Surat trader fell victim to fraud of Rs 2 crore in exporting Dubai Mendo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતના વેપારી દુબઇ મેંદો એક્સપોર્ટ કરવામાં 2 કરોડની ઠગાઇનો શિકાર બન્યા

સુરતના વેપારી દુબઇ મેંદો એક્સપોર્ટ કરવામાં 2 કરોડની ઠગાઇનો શિકાર બન્યા

 | 7:22 pm IST
  • Share

સુરતના વેપારી દુબઇ મેંદાનો લોટ એક્સપોર્ટ કરવામાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. દુબઇ બિઝનેસ કરતા વેરાવળના બે વેપારીઓએ 4.14 લાખ યુએસ ડોલરનો માલ મંગાવી લીધો હતો, જે પૈકી 2.84 લાખ ડોલર એટલે કે 2.03 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં ઠેંગો બતાવાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે સીટીલાઇટ રોડ પર આશિર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા જયપ્રકાશ વિશનદાસ મોટવાણી (45) રિંગરોડ પર ટ્રેડ સેન્ટરમાં ભગવતી એગ્રી ફ્રુટ ટ્રેડિંગના નામથી ઓફિસ ધરાવી એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ કરે છે. તેઓ ભારતથી મેંદો અને રાઇસનું દુબઇ એક્સપોર્ટ કરે છે અને દુબઇથી ખારેક ઇમ્પોર્ટ કરે છે તેમનો નાનોભાઇ કમલેશ વર્ષ 2016માં એક્સપોર્ટનો બિઝનેસ ચાલું કરવાનો હોવાથી દુબઇ ગયો હતો. જ્યાં તેની મુલાકાત આશિષ મુરબીયા નામના ગુજરાતી વેપારી તરીકે થઇ હતી. આશિષ મુરબીયા દુબઇમાં સ્કાઇનેય નામની કંપની ચલાવતા હતા. ત્યારબાદ આશિષભાઇએ તેમના મિત્ર અશોક ભરવાણીની મુલાકાત કમલેશ સાથે કરાવી હતી.

અશોક ભરવાણીની દુબઇમાં મોહમંદઅલી અલ અમેરી જનરલ ટ્રેડિંગ એલ.એલ.સી નામની કંપની ચલાવે છે. તેઓ ભારતથી મેંદાનો લોટ મંગાવતા હતા. ત્યારબાદ તેઓએ મિત્રતા કેળવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. તેઓ વચ્ચે મેંદાનો લોટ અંગે એક એગ્રીમેન્ટ પણ થયો હતો. જેમાં દુબઇથી દર મહિને 16 કન્ટેનર, દર વીકમાં 1840 બેગ એમ દર મહિને 368 મેટ્રીક ટન મેદાનો લોટ મંગાવવા અને તેનો ભાવ રૂપિયા 8395 યુએસ ડોલર પર કન્ટેનર નક્કી થયો હતો. જેનું પેમેન્ટ બીલ ઓફ લેન્ડીંગના 30 દિવસમાં કરવાનું પણ નક્કી થયું હતુ. ત્યારબાદ તેઓએ બીજું એગ્રીમેન્ટ બનાવી અગાઉના ભાવ મુજબ દર મહિને 552 મેટ્રીક ટન મેંદાનો લોટ મોકલવાનો કરાર થયો હતો. જે અંતર્ગત તા.4-6-17ના રોજ 138 મેટ્રીક ટનનો 50370 યુએસ ડોલરનો માલ હજીરા પોર્ટથી દુબઇના જબરઅલી પોર્ટ ખાતે મોકલી આપ્યો હતો. ત્યારબાદ તા.11-6-17ના રોજ 2760 બેગનો માલ 1.07 લાખ યુએસ ડોલરનો મોકલી આપ્યો હતો. આ રીતે 4.14 લાખ યુએસ ડોલરમાં માલ તેઓએ વારાફરતી દુબઇ મોકલી આપ્યો હતો. જે પૈકી 1.30 લાખ ડોલરનું પેમેન્ટ તેઓએ ચૂકવી દીધું હતુ. બાકી રહેતા 2.84 લાખ ડોલર ચૂકવવામાં તેઓ વાયદા કરતા હતા.

એપ ફોર ટેલિગ્રામ ટ્રાન્સફર ફોર્મ થકી ઝાંસો આપ્યો

પેમેન્ટ ચૂકવ્યું હોવાનો ડોળ કરવા એપ્લિકેશન ફોર ટેલિગ્રાફ ટ્રાન્સફર ફોર્મની નકલો મોકલી આપી હતી. આ રીતે ઝાંસો આપી પેમેન્ટ ચૂકવ્યાની તેઓ વાતો કરતા હતા. હકીકતમાં તેઓ 2.84 લાખ ડોલર એટલે કે 2.03 કરોડનું પેમેન્ટ ચૂકવ્યું ન હતુ. ત્યારબાદ તેઓએ આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. આશિષ મુરબીયા અને અશોક ભરવાણી પાર્ટનર હોવાની વાત છૂપાવી હતી. આશિષ મુબરીયા ભારતમાં રહી માલ મોકલવાનું કામ કરતા અને આશિષ મુરબીયા દુબઇ રહેતા હતા. આ રીતે માલ મેળવી તેઓ વેપારીઓને નાણાં ચૂકવતા ન હતા.

બંને વેપારીએ કોર્ટના હુકમનો પણ અનાદાર કર્યો

છેતરપિંડીનો અહેસાસ થતા વેપારી મોટવાણીએ કોર્ટમાં પણ ફરિયાદ કરી હતી. કોર્ટે તા.10-1-20ના રોજ 20 ટકા ઇન્ટ્રીમ કમ્પન્સેશન ચૂકવવા હૂકમ કર્યો હતો. જોકે, કોર્ટના હુકમનો પણ તેઓએ અનાદર કર્યો છે. આખરે મોટવાણીએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે આશિષ વશરામ મુરબીયા (રહે- દિપાલી સતલ સોસાયટી, વેરાવળ, ગિર સોમનાથ) અને અશોક વિશનદાસ ભરવાણી (રહે- રબારીવાડ, વેરાવળ, જુનાગઢ) સામે 2.03 કરોડના ચીટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન