સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા પેરા યુનિટના પાંચ જવાન શહીદ - Sandesh
  • Home
  • India
  • સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા પેરા યુનિટના પાંચ જવાન શહીદ

સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા પેરા યુનિટના પાંચ જવાન શહીદ

 | 2:01 am IST

। શ્રીનગર ।

જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં હાથ ધરવામાં આવેલા આ વર્ષના સૌથી મુશ્કેલ ઓરપેશનમાં પેરા યુનિટના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે રવિવારે પૂરા થયેલા આ એન્કાઉન્ટરમાં સૈન્યની સૌથી મુશ્કેલ તાલીમ મેળવી ચૂકેલા પેરા યુનિટના પાંચ જવાન પણ શહીદ થયા હતા. સૈન્યના આ જ એકમે ૨૦૧૬માં ઊડી આતંકવાદી હુમલા પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. સૈન્યે ડ્રોનની મદદથી કેટલાક આતંકવાદીઓને કેરન સેક્ટરમાં ઘૂસણખોરી કરતાં જોયા હતા. ખાતમા માટે બુધવારે ૧ એપ્રિલના રોજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિસ્તારમાં ભારે બરફ પથરાયેલો હોવાથી આતંકીઓ સુધી પહોંચવું જવાનો માટે ખૂબ મુશ્કેલ હતું. તે પછી શનિવારે ઓપરેશનના ચોથા દિવસે સૈન્યના પેરાશૂટર્સને હેલિકોપ્ટરની મદદથી નિયંત્રણ રેખા નજીક ઉતારવામાં આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે શનિવારે સમગ્ર રાતથી રવિવારે સવાર સુધી ભારે ગોળીબાર થતો રહ્યો હતો.

હિમશિલા તૂટી પડતાં જવાનો નાળામાં પટકાયા

જવાનો ઘૂસણખોરો છુપાયા હતા તે સ્થાન સુધી ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન હિમશીલા તૂટી પડતાં જવાનો એક નાળામાં પટકાયા હતા. આતંકવાદીઓ તેની નજીક જ છુપાયા હોવાથી જવાનો અને આતંકવાદીઓ વચ્ચે પોઇન્ટ બ્લેન્ક રેન્જમાં જ અથડામણ સર્જાઈ હતી. ખાસ તાલીમ મેળવેલી હોવાથી જ નાળામાં પડી જવા છતાં પેરાશૂટર્સે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં હવે ‘કોરોના આતંકવાદ’નો ખતરો : સૈન્ય અધિકારીઓની ચેતવણી

ભારતીય સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ હવે કોરોના વાઇરસનો હથિયાર તરીકે ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાની સૈન્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હકીકતે કોરોના સંક્રમિત પાકિસ્તાની સૈનિકોની સંખ્યા ૮૦૦ને પાર કરી ચૂકી છે. તે પૈકીના મોટાભાગના જવાન અંકુશ રેખા પર તૈનાત છે. આતંકવાદીઓના લોન્ચિંગ પેડ આ વિસ્તારમાં જ આવેલા છે. આઇએસઆઇ સંક્રમિત આતંકવાદીઓને ભારતીય સરહદો તરફ મોકલી રહી છે. આતંકવાદીઓને સમજાવવામાં આવી રહ્યા છે કે તેમનું બચવું હવે મુશ્કેલ છે તેવામાં વધારેમાં વધારે લોકોને કોરોનાનો ચેપ લગાડીને અથવા મોટા હુમલાને અંજામ આપીને મરે. મેજર જનરલ એ. સેનગુપ્તાએ સામાન્ય જનતાને આતંકવાદીઓને ભોજન ના આપવા અપીલ પણ કરી છે.

મૃતદેહો પાંચ મીટરના અંતરમાં જ મળ્યા

ત્રણ પેરાશૂટર્સ અને પાંચ આતંકવાદીઓનાં મૃતદેહો પાંચ મીટરની મર્યાદામાં જ મળી આવ્યા હતા. સ્પષ્ટ છે કે બંને જૂથો વચ્ચે ખૂબ નજીકથી આમને સામનેની લડાઈ થઈ હતી. ઘટના સ્થળેથી બે ઘાયલ જવાન મળી આવતાં તેમને શ્રીનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં બંનેનાં મૃત્યુ થયાં હતાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન