Team India lost series against Africa due to these 5 reasons
  • Home
  • Sports
  • Cricket
  • આ 5 કારણોને લીધે ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે હારી સિરીઝ

આ 5 કારણોને લીધે ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે હારી સિરીઝ

 | 8:07 pm IST
  • Share

  • દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 2-1થી ટેસ્ટ સિરીઝ જીતી

  • ભારતના અનુભવી બેટ્સમેનોએ નિરાશ કર્યા

  • ફાસ્ટ બોલર વધુ ઉછાળ પ્રાપ્ત ન કરી શક્યા

આફ્રિકન ટીમે ભારત સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી છે. કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં આફ્રિકાને 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમે 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. જો કે ભારતને આ શ્રેણી જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ફેન્સને નિરાશા સાંપડી છે. તો ચાલો જાણીએ આ સિરીઝની હાર પાછળના મુખ્ય કારણો.

1. સિરીઝની શરૂઆત પહેલા કેપ્ટનશિપ વિવાદ

ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝની શરૂઆત પહેલા બીસીસીઆઈ અને વિરાટ કોહલી વચ્ચે કેપ્ટનશિપને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. સૌથી પહેલા વિરાટને વનડેની કેપ્ટનશીપથી પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે વિરાટને ટી20ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની મનાઈ કરવામાં આવી હતી. વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય પસંદગીકારો અને બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો, કારણ કે વ્હાઇટ બોલ ક્રિકેટ એટલે કે વનડે અને ટી-20માં અમે ટીમના કેપ્ટનને એક જ રાખવા માંગતા હતા.

2. બીજી ટેસ્ટ પહેલા વિરાટની ઈજા

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીને પીઠમાં જકડાઈ જવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ટોસની થોડી જ મિનિટો પહેલા વિરાટના બહાર થવાના સમાચાર આવ્યા. તેમની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન રાહુલની કેપ્ટનશીપ સારી રહી ન હતી અને કોહલીની ખોટ પડી હતી. પ્રથમ દાવમાં બંને ઓપનર આઉટ થયા ત્યારે પૂજારા અને રહાણે પણ વહેલા આઉટ થયા હતા. આ પછી અશ્વિન સિવાય કોઈ બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યો નહીં. જો તે સમયે કોહલી ટીમાં હોત તો તે મોટી ઇનિંગ્સ રમી શક્યો હોત અને વિકેટોનું પતન અટક્યું હોત. જેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને હારનો સામનો કરવો પડ્યો.

3.  બોલિંગ

દક્ષિણ આફ્રિકાના પેસ બોલિંગ એકેટમાં કાગીસો રબાડા, લુંગી એનગિડી, માર્કો જેન્સન અને ડેન ઓલિવિયર સામેલ હતા. તેની સરેરાશ ઊંચાઈ 6 ફૂટ 4 ઈંચ છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ભારત તરફથી રમ્યા હતા. તેની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 9 ઈંચ છે. એટલે કે, દક્ષિણ આફ્રિકાના પેસ બોલિંગ યુનિટની ઊંચાઈ ભારતીય પેસ બોલિંગ યુનિટ કરતાં 7 ઇંચ (17.78 સેમી) વધુ હતી. જેના કારણે આફ્રિકન બોલરોએ આપણા બોલરો કરતાં સરેરાશ 15-20 સેમી વધુ ઉછાળ પ્રાપ્ત કર્યો. વાન્ડરર્સ પિચ હોય કે કેપ ટાઉન આ તફાવત નિર્ણાયક સાબિત થયો.

4. મિડલ ઓર્ડર અને પછી ઓપનરોએ નિરાશ કર્યા

ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર આખી સિરીઝમાં સંપૂર્ણપણ ફ્લોપ રહ્યો. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયાને નિરાશ કર્યા. રહાણેએ ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ માત્ર 22.67 હતી. તો બીજી તરફ, પૂજારાએ ત્રણ ટેસ્ટમાં માત્ર 124 રન બનાવ્યા હતા. પૂજારાની સરેરાશ માત્ર 20.67 હતી. ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને એક પણ તક આપવામાં ન આવી. આ ઉપરાંત બીજી ટેસ્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કરનાર હનુમા વિહારીને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો. જો કે આ સિરીઝમાં બન્ને ઓપનર પણ કઈ ખાસ રન કરી શક્યા નહતા.

5. દક્ષિણ આફ્રિકાની ટીમને ગંભીરતાથી ન લીધી

વર્તમાન સમયમાં આફ્રિકાની ટીમમાંથી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ વિદાય લીધે છે આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી આ ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. જેથી સિરીઝ શરૂ થાય તે પહેલા આપણી ટીમ કાગળ પર દક્ષિણ આફ્રિકા કરતા વધુ સારી દેખાતી હતી, પરંતુ ડીન એલ્ગરની ટીમે શાનદાર રમત બતાવી. કેપ્ટન એલ્ગરે પોતે આખી સિરીઝમાં શાનદાર બેટિંગ કરી અને બતાવ્યું કે તેની પાસે અનુભવનો અભાવ હોવા છતાં પણ તે વિશ્વની શ્રેષ્ઠ ટીમને હરાવી શકે છે. ટીમમાં માર્કો જેન્સન અને ડેન ઓલિવિયરના આગમનથી આફ્રિકન પેસ એટેક વધુ મજબૂત બન્યો. આ ઉપરાંત કદાચ ટીમ ઈન્ડિયાએ પિટરસન અને જેન્સનને લઈને સારી તૈયારી કરી ન હતી અને તેનો પૂરો ફાયદો તેમને મળ્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો