ટેકનોલોજીની દુનિયામાં અત્યાર સુધી જેનો ડર હતો, તે હવે હકીકત બની રહ્યો હોય તેમ લાગે છે. ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીની ફિનટેક કંપની 'બ્લોક ઇન્ક.' (Block Inc.) એ એકસાથે 4,000 કર્મચારીઓની છટણી કરીને સૌને ચોંકાવી દીધા છે. આ આંકડો કંપનીના કુલ કાર્યબળના લગભગ 40% જેટલો થાય છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, કંપનીએ આ નિર્ણય માટે કોઈ આર્થિક મંદીને નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને જવાબદાર ગણાવ્યું છે.

નફો હોવા છતાં છટણી કેમ?

સામાન્ય રીતે કંપનીઓ જ્યારે આર્થિક સંકટમાં હોય ત્યારે છટણી કરતી હોય છે, પરંતુ બ્લોક ઇન્ક. ના કિસ્સામાં ચિત્ર અલગ છે. જેક ડોર્સીએ સ્પષ્ટ કર્યું છે કે કંપની નાણાકીય રીતે મજબૂત છે અને બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે. જોકે, AI ટેકનોલોજીના આગમનથી હવે ઓછા માણસોની મદદથી વધુ અને ઝડપી કામ કરવું શક્ય બન્યું છે. ડોર્સીના મતે, જે કંપનીઓ AI અપનાવવામાં મોડું કરશે તે ભવિષ્યની રેસમાં પાછળ રહી જશે.

https://twitter.com/jack/status/2027129697092731343

કર્મચારીઓમાં ચિંતાનુ મોજુ

આ છટણીના સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં 'બ્લોક' ના શેરમાં 20 થી 25 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોને લાગે છે કે AI ના ઉપયોગથી કંપનીનો કાર્યકારી ખર્ચ ઘટશે અને નફો વધશે. બીજી તરફ, ટેક નિષ્ણાતોમાં ચિંતા વધી છે કારણ કે અત્યાર સુધી કંપનીઓ AI નું નામ લેતા અચકાતી હતી, પણ હવે તે ખુલ્લેઆમ નોકરીઓ છીનવી રહ્યું છે.

કર્મચારીઓને નિયમ મુજબ વળતર અને સપોર્ટ પેકેજ અપાશે

બ્લોક ઇન્ક. (જે કેશ એપ અને સ્ક્વેર જેવી સેવાઓ ચલાવે છે) નું આ પગલું એક મોટા પરિવર્તનનો સંકેત છે. ડોર્સીએ ખાતરી આપી છે કે છૂટા કરાયેલા કર્મચારીઓને નિયમ મુજબ વળતર અને સપોર્ટ પેકેજ આપવામાં આવશે. જોકે, મોટો પ્રશ્ન એ છે કે શું હવે અન્ય ટેક જાયન્ટ્સ પણ આ જ રસ્તે ચાલશે?

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક ઉડાન, જેસલમેરના આકાશમાં ગુંજ્યું 'પ્રચંડ'નું ગૌરવ