શું તમને પણ ઓનલાઈન શોપિંગ કરવું ગમે છે, પરંતુ બેંક ઑફર અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે અલગ-અલગ શોપિંગ પ્લેટફોર્મ પર જવું પડે છે? જો હા, તો હવે આ મુશ્કેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દૂર કરી શકે છે.
AI બનાવતી દિગ્ગજ કંપની OpenAIએ આ માટે ChatGPT Wallet નામનું નવું ફીચર લોન્ચ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ નવા ફીચર પછી ChatGPT માત્ર તમારા સવાલોના જવાબ આપવા કે લેખ લખવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તમારી પસંદ અને બજેટને ધ્યાનમાં રાખીને તમારા માટે ઓનલાઈન શોપિંગની પ્રક્રિયા પણ સંભાળી શકશે.
ટેકનોલોજીની દુનિયામાં OpenAIના આ ફીચરને ઈ-કોમર્સ અને AIના જોડાણમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આખરે આ નવું વૉલેટ કેવી રીતે કામ કરશે, તમારી પેમેન્ટ કેટલી સુરક્ષિત રહેશે અને તે તમારા શોપિંગના અનુભવને કેવી રીતે બદલશે? ચાલો જાણીએ...
ChatGPT Wallet ફીચર શરૂ
OpenAIએ ChatGPT Wallet નામની પેમેન્ટ સર્વિસ શરૂ કરી હોવાનો અહેવાલ છે. આ સર્વિસની મદદથી હવે AI એજન્ટ યુઝર વતી ઓનલાઈન શોપિંગ કરી શકશે. ખાસ વાત એ છે કે આ માટે AIને યુઝરના ક્રેડિટ કાર્ડની વાસ્તવિક માહિતી આપવાની જરૂર નહીં પડે. આ સર્વિસ શરૂ કરવા માટે OpenAIએ American Express, Mastercard અને Visa સાથે ભાગીદારી કરી છે.
હાલમાં ChatGPT Walletની સુવિધા દુનિયાભરમાં શરૂ કરવામાં આવી નથી. આ ફીચર હાલમાં અમેરિકામાં શરૂ થયું હોવાનો દાવો છે. ત્યાં પણ 18 વર્ષથી વધુ ઉંમરના ChatGPT Pro યુઝર્સને જ આ સુવિધા મળશે. આ માટે યુઝર પાસે અમેરિકામાં જારી કરાયેલું માન્ય પેમેન્ટ કાર્ડ હોવું જરૂરી છે.
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે શરૂઆતના તબક્કામાં AI એજન્ટ પોતાની મરજીથી કોઈ પેમેન્ટ કરી શકશે નહીં. દરેક ખરીદી પહેલાં યુઝરની મંજૂરી અને સુરક્ષા તપાસ જરૂરી રહેશે.
કેવી રીતે કામ કરશે ChatGPT Wallet?
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ChatGPT Wallet ફીચર આખરે કેવી રીતે કામ કરશે? તો આ ફીચરનો ઉપયોગ OpenAIના Dots AI એજન્ટ દ્વારા કરી શકાશે. આ એજન્ટ માત્ર સવાલોના જવાબ આપવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ યુઝરની સૂચના મુજબ અનેક કામ જાતે પૂર્ણ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ યુઝર પોતાના બજેટ પ્રમાણે કોઈ વસ્તુ ખરીદવા માગતો હોય, તો AI એજન્ટ અલગ-અલગ વેબસાઇટ પર જઈને તેની કિંમત અને ફીચર્સની સરખામણી કરી શકશે. ત્યારબાદ તે ઓર્ડર તૈયાર કરી આપશે.
પેમેન્ટ કરતાં પહેલાં ChatGPT યુઝરને વસ્તુની વિગતો, વેબસાઇટ, કુલ કિંમત અને પેમેન્ટની રીત વિશે જાણકારી આપશે. યુઝરની મંજૂરી મળ્યા પછી જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે. આ માટે ફેસ રેકગ્નિશન અથવા ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક તપાસ પણ કરવામાં આવશે.
કાર્ડની માહિતી AI સુધી નહીં પહોંચે
OpenAIની આ સર્વિસમાં સુરક્ષા માટે ટોકનાઇઝેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો તેમાં ક્રેડિટ કાર્ડના અસલ નંબરની જગ્યાએ એક ડિજિટલ ટોકન આપવામાં આવે છે. આ ટોકનની મદદથી પેમેન્ટ કરવામાં આવે છે.
આથી AI એજન્ટને કાર્ડ નંબર અને CVV જેવી અંગત માહિતી મળતી નથી. OpenAIના જણાવ્યા અનુસાર, પેમેન્ટની વાસ્તવિક માહિતી સુરક્ષિત રીતે સર્વિસ પ્રોવાઇડર પાસે રહે છે. કંપનીને માત્ર ટોકન અને કાર્ડ સંબંધિત મર્યાદિત માહિતી જ આપવામાં આવે છે.
જોકે, યુઝર્સે ધ્યાન રાખવું જોઈએ કે ChatGPTની સામાન્ય ચેટમાં કાર્ડ નંબર, CVV અથવા બેંકિંગ OTP જેવી સંવેદનશીલ માહિતી શેર ન કરવી.
ખોટી ખરીદી થાય તો કોની જવાબદારી?
OpenAIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પ્રોડક્ટના વેચાણ, ડિલિવરી અને રિટર્નની જવાબદારી સંબંધિત મર્ચન્ટની રહેશે. AI એજન્ટ વસ્તુની સંખ્યા, કિંમત અથવા ડિલિવરીના સરનામા જેવી વિગતોમાં ભૂલ કરી શકે છે. તેથી પેમેન્ટ કરતાં પહેલાં ઓર્ડરની તમામ વિગતો તપાસવી જરૂરી છે.
હાલમાં આ સુવિધા ભારતમાં શરૂ થઈ નથી. OpenAIએ ભારતમાં તેના લોન્ચની તારીખ અથવા UPI સાથે જોડાણ અંગે પણ કોઈ માહિતી આપી નથી. તેથી ભારતીય યુઝર્સે અત્યારે આ સર્વિસ માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચો : https://sandesh.com/d