સીમ કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે અમુક પ્રકારના પગલા લઇ લેવા જરૂરી છે. સીમ ખોવાઈ જાય કે પછી ચોરાઇ જાય ત્યારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને એ જ નંબરનું નવું સીમ મેળવવાની યોગ્ય પ્રક્રિયા શું છે, તેના વિશે જાણીએ.
સીમ કાર્ડ તરત બ્લોક કરાવો
સીમ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે તેને તરત બ્લોક ન કરાવવું સૌથી મોટી ભૂલ છે. જો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને ફોન કરીને નંબર બ્લોક નહીં કરાવો, તો ચોર તમારા નંબર પર આવતા બેંક અને સોશિયલ મીડિયાના OTPનો ખોટો ઉપયોગ કરી શકે છે.
બેંક અને UPI એકાઉન્ટ સુરક્ષિત ન કરી દો
માત્ર સીમ બ્લોક કરાવવું પૂરતું નથી. સીમ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે તરત તમારી બેંકને જાણ કરો, જેથી UPI અને નેટ બેંકિંગ સેવાઓને થોડા સમય માટે બંધ કરી શકાય. આ ઉપરાંત, તમારા તમામ જરૂરી એકાઉન્ટ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના પાસવર્ડ શક્ય તેટલા વહેલા બદલી નાખો.
તરત પોલીસ ફરિયાદ કરો
જો સીમ ચોરાઇ ગયું હોય તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા ઓનલાઈન પોર્ટલ પર સીમ અને ચોરાઈ જવાની ફરિયાદ નોંધાવો. ત્યારબાદ ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ પર જઈને ખોવાયેલા મોબાઈલનો IMEI નંબર દાખલ કરો અને મોબાઈલને સંપૂર્ણ રીતે બ્લોક કરી દો.
નવું સીમ મેળવવાની સરળ અને યોગ્ય પ્રક્રિયા
જૂનો નંબર બ્લોક કરાવ્યા બાદ તમારા નજીકના ટેલિકોમ સ્ટોર પર જાઓ. ત્યાં તમારું મૂળ ઓળખપત્ર અને FIRની ફોટોકોપી જમા કરાવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરો. ત્યારબાદ કંપની તમને એ જ નંબરનું નવું ડુપ્લિકેટ સીમ કાર્ડ આપી દેશે, જે થોડા કલાકોમાં શરૂ થઈ જશે.