Surat Gang War: Surya Marathi Case Police Arrested Two From CCTB Footage
  • Home
  • Featured
  • સુરતમાં સૂર્યા મરાઠી હત્યાકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, હાર્દિકે છરીના 50 ઘા ઝીંકી કેમ કરી હતી કરપીણ હત્યા

સુરતમાં સૂર્યા મરાઠી હત્યાકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, હાર્દિકે છરીના 50 ઘા ઝીંકી કેમ કરી હતી કરપીણ હત્યા

 | 3:49 pm IST

સૂર્યા મરાઠી હત્યાકાંડ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકારણીઓથી માંડી બિલ્ડરો સુધી ઘરોબો ધરાવાતાં સૂર્યાનું કાસળ કાઢવા તેના જ અંગત અને વિશ્વાસુ સાથીદારોને ઢાલ બનાવવામાં આવ્યા હતા. સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સત્યા મરાઠી અને સુરેશ ધાગડે નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક અને સૂર્યા વચ્ચે અગાઉ ગેંગવોર થયો હતો. આ કેસમાં બે શખ્સોની ધરપકડ બાદ ચોકબજાર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાર્દિકની હત્યા કોણે કરી તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સૂર્યા મરાઠીની હત્યા પાછળ કનુનો દોરી સંચાર જવાબદાર છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતમાં સૂર્યા મરાઠીની ઓફિસમાં 7 જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ તલવાર અને ચપ્પુના ઉપરા છાપરી 50 જેટલા ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. જોકે બીજી બાજુ સૂર્યાની હત્યા કરવા આવેલ તેનો એક સમયનો સાથી હત્યા કરી ભાગી ગયા બાદ સૂર્યા ગેંગ દ્વારા તેની પણ કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે બે શખ્સોની ધરપકડ કરી છે. સૂર્યા મરાઠીને તેના જ એક વખતના રાઇટ હેન્ડ હાર્દિકે પતાવી નાખ્યો હતો.

સુરતમાં આજે એક સાથે બે હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આ હત્યાને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા પણ ઉભી થઇ હતી. આ મામલે પોલીસે ઝડપેલા બે આરોપીની સીસીટીવી દ્વારા ઓળખ કરીને બે લોકોની ધરપકડ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું કે સુર્યા મરાઠી નવરાત્રિમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તેથી તેને મારી નાખવાનો પ્લાન કર્યો હતો.

સુર્યા મરાઠી પર હુમલો કરવા આવેલો હાર્દિક ભાગતાની સાથે તેની ઓફીસથી બે કિલોમીટર દૂર સૂર્યાના માણસોના હાથે ઝડપાયો હતો ત્યા તેને પાડીને તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેને લઇને હાર્દિકનું પણ મોત થઇ ગયું હતું. જોકે ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ અધિકારી સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જગ્યા પર આવીને તપાસ શરુ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યાને મારવામાં સૂત્રધાર તરીકે ભૂમિકા ભજવનાર હાર્દિક એક સમયે તેનો રાઈડ હેન્ડ હતો. સૂર્યા સાથે મનદુખ થયા બાદ હાર્દિકે તેની સાથે છેડો ફાડી પરંતુ ગેંગના મજબૂત માણસોનો હાથ પકડી રાખ્યો હતો. સૂર્યા જેલમાં હતો ત્યારે હાર્દિક ગેંગના માણસોને સાચવતો હતો.

જમીન મિલકતની તકરારમાં સૂર્યાએ ધૂમ પૈસા બનાવ્યા પરંતુ આ કામમાં તેની સાથે રહેનારાઓને પૂરતું વળતર મળતું ન હોય તેઓ દુખી હતા. સૂર્યા તરફનો આ કચવાટ કે અસંતોષ હાર્દિક પારખી ગયો હતો. સૂર્યાથી અલગથી હાર્દિક અડાજણમાં સલમાન અને તેના માણસો સાથે ફરવા માડ્યો હતો. સાહીલ સિંધી સાથે હાર્દિકે સટ્ટા બેટિંગ અને વ્યાજ વટાવાનો ધંધો કરવા માડ્યો હતો. અહીં તેણે અલગ ગેંગ બનાવી અને સૂર્યાની ટોળકી ધીરે ધીરે વાયા હાર્દિક-સાહીલ સલમાનની આશ્રિત બનવા માડી હતી.

આ વાતનો આધાર સૂર્યાની હત્યાનો ઘટનાક્રમ છે. સૂર્યાની હત્યા માટે હાર્દિક પહોંચ્યો ત્યારે સૂર્યાની ઓફિસની બહાર જયેશ પોલ, સફી, વિકાસ બગડે, અમોલ બધા જ હતા. આ તમામને ખબર હતી કે સૂર્યા અને હાર્દિક વચ્ચે બનતું નથી. સૂર્યાએ સત્તર વખત હાર્દિકને સીધો કરી દેવાની વાત કરી હતી. આ જોતાં તેઓએ હાર્દિકને રોકવો જોઈતો હતો. રોકી શકાય તેમ ન હોય તો તેમની સાથે ઓફિસમાં જવું હતું, પરંતુ આમ થયું ન હતું. હથિયાર સાથે માણસો આવ્યા ત્યારે તેઓ શંકાસ્પદ ઈશારા કરતાં સીસીટીવીમાં દેખાય છે. આ ટોળકી ઓફિસમાં ઘૂસ્યા બાદ તેઓ પાછા નીકળે એની રાહ જોતાં હોય એવું પણ દેખાય આવે છે.

સૂર્યાને ઘા મરાયા ત્યારે બૂમાબૂમ થઈ ત્યારે પણ તેને બચાવવા કોઈ ગયું નહીં, પોલ એન્ડ કંપની કાંઈ નહીં તો છેલ્લે શટર-જાળી બંધ કરી હુમલાખોરોને અંદર બંધ કરી શક્યા હોત. પરંતુ આવું કોઈ કામ તેમણે કર્યું ન હતું. હાર્દિક એન્ડ કંપની ભાગી ગયા બાદ લોહીલુહાણ સૂર્યાને સારવાર માટે લઈ જવાની દરકાર પણ કોઈએ કરી ન હતી. પંદરથી વીસ મિનિટ સુધી સૂર્યા ઓફિસમાં પડી રહ્યો અને લોહી વહેતું રહ્યું. ત્યારબાદ સૂર્યાને પ્રાઈવેટ કારમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જો સૂર્યાના કહેવાતા વિશ્વાસુ તેને સમયસર હોસ્પિટલ લઈ ગયા હોત તો સૂર્યાનો જીવ બચી શકત. બીજી તરફ હાર્દિકને મહોરું બનાવી સૂર્યાની ગેમ કરવા આખી ગેંગ કોણે બનાવી એ મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન