Surat Palika will be the second tallest government building in Gujarat
  • Home
  • Featured
  • ગુજરાતમાં બીજા ક્રમની સૌથી ઊંચી સરકારી ઇમારતનું ગૌરવ સુરત પાલિકા અંકે કરશે

ગુજરાતમાં બીજા ક્રમની સૌથી ઊંચી સરકારી ઇમારતનું ગૌરવ સુરત પાલિકા અંકે કરશે

 | 2:09 pm IST
  • Share

  • સુરત પાલિકાનું નવું વહીવટ ભવન

  • ગાંધીનગર ગિફ્ટ સિટીની ઊંચાઇ 122 મીટર તો પાલિકાના ભવનની હાઇટ 108 મીટર હશે

  • સુરત ડેવલપમેન્ટની દિશામાં પ્રતિ વર્ષ નવા આયામ સર કરી રહ્યું છે

સુરત ડેવલપમેન્ટની દિશામાં પ્રતિ વર્ષ નવા આયામ સર કરી રહ્યું છે. બ્રિજ સિટી, ટેક્સ્ટાઇલ સિટી, ડાયમંડ સિટી જેવા અનેક કોમર્શિયલ ઉપનામો મેળવી ચૂક્યું છે. આગામી નજીકના વર્ષોમાં સુરતને નવી ઊંચાઇ અને ઉડાન પર લઇ જવા મેટ્રો, બુલેટ ટ્રેન, ડ્રીમ સિટી, એક્સપ્રેસ-વે, હાઇસ્પીડ કોરીડોર, આઉટર રિંગરોડ જેવા અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટો સાકાર થવા જઇ રહ્યાં છે.

આધુનિક ટેક્નોલોજી સાથે નવો આવિષ્કાર કરવાની દિશામાં સુરત મહાપાલિકાનું નવું વહીવટી ભવન પણ શહેરને ડેવલપમેન્ટની નવી દિશા અને ઊંચાઇ આપવા જઇ રહ્યું છે. રિંગરોડ સ્થિત સબ-જેલની જમીન ઉપર મહાપાલિકાના નવા વહીવટી ભવનની સાકાર થનારી ઇમારત રાજ્યના સરકારી ભવનમાં બીજા ક્રમની સૌથી વધુ ઊંચાઇ ધરાવતી ઇમારત બનવા જઇ રહી છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ સુરત મહાપાલિકાનું વહીવટી ભવન ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ તરીકે દેશભરમાં ખ્યાતિ પામશે.

રિંગરોડ સ્થિત સબજેલની 22500 ચો.મી. જમીન ઉપર પાલિકાનું નવું વહીવટી ભવન ઊભું કરવામાં આવશે. 108 મીટરની ઊંચાઇ ધરાવતી બે બિલ્ડિંગ ઝડપથી ઊભું કરવા પ્લાનિંગ જેટ ગતિએ થઇ રહ્યું છે. આ પહેલા રાજ્યમાં સૌથી વધુ ઊંચાઇ ધરાવતી એકમાત્ર બિલ્ડિંગ સાકાર થઇ છે. ગાંધીનગર ખાતે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક. (GIFT) સિટીનું નિર્માણ થયું છે. ગિફટ સિટીની ઊંચાઇ 122 મીટર છે. 400 ફૂટની ઊંચાઇ ધરાવતી આ બિલ્ડિંગમાં પણ 29 માળ છે. સુરત મહાપાલિકાના નવા ભવન માટે 108 મીટરની ઊંચાઇ નિર્ધારિત કરાઇ છે. તેમાં પણ 28થી 29 માળ બનાવવા આયોજન થયું છે. મહાપાલિકાનું ભવન IGBC બેઇઝડ ગ્રીન બિલ્ડિંગ હશે, તેવું પાલિકાના વર્તુળોએ જણાવ્યું હતું.

નવા ભવનમાં સ્પોર્ટ્સ રૂમ અને ટેરેસ ગાર્ડન હશે

વર્ષોજૂની બીબાઢાળ સરકારી કચેરીઓને બદલે પાલિકાનું નવું વહીવટી ભવન આજની આધુનિકતા સાથે મોડર્ન હશે. પાલિકાના નવા ભવનમાં સ્પોર્ટ્સ રૂમ હશે. વીડિયો કોન્ફરન્સ રૂમ અને ઓડિટોરિયમ ઉપરાંત 10થી 15 જેટલા કોન્ફરન્સ રૂમ તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત બિલ્ડિંગની ટોચ પર ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ પ્લાનિંગ હેઠળ આવરી નિર્ધાર કરાયો છે. બિલ્ડિંગનો નિભાવ ખર્ચ ઓછામાં ઓછો થાય તે પ્રકારે આયોજન કરવામાં આવશે. બંને ભવનમાં માઇનસ થ્રી ફલોર પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવશે

દક્ષિણ ગુજરાતનું સૌૈથી વધુ ઊંચાઇ ધરાવતું બિલ્ડિંગ હશે

ગાંધીનગર સ્થિત ગિફટ સિટી બિલ્ડિંગનું વર્ષ 2019માં લોકાર્પણ થયું છે. જે રાજ્યની સૌથી વધુ ઊંચાઇ ધરાવતી સરકારી ઇમારત છે. ત્યારબાદ સુરત મહાપાલિકાનું વહીવટી ભવન રાજ્યની બીજા ક્રમની સૌથી વધું ઊંચાઇ ધરાવતી બિલ્ડિંગ બનવા જઇ રહી છે. જે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઇ ધરાવતી ઇમારત હશે. દક્ષિણ ગુજરાતમાં સુરત મહાપાલિકાના વહીવટી ભવનથી ઊંચી એક પણ બિલ્ડિંગ નહીં હોય તેવું પાલિકાના સત્તાવાર વર્તુળોએ ઉમેર્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો