ધારો કે કોઈ બાળક પોર્નોગ્રાફી જોતાં પકડાયું તો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ધારો કે કોઈ બાળક પોર્નોગ્રાફી જોતાં પકડાયું તો

ધારો કે કોઈ બાળક પોર્નોગ્રાફી જોતાં પકડાયું તો

 | 4:22 am IST
  • Share

અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર

ભૌમિકની તરુણાવસ્થા વિશેની ચિંતાથી પીડાતા રેખાબેન કાનાભાઈ સાથે ચર્ચા કરી મનનું સમાધાન મેળવી રહ્યા હતા. નવ્વાણુ ટકા સંતોષ થવા છતાં એમના શિક્ષિકા જીવને પ્રશ્નો ઘણાં થતાં. “ધારો કે કોઈ બાળક નાની ઉમરમાં જોડી બનાવી દે, તો..?” એ એક સવાલનો કાનાભાઈએ આપી શ્વાસ લીધો ત્યાં જ બીજો સવાલ આવ્યો, “ધારો કે કોઈ બાળક પોર્નોગ્રાફી જોતાં પકડાયું, તો એની સાથેની પ્રક્રિયા શું હોય?”

“તમે એક શિક્ષિકા પણ છો અને એક માતા પણ.. ઘણીવાર એ બન્ને રોલની ભેળસેળ થઈ જાય છે! ઘણીવાર શિક્ષિકા તરીકે જે પ્રશ્નોનો સામનો સહજતાથી થાય છે એ જ પ્રશ્નોનો માતા તરીકે મુકાબલો નથી કરી શકાતો!”

રેખાબેને ડોકું ધુણાવ્યું, સાચી વાત હતી, દુનિયાભરની ખોટી કે ખરાબ વાતો સાંભળી એમને ચિંતા પોતાના બાળક કે પરિવારની જ થતી. પણ કોઈપણ પ્રશ્નને પરિવારની, સ્વાર્થની અસલામતીની, કે સ્વલક્ષિતાની હદ તોડીને વિચારીએ તો પ્રશ્ન આપોઆપ નાનો થઈ જાય છે એટલું જ નહીં સારું સમાધાન સૂઝે છે, અને કોઈ સારું સમાધાન મળવાથી સમસ્યાની તાકાતનું રુપાંતર સંબંધની મજબૂતાઈમાં થાય છે.

કિરણભાઈએ રેખાબેનનો સવાલ કાનાભાઈને યાદ કરાવ્યો, “કોઈ બાળક પોર્નોગ્રાફી જોતાં પકડાયું, તો માબાપ શિક્ષક કે સમાજ તરીકે શું કરવાનું?”

કાનાભાઈ ઘણીવાર સ્ટેટેસ્ટિક્સની સ્ટીક્થી શરૂ કરી ફ્લિોસોફીની ડાળખી પકડે. એમણે કહ્યું, “સમાજ, સંસ્કૃતિ અને દેશના ભેદ ઓગાળીને જોઈએ તો ૧૪ વર્ષની ઉંમર પછી લગભગ દસ ટકા બાળકો પોર્નોગ્રાફીના ટચમાં આવે છે. અમુક બાળકોના કિસ્સામાં એ બહુ ટૂંકા ગાળા માટેની ટ્રાયલ અથવા સાહસ જેવું હોય. અમુક બાળકો જીવનની અને પ્રગતિની મુખ્ય ધારાથી વિચલિત થયા વગર સંયમિત સ્વરૂપે, આ પ્રકારના મનોરંજનનો આનંદ લઈ શકે છે. અમુક પ્રકારનો ઉછેર અને સંસ્કાર ધરાવનારા બાળકો આનાથી છેટા જ રહે છે અને આમ કરવામાં એમણે કોઈ મોટું રિપ્રેશન (દમન) કરવું પડતું નથી. જીવનની સાહજિક હકારાત્મક ખુશીઓને કારણે એમણે આવા મનોરંજનના શરણે જવું પડતું નથી. બહુ ઓછા બાળકો એવા હોય છે જેમને પોર્નોગ્રાફીનો શોખ વ્યસનની હદે લાગુ પડી જાય છે.”

રેખાબહેનના નારી હૃદયને આ આંકડા સાંભળી આઘાત પહોંચ્યો, “એટલે તમે એમ કહેવા માંગો છો કે આઠમા નવમા ધોરણો પછીના વર્ગોમાં દરેક વર્ગમાં પાંચેક છોકરાઓ પોર્નોગ્રાફીના સંપર્કમાં હોય છે!”

“હા, એવું ધારી શકાય!”

“પણ અમારી સ્કૂલમાં વરસે માંડ આવો એકાદ કિસ્સો પકડાય છે!”

કાનાભાઈએ કહ્યું, “જે પકડાય છે એ ઘણીવાર આ સૌ બાળકોમાં સૌથી કાચો, ભોળો અથવા નવોસવો શિખાઉ હોય છે. સમાજના કોઈ પણ દૂષણમાં એક પકડાનારાની પાછળ પાંચ નહીં પકડાયેલા હોય છે જે વધુ ચાલાક હોય છે. કદી પકડાતા નથી!”

કિરણભાઈ બોલ્યા, “ઓહ! આપણે તો જે પકડાય છે, એને જ સુધારવા મથીએ છીએ!”

કાનાભાઈ બોલ્યા, “એમાં ખોટું નથી. જે પકડાયો હોય એ પણ કંઈ નિર્દોષ તો નથી જ હોતો. વળી એ કાચો અથવા ભોળો હોય તો એને વાળી લેવાની, સુધારવાની આ એક મોટી તક હોય છે. કશાક ખોટા કામ માટે પકડાવું કે સજાપાત્ર થવું એ અપમાનજનક તો છે જ, પણ જો વડીલો આ પ્રસંગમાંથી વડીલ તરીકે બરાબર પાર ઉપરે તો પૂરેપૂરી શક્યતા છે કે બાળકનું પણ જીવન બદલાઈ જાય.” પછી તો કાનાભાઈની વાકધારા અવિરત ચાલી.

ક્ષમા વીરનું ભૂષણ છે પણ સારી સાર્થક સજા કરવી એ પણ કળા છે. શિક્ષક કે વડીલ તરીકે કોઈ પણ ગુનાની સજા કરતી વેળા એક જ વાક્ય યાદ રાખવું કે પાપી પ્રત્યે નહીં, પાપ પ્રત્યે એક્શન લેવાની છે. પાપ પ્રત્યે મક્કમતા અને પાપી પ્રત્યે જરૂર પૂરતી સહાનુભૂતિ અથવા તટસ્થતા રાખવાથી એને એહસાસ કરાવવાનું કામ સરળ રહે છે.

આવો કેસ હાથ પર લેતી વખતે માત્ર બાળકની વાત સાંભળવાને બદલે આજુબાજુથી માહિતી એકઠી કરી લેવી જોઈએ. જેથી બાળક તમને ગોટે ન ચડાવે. પણ એ બધી માહિતી બાળકને ઠપકા રૂપે કહી દેવાને બદલે બાળકનું વર્ઝન શાંતિથી સાંભળવું જોઈએ. એ ઢાંકપિછોડો કરે છે, કબૂલાત કરે છે, બચાવ કરે છે, કે ફ્રિયાદ કરે છે એના પરથી એની સાથે કેવું કામ લેવું એ નક્કી થાય.

બાળકને દોષ વિષે વિચારતો કરવા માટે, “તેં જે કર્યું છે, એ બરાબર છે એમ તું સાબિત કરી દે, મારા ગળે ઉતારી દે તો તને સજા નહીં કરું.” એ રીતે વાત શરૂ કરી શકાય.

“તેં જે કર્યું, એવું બધા કરે તો એ યોગ્ય છે? સમાજ કે દુનિયાને એનાથી કોઈ ફયદો થાય? એના પર અમારે શિક્ષક કે વડીલ તરીકે રોક લગાવવી જોઈએ?”

આમ પ્રોબ્લેમને જનરલાઈઝ કરી બાળકના મનમાં ‘બહુજનહિતાય’ સારા નાગરિક બનવાની વૃત્તિ જાગૃત કરવી જોઈએ. આ ક્રિયા બોધ આપીને કરવાને બદલે પ્રશ્નો પૂછીને કરવી જોઈએ. તમે જે કહેવા માંગો છો એ બાળકના મોઢેથી નીકળે તો એ પ્રક્રિયા ઉત્તમ કહેવાય!

આટલી ચર્ચા પછી બાળકને સજા તો કરવી જ જોઈએ. “તારા માટે શું સજા યોગ્ય રહે? અથવા તને શું સજા કરી શકાય?” એમ બાળકને પૂછી શકાય. સજા સર્જનાત્મક હોય, બાળક પાસે થોડા લાંબાગાળાનું કમિટમેંટ માંગે એવી હોય તો ઉત્તમ.

વ્યક્તિત્વના બધા દોષ સરળતાથી સુધરે એવા નથી હોતા. ઘણીવાર ઉપરછલ્લો બોધ કામનો હોતો નથી, ઘણીવાર બાળકને “તારા વ્યક્તિત્વમાં, ઉછેરમાં, વાતાવરણમાં, સંજોગમાં એવી કોઈ ખામી છે જેના કારણે ઈચ્છવા છતાં તું આ દૂષણમાંથી મુક્ત નથી થઈ શકતો? તને કોઈ મદદની જરૂર છે?” આ પ્રકારનો સવાલ પૂછવો જરૂરી બને છે. ગમે તે પ્રયાસે બાળકને અશુદ્ધ પ્રેમથી શુદ્ધ પ્રેમ તરફ લઈ જવાની કોશીશ કરવી જોઈએ.

રેખાબહેનના ચહેરા પર સંતોષની આછી લકીર દેખાતાં કાનાભાઈ અટક્યા! પણ શાયરી કહેવા માટે..

કરીએ ચલો ને શુદ્ધ મુહબ્બત તરફ ગતિ

નડશે નહીં દીવાલ, જો હો છત તરફ ગતિ

સત કે અસતના બન્ને વિકલ્પો ધરે છે પળ

જાગ્રત હશે એ કરશે સતત સત તરફ ગતિ

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો