- બેંગ્લોરમાં રહેતા યુવકે નોકરી માટે 10 વર્ષ પ્રયાસ કર્યો
- ઘણી વખત રિજેક્ટ થયો પરંતુ હાર નહોતી માની
- હવે ગૂગલે ભારતના આ યુવકને નોકરી આપી
જેઓ પ્રયત્ન કરે છે તેઓ ક્યારેય હારતા નથી. આ વાતને બેંગ્લોરમાં રહેતા એક યુવકે સાબીત કરી છે. બેંગ્લોરમાં રહેતો એક ટેક પ્રેમી છેલ્લા 10 વર્ષથી ગૂગલમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ દર વખતે તેની મહેનત પાણીમાં જતી હતી.આટલા વર્ષોમાં ઘણી વખત રિજેક્ટ થયા પછી પણ બેંગ્લોરના આ વ્યક્તિએ હાર ન માની અને આખરે ગૂગલે ભારતના આ ટેક લવરને પસંદ કરીને તેને નોકરી આપી છે.
બેંગ્લોરના આ ટેકીનું નામ એડવિન નેટ્ટો છે જે ડિજિટલ ડિઝાઈનર છે. એડવિનને હાલમાં ગૂગલ ઈન્ડિયા દ્વારા હાયર કરવામાં આવ્યો છે. કોઈપણ સામાન્ય માણસ માટે આ સામાન્ય સમાચાર છે પરંતુ એડવિન માટે આવું નથી. એડવિન રોય નેટ્ટો હવે Google માં UX ડિઝાઈન તરીકે કામ કરે છે. એડવિન છેલ્લા 10 વર્ષથી આ પોસ્ટ માટે અરજી કરી રહ્યો હતો.
એડવિનની પ્રેરણાદાયી વાર્તા
એડવિનની LinkedIn પ્રોફાઈલ મુજબ, તેણે 2007માં એનિમેશન અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએટ થયા બાદ તે 2008માં સરીગામ લક્ઝરી વિલા રિટ્રીટમાં વેબ ડિઝાઈનર તરીકે પ્રથમ જોબ શરૂ કરી હતી. ત્યાં તેણે 1 વર્ષ અને 3 મહિના કામ કર્યું હતું. તે પછી તે ક્રિએટિવ ડિઝાઈનર તરીકે બીજી કંપનીમાં ગયો હતો. આ રીતે તેણે છેલ્લા 12 વર્ષમાં 7 અલગ-અલગ જગ્યાએ કામ કર્યું હતું અને ઘણો અનુભવ મેળવ્યો હતો. હવે આખરે તેને ગૂગલમાં પણ નોકરી મળી છે જે તેના માટે હંમેશા સપનાની નોકરી હતી.
આ નોકરી મળ્યા બાદ એડવિને તેના પરિવાર સાથેનો પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે,કે આપણે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર કોઈ પણ વાર્તાની સારી બાજુ જ જોઈએ છીએ. તેની પાછળ પડેલી મહેનતને આપણે સમજવાની જરૂર છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, દર વર્ષે જ્યારે હું રિજેક્ટ થતો હતો ત્યારે હું તપાસ કરતો હતો કે મારામાં શું ખોટું છે. તે પછી હું મારા રિઝ્યુમ અને પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરતો હતો.