આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ્સ જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ગયું છે. શાકભાજી ખરીદવાથી લઈને વીજળીનું બિલ ભરવા સુધી, લોકો હવે રોકડને બદલે UPI દ્વારા ક્ષણભરમાં પૈસા ટ્રાન્સફર કરવાનું વધુ પસંદ કરે છે. ભારત દેશમાં ફોનપે (PhonePe), ગૂગલ પે (Google Pay) અને પેટીએમ (Paytm) જેવી એપ્લિકેશન્સ ખૂબ જ લોકપ્રિય છે. જોકે, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આમાંથી કઈ એપનો ઉપયોગ સૌથી વધુ થાય છે અને માર્કેટમાં કોનો દબદબો છે.

UPI પેમેન્ટ ક્ષેત્રે PhonePe સૌથી આગળ 

તાજેતરના અહેવાલો મુજબ, ભારતમાં UPI પેમેન્ટ ક્ષેત્રે PhonePe સૌથી આગળ છે. PhonePe 45.6% માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે Google Pay ૩૨.૩% માર્કેટ શેર સાથે બીજા ક્રમે આવે છે. આ બંને એપ્સનો સંયુક્ત માર્કેટ શેર અંદાજે 77.9 % સુધી પહોંચી જાય છે, જે દર્શાવે છે કે ભારતીય UPI માર્કેટ પર આ બંને કંપનીઓનો સંપૂર્ણ દબદબો છે.

ડિજિટલ પેમેન્ટમાં અગ્રેસર ગણાતું Paytm ત્રીજા સ્થાને

બીજી તરફ, એક સમયે ડિજિટલ પેમેન્ટમાં અગ્રેસર ગણાતું Paytm માત્ર 8% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને ફેંકાઈ ગયું છે, જે આંકડો ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે. માર્કેટ શેરની યાદીમાં અન્ય એપ્સની વાત કરીએ તો, 'Navi' ૪.૪% સાથે ચોથા સ્થાને છે. ત્યારબાદ Super.money (૧.૭%), BHIM (૧%), FamApp (૦.૯%), WhatsApp Pay (૦.૭%), CRED (૦.૬%) અને Axis Bank App (0.6%) નો નંબર આવે છે.

દિવાળી સુધી મુલતવી રખાયો નિર્ણય

બીજી તરફ, UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ફી લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.

અગાઉ, NPCI એ ૧૫ સપ્ટેમ્બરે UPI MDR ફ્રેમવર્કની જાહેરાત કરી હતી, જે હેઠળ ૧૫ ઓક્ટોબરથી રૂ. ૨,૦૦૦ થી વધુના ચોક્કસ મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ફી લાદવાનો પ્રસ્તાવ હતો, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ મર્યાદા રૂ. ૩૦૦ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આ નિર્ણય દિવાળી પછી લાગુ કરવામાં આવશે અને તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

આ પણ વાંચોઃ મોંની દુર્ગંધ દૂર કરે છે આ એક પાન