કાશ્મીરમાં `ઈન્સાનિયત'નો અભાવ છે, જાણો કોણ કહે છે - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરમાં `ઈન્સાનિયત’નો અભાવ છે, જાણો કોણ કહે છે

કાશ્મીરમાં `ઈન્સાનિયત’નો અભાવ છે, જાણો કોણ કહે છે

 | 11:34 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરની પ્રજાને ઈન્સાનિયત, જંબુરિયત (પ્રજાતંત્ર) અને કાશ્મીરીયતની ખાતરી આપી તે જ દિવસે સુપ્રીમ કોર્ટે કાશ્મીરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કાશ્મીર ખીણની એક માસ લાંબી અશાંતિમાં માનવીય અભિગમનો અભાવ વર્તાય છે.

હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુહરાન વાની સેના સાથેની અથડામણમાં આઠમી જુલાઈએ ઠાર મરાયો હતો. ત્યારથી કાશ્મીર ભડકે બળી રહ્યું છે. સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી 55ના જીવ ગયા છે અને અસંખ્ય લોકો ઘવાયા છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂતિઓ પી.સી. ઘોષ અને અમિતાવ રોયની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે સમસ્યા પ્રત્યે માનવીય અભિગમ હોવો જ જોઈએ, જેનો અભાવ જોવા મળે છે. લોકો પ્રત્યે પ્રેમભાવ અને હુંફ હોવી જોઈએ, જેનો હાલના તબક્કે અભાવ છે. સરકારે આ બંને બાબતોની તકેદારી રાખવી જોઈએ.

10 જુલાઈએ 22 વર્ષના યુવાન શાબીહ અહેમદ મીરને ઘરમાં ઘૂસી ઠાર મારનાર ડીએસપી સામે એફઆઈઆર નહીં નોંધવા બદલ શ્રીનગરના એસપી સામે સ્થાનિક કોર્ટે હાથ ધરેલી અદાલતના તિરસ્કારની કાર્યવાહી સામે મનાઈ હુકમ મેળવાની રાજ્ય સરકારની પિટિશન પર સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે આ મુજબની ટકોર કરી હતી.

શ્રીનગરની સ્થાનિક અદાલતે એસએસપીને એફઆઈઆર નોંધવાનો હુકમ કર્યો હતો, પરંતુ કોર્ટના હુકમની અવગણના બદલ તેમની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીને જમ્મુ અને કાશ્મીરની હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખી હતી.

કોર્ટે આ સાથે અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવા માટે આ બાબત હાઈકોર્ટને સુપરત કરી હતી. જેના કારણે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં દોડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન