રેલવે હવે ટ્રેનોમાં મુસાફરોને અપાતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવા માટે અત્યંત કડક અને આધુનિક અભિગમ અપનાવી રહી છે. આ હેતુ માટે પેન્ટ્રી કાર અને બેઝ કિચનમાં AI-સક્ષમ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) CCTV કેમેરા લગાવવામાં આવશે, જે ખોરાકની તૈયારીથી લઈને તેની પેકેજિંગ અને ડિલિવરી સુધીની તમામ પ્રક્રિયા પર પળ-પળ નજર રાખશે. રેલવેની આ મહત્વપૂર્ણ પહેલની શરૂઆત હાલમાં પૂર્વ મધ્ય રેલવેના રૂટ પર ચાલતી પ્રીમિયમ અને એક્સપ્રેસ ટ્રેનોથી કરવામાં આવશે.
AI ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા પર નજર
લાંબી મુસાફરી દરમિયાન મુસાફરો ઓન-બોર્ડ કેટરિંગ કે પેન્ટ્રી કારની સેવાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અગાઉ ખોરાક બનતી વખતે સ્વચ્છતાના અભાવ અંગે અનેકવાર સવાલો ઉભા થતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે નવી દિલ્હીમાં IRCTC વોર રૂમની મુલાકાત લઈને કેટરિંગ સેવાની સમીક્ષા કરી હતી અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. પૂર્વ મધ્ય રેલવે હસ્તક હાલ 73 પેન્ટ્રી કાર અને ટ્રેન-સાઇડ વેન્ડિંગ સેવાઓ કાર્યરત છે, જ્યારે બેઝ કિચનની સંખ્યા વધીને 62 થઈ ચૂકી છે. આ તમામ મુખ્ય સ્થળો પર CCTV કેમેરાનું મજબૂત નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે.
