Smartphone Jobs 2026: દેશમાં તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં સ્માર્ટફોન કંપનીઓ અને રિટેલ સેક્ટરે અસ્થાયી કર્મચારીઓની ભરતી વધારી દીધી છે. સ્ટાફિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર, 2026ની ફેસ્ટિવ સીઝનમાં સ્માર્ટફોન વેચાણ સાથે જોડાયેલી લગભગ 39,600 અસ્થાયી આવી શકે છે. આ સંખ્યા 2025ની સરખામણીએ લગભગ 34% વધુ હશે.
મોંઘા સ્માર્ટફોનને કારણે કર્મચારીઓની જરૂરિયાત વધી
આ ભરતી પાછળનું મોટું કારણ સ્માર્ટફોનની વધતી કિંમતો છે. મોંઘા ફોનના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી રહી છે. તેથી કંપનીઓ ગ્રાહકોને ફોનના ફીચર્સ સમજાવવા, ફાઇનાન્સ દ્વારા વેચાણ વધારવા અને સ્ટોરમાં પ્રોડક્ટનું વધુ સારું ડેમો આપવા માટે વધુ કર્મચારીઓ રાખી રહી છે.
જાન્યુઆરીથી ઓગસ્ટમાં ભરતી 36% વધી
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં ક્વેસ સ્ટાફિંગ સોલ્યુશન્સના હવાલાથી જણાવાયું છે કે જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન સ્માર્ટફોન રિટેલ સેક્ટરમાં ભરતી ગયા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ 36.3% વધી છે. ઓગસ્ટ 2026માં ભરતીનું સ્તર અત્યાર સુધીનું સૌથી ઊંચું માસિક સ્તર રહ્યું છે. જુલાઈથી ડિસેમ્બર દરમિયાન ફેસ્ટિવ સીઝનની ભરતી લગભગ 39,600 સુધી પહોંચવાની આશા છે. આ 2025ની ફેસ્ટિવ સીઝન કરતાં લગભગ 34% વધારે છે.
કંપનીઓએ અગાઉથી શરૂ કરી તૈયારી
આ વખતે સ્માર્ટફોન બ્રાન્ડ્સ અને મેન્યુફેક્ચર્સે કર્મચારીઓની ભરતી વહેલી શરૂ કરી છે. કંપનીઓ છેલ્લી ઘડીએ ભરતી કરવાને બદલે ફેસ્ટિવ સીઝનના લગભગ 12થી 14 અઠવાડિયા પહેલાં કર્મચારીઓની જરૂરિયાત અને ભરતીનું આયોજન કરી રહી છે. ફેસ્ટિવ સીઝનમાં મોસમી ભરતીમાં 12થી 15% વધારો થવાની આશા છે. તેમાં રિટેલ સ્ટોર, ફીલ્ડ સેલ્સ અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતી નોકરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સમાં પણ નોકરીઓ વધશે
સ્માર્ટફોનની કિંમતો વધવાથી વેચાણની સંખ્યા પર અસર પડી શકે છે. પરંતુ આ જ કારણસર ગ્રાહકોને ફોન ખરીદવા માટે સમજાવતા કર્મચારીઓની જરૂરિયાત વધી છે. ફાઇનાન્સ દ્વારા ફોન ખરીદતા ગ્રાહકોને ખરીદી માટે તૈયાર કરવા અને સ્ટોરમાં ફોનના ફીચર્સનું સારું ડેમો આપવા પર કંપનીઓ વધુ ધ્યાન આપી રહી છે. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સ કંપનીઓએ પણ મોટા પ્રમાણમાં મોસમી કર્મચારીઓની ભરતી શરૂ કરી છે. એક પ્લેટફોર્મ આ સીઝનમાં પોતાના સેલર નેટવર્ક અને લોજિસ્ટિક્સ સિસ્ટમ માટે 10 લાખથી વધુ મોસમી નોકરીઓનું લક્ષ્ય રાખી રહ્યું છે.
લાંબો રહેશે ફેસ્ટિવ સીઝનનો વેચાણ સમય
આ વખતે ફેસ્ટિવ સીઝનનું વેચાણ અભિયાન પણ લાંબું રહેવાની આશા છે. પ્રમોશનલ સીઝન ઓગસ્ટથી શરૂ થઈને નવેમ્બરના મધ્ય સુધી ચાલે તેવી શક્યતા છે. આ કારણે કંપનીઓ કર્મચારીઓને અગાઉથી જોડવાનું શરૂ કરી રહી છે. જોકે, સ્માર્ટફોન સેક્ટરમાં ભરતીની ઝડપ ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સમગ્ર સેક્ટરની સરખામણીએ થોડી ઓછી રહી શકે છે. તેનું કારણ સ્માર્ટફોનની કિંમતોમાં થયેલો ઝડપી વધારો છે, જેના કારણે વેચાણ પર દબાણ આવ્યું છે. આથી કંપનીઓ એવા શહેરો, વિસ્તારો અને બજારોમાં વધુ કર્મચારીઓને તૈનાત કરી રહી છે, જ્યાં વેચાણની શક્યતા વધારે છે.
આ પણ વાંચો: 5G ફોન ખરીદવાનું વિચારો છો? Philips S7221માં મળે છે આ ખાસ ફીચર્સ
