Sweeti Patel case may take another new turn, PI Desai and Kirit Singh handed over to Karjan Sub Jail ...
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્વીટી મર્ડર કેસમાં આવી શકે છે વધુ એક નવો વળાંક, PI દેસાઈ અને કિરીટસિંહને કરજણ સબ જેલ હવાલે…

સ્વીટી મર્ડર કેસમાં આવી શકે છે વધુ એક નવો વળાંક, PI દેસાઈ અને કિરીટસિંહને કરજણ સબ જેલ હવાલે…

 | 10:42 am IST
  • Share

સ્વીટી પટેલ મર્ડર કેસમાં સસ્પેન્ડ પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાના આજે 11 દિવસના રિમાન્ડ પુરા થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે બંને આરોપીને કરજણ સબ જેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સ્વીટી પટેલ મર્ડર કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. 50થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. ત્યારે તેમના પર તપાસ થઈ શકે છે. સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ કરનારા અધિકારીઓ સામે તવાઈ આવી શકે છે. કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ પટેલ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે. ડભોઈ ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી સામે પણ ખાતાકીય તપાસ થઈ શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરજણ પીઆઈ સહિત કરજણ પોલીસ સ્ટેશનના જવાનોની પૂછપરછ કરાશે. ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ કરેલી તપાસ શંકાના દાયરામાં છે.

કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતાં વડોદરા ગ્રામ્ય એસઓજીના સસ્પેન્ડ પીઆઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદથી મૃતદેહને અટાલી ગામ પાસેની બંધ હોટલ નજીક સળગાવી દીધો હતો. જેનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો હતો. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પુરા થતાં પોલીસે અદાલતના આદેશથી બંનેને કરજણ સબ જેલ હવાલે કર્યા હતા.

નોંધનીય છે કે, ફરિયાદના વકીલે આક્ષેપ કર્યો હતો કે, આરોપી અજય દેસાઈની વગના કારણે શરૂઆતથી જ કરજણ તથા વડોદરા ગ્રામ્ય પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. અજય દેસાઈએ પોતે કરજણ પોલીસ સ્ટેશનમાં નોકરી કરી છે. સ્વીટી કેસની તપાસ બહારની એજન્સીને સોંપાયા બાદ સાચી હકિકત બહાર આવી હતી.

જ્યારે સહ આરોપી કિરીટસિંહ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો છે. તે રાજકીય વગ ધરાવે છે. જેથી બંને આરોપીઓ પોતાની વગનો ઉપયોગ કરી અંગત જરૂરિયાતો સંતોષવાની સાથે ગેરરીતી આચરે તેવી શંકા છે. જેથી અજય દેસાઈ અને કિરીટસિંહને કરજણ સબ જેલની જગ્યાએ વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવે, તેવી માંગ કરજણ કોર્ટ સમક્ષ કરી હતી.

કરજણ PIની પૂછપરછ બાકી!

સ્વીટી પટેલના ચકચારી મર્ડર કેસમાં હજુ નવી ઈપીકો કલમનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમેરો કર્યો નથી. બીજી તરફ, સ્વીટી ગુમ થયાની જાણવા જોગની તપાસના નીરિક્ષણમાં બેદરકારી રાખનાર કરજણ પીઆઇ મેહુલ પટેલની પૂછપરછ હજૂ પણ બાકી છે.

અજય દેસાઇ અને PI મેહુલ પટેલ વચ્ચે વોટ્સએપ કોલથી વાત થઈ?

કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને બપોરે 3.50 કલાકે સ્વીટી પટેલ ગુમ થઈ હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. આ જાણવા જોગ નોંધાયા બાદ અજય દેસાઇ અને કરજણ પીઆઇ મેહુલ પટેલ વચ્ચે કેટલીક વખત, ક્યાં સમયે અને શું વાતચીત થઈ ? તેની અમદાવાદ ક્રાઇમ તપાસ કરી રહી છે. અજય દેસાઇ અને પીઆઇ મેહુલ પટેલ વચ્ચે વોટ્સએપ કોલથી વાત થઈ હોવાની પોલીસને આશંકા છે.

કરજણ પોલીસની 26 દિવસની તપાસમાં મહત્ત્વની વિગતો બહાર આવી નહીં

સ્વીટી અને અજયનો રાતનો ઝઘડો, સ્વીટી ગુમ થઈ તો CCTV કેમેરામાં બહાર નિકળી કેમ દેખાઈ નહીં ? અજયે કમ્પાઉન્ડમાં કાર રિર્વસ લેતા ફૂટેજ, અજયનું રેલવે સ્ટેશન, બસ ડેપો જેવા વિસ્તાર, મિત્ર વર્તુળ, નિકટના સંબંધી વગેરે સ્થળે તપાસ કરવાને બદલે સીધા અટાલી જવું, અટાલીમાં બેથી અઢી કલાકનું રોકાણ અને અટાલીની બંધ હોટલ સાથે કિરીટસિંહનું કનેક્શન જેવી મહત્ત્વની વિગતો કરજણ પોલીસની ૨૬ દિવસની તપાસમાં કેમ બહાર આવી નહીં ?

બે તત્કાલિન તપાસ અધિકારીએ અજયની અસરકારક પૂછપરછ કરી નહીં

ડભોઈ ડિવિઝન હેઠળના કરજણ પોલીસ સ્ટેશનના સગળતા કેસની તપાસ DySP કલ્પેશ સોલંકીને સોંપાઈ છતાં 13 દિવસ સુધી મર્ડરની સ્ફોટક વિગતો બહાર આવી ન હતી. આ કેસના બંને તત્કાલિન તપાસ અધિકારીઓએ અજય દેસાઇની અસરકારક પૂછપરછ ન કરી અને ઢીલી તપાસના પરિણામે જિલ્લા પોલીસની 39 દિવસની મહેનત પર પાણી ફરી ગયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો