાર્ય કરે છે. નગરપાલિકાએ એક દિવસ પિતાની બાઇક રિપેરિંગની દુકાનને તોડી નાખી હતી. જેના કારણે તેના પરિવારને આર્થિક તંગીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. છેલ્લા કેટલાક વર્ષમાં રૂબીનાએ વિશ્વસ્તરે મેળવેલી સફળતાને જે અધિકારીઓએ તેના પિતાની દુકાન તોડી હતી તેઓ આજે રૂબીનાને સલામ ભરે છે. માત્ર અવની કે રૂબીના જ નહીં પરંતુ મેડલ જીત્યા હોય કે નહીં તે પેરા એથ્લેટ્સ વિવિધ રીતે સમાજને એક નવો મેસેજ આપે છે. આ તમામ પેરા એથ્લેટ આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે જેઓ નજીવી નિષ્ફળતાથી હતાશ થઈ જાય છે. તેઓ પેરા એથ્લેટ્સ પાસેથી જિંદગી કેવી રીતે મુલ્યવાન બનાવવી તેના પાઠ શીખી શકે છે. યુવા પેઢી માટે પરિવારનો સહારો તથા સમર્થન પણ એટલું જ જરૂરી છે.પ્રત્યેક પરિવારની જવાબદારી છે કે તેઓ પોતાના બાળકોને એકલા ના છોડી દે પરંતુ તેમને સાચી દિશા બતાવવી જોઈએ. પ્રત્યેક બાળકોમાં કોઈક ચોક્કસ ટેલેન્ટ હોય છે, માત્ર તેને સપાટી ઉપર લાવવાની જરૂર છે. પરિવાર બાદ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી સમાજની પણ છે. ત્યારબાદ સરકારનો નંબર આવે છે. જો બાળકોને આ ત્રણેય પાસામાંથી યોગ્ય માર્ગ મળે તો દેશની રમતોની પરિભાષા બદલાઈ શકે છે. આજે ભારતના લાખો યુવાઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને તેઓ ડ્રગ્સને રવાડે ચઢયા છે. કેટલાક તો આત્મહત્યા પણ કરી લે છે પરંતુ પેરિસ ઓલિમ્પિક તથા પેરાલિમ્પિકમાં મેડલ્સ જીતનાર ભારતીય એથ્લેટ્સ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે તેમાં કોઈ શંકા નથી.

  • Follow us on: