કેન્દ્ર સરકાર દેશમાં રૂફટોપ સોલાર સિસ્ટમ અને વીજળી બિલ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. વીજળી મંત્રાલયે 'વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો, 2020' માં સુધારો કરતો એક નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવિત નિયમો મુજબ, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ક્ષમતાની સોલાર પેનલ લગાવનારા ગ્રાહકો માટે બેટરી સ્ટોરેજ સિસ્ટમ લગાવવી ફરજિયાત બની શકે છે અને ગ્રીડમાં વધુ વીજળી મોકલવા બદલ નેટ મીટરિંગનો વધારાનો ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે.
10 kW થી વધુની સિસ્ટમ પર બેટરી ફરજિયાત
નવા પ્રસ્તાવ અનુસાર, રાજ્ય વીજળી નિયમનકારી કમિશન (SERCs) નક્કી કરશે કે કેટલી ક્ષમતાના સોલાર પ્લાન્ટ માટે બેટરી સ્ટોરેજ જરૂરી રહેશે. જો રાજ્ય કમિશન કોઈ અલગ મર્યાદા નક્કી ન કરે, તો 10 kW થી વધુ ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પર આ નિયમ લાગુ થશે. દરખાસ્ત મુજબ, 1 એપ્રિલ, 2028 થી સોલાર સિસ્ટમના દૈનિક વીજ ઉત્પાદનના ઓછામાં ઓછા 20 ટકા જેટલી ક્ષમતાની બેટરી લગાવવી પડશે, જેથી દિવસ દરમિયાન સંગ્રહાયેલી વીજળીનો ઉપયોગ રાત્રે કરી શકાય.
નેટ મીટરિંગ ચાર્જ અને નાના ગ્રાહકોને રાહત
હાલમાં ગ્રાહકો દિવસ દરમિયાન વધારાની વીજળી ગ્રીડમાં મોકલે છે અને રાત્રે ગ્રીડમાંથી વીજળી વાપરે છે, જેનાથી વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) પર નેટવર્ક ખર્ચનો બોજ વધે છે. આ બોજ ઘટાડવા માટે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પર નેટ મીટરિંગ ચાર્જ લાદવાનો પ્રસ્તાવ છે. જોકે, નિષ્ણાતોના મતે મોટાભાગના નાના ઘરેલુ ગ્રાહકો રાજ્ય કમિશનની મર્યાદામાં આવતા હોવાથી તેમને આ વધારાના ચાર્જમાંથી મુક્તિ મળશે. આ નિયમની મુખ્ય અસર મોટા મકાનો, કોમર્શિયલ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો પર પડશે.
અસામાન્ય વીજ બિલ સામે ગ્રાહકોને સુરક્ષા
આ ડ્રાફ્ટમાં સામાન્ય વીજ ગ્રાહકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. જો કોઈ ગ્રાહકનું માસિક વીજ બિલ પાછલા છ બિલની સરેરાશ કરતાં પાંચ ગણું વધારે અથવા પાંચમા ભાગથી ઓછું આવે, તો ડિસ્કોમે 30 દિવસમાં તેની તપાસ કરીને સુધારો કરવો પડશે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક પાછલા છ બિલની સરેરાશ રકમ ભરી દે, તો તેમનું વીજ કનેક્શન કાપી શકાશે નહીં.
આ પણ વાંચોઃ ભંગાર નહીં પણ કમાણીનું સાધન, નિવૃત્ત ટ્રેન કોચમાંથી ભારતીય રેલવે કેવી રીતે કરે છે કરોડોની આવક?