દેશમાં ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઈન લેવડદેવડ વધવાની સાથે સાયબર ઠગોએ લોકોને ફસાવવા માટે નવી અને ખતરનાક રીતો અપનાવવાનું શરૂ કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વિશેષ અભિયાન ૬.૦ હેઠળ ગ્રાહકોને એક અત્યંત ચોંકાવનારી છેતરપિંડી અંગે સચેત કર્યા છે, જેને 'જમ્પ્ડ ડિપોઝિટ કૌભાંડ' (Jumped Deposit Scam) નામ આપવામાં આવ્યું છે. આ કૌભાંડમાં ઠગ લોકોના બેંક ખાતામાં અચાનક નાની રકમ જમા કરાવે છે અને પછી અલગ-અલગ બહાના બનાવીને મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ જમ્પ્ડ ડિપોઝિટ કૌભાંડ?
આ સાયબર ફ્રોડની પદ્ધતિ બહુ જ ચાલાક હોય છે. સૌપ્રથમ, છેતરપિંડી કરનાર વ્યક્તિ પીડિતના બેંક ખાતામાં કોઈ નાની રકમ (દા.ત. થોડા રૂપિયા કે સો-બસો રૂપિયા) UPI કે અન્ય માધ્યમથી જમા કરાવે છે. થોડા સમય પછી, ઠગ પીડિતનો સંપર્ક કરીને દાવો કરે છે કે આ નાણાં ભૂલથી અથવા આકસ્મિક રીતે ટ્રાન્સફર થઈ ગયા છે અને તેને તાત્કાલિક પરત કરવામાં આવે.
જ્યારે ગ્રાહક ભોળાભાવે કે વિશ્વાસમાં આવીને તે પૈસા પરત કરવા માટે સંમત થાય છે, ત્યારે ઠગ દ્વારા એક મોટી UPI ચુકવણીની રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. આ વિનંતી અગાઉ જમા કરાયેલી રકમ કરતા ઘણી મોટી હોય છે. જો ગ્રાહક ઉતાવળમાં કે પૂરતી ચકાસણી કર્યા વિના આ વિનંતીને મંજૂર (Approve) કરી દે છે, તો તેના બેંક ખાતામાંથી હજારો કે લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. ઠગ સામાન્ય રીતે લોકોમાં ગભરાટ ફેલાવીને કે કટોકટીની સ્થિતિ ઊભી કરીને ઝડપથી નિર્ણય લેવા માટે દબાણ કરે છે.
જો ખાતામાં અજાણી રકમ દેખાય તો શું કરવું?
SBI ના જણાવ્યા અનુસાર, જો તમારા બેંક ખાતામાં કોઈ અજાણી રકમ જમા થયેલી જોવા મળે, તો તેને પરત કરવા માટે જાતે કોઈ વ્યવહાર કે ટ્રાન્સફર શરૂ કરવું નહીં. આ માટે નીચે મુજબની કાળજી રાખવી અનિવાર્ય છે:
1. સૌપ્રથમ તમારી બેંકના સત્તાવાર હેલ્પલાઇન નંબર અથવા હોમ બ્રાંચનો સંપર્ક કરીને આ રકમ વિશે સત્તાવાર તપાસ કરો અને બેંકની પ્રક્રિયા મુજબ જ આગળ વધો.
2. કોઈપણ એવી UPI ચુકવણી વિનંતીને મંજૂર ન કરો જે તમે જાતે શરૂ કરી ન હોય.
3. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ ફોન પર દબાણ કરે, તો તે નંબરને તરત જ બ્લોક કરો અને સાયબર ક્રાઈમ અથવા બેંકને જાણ કરો.
4. બેંક કૉલ્સની અધિકૃતતા ચકાસો; ઉદાહરણ તરીકે, SBI એ સ્પષ્ટ કર્યું છે કે 1600 થી શરૂ થતા નંબરો પરથી આવતા કૉલ્સ સુરક્ષિત હોય છે.
આ પણ વાંચોઃ UPI યુઝર્સ ખુશ થાઓ!દિવાળી સુધી ટળ્યો UPI પેમેન્ટ ચાર્જ , તહેવાર બાદ આવશે નવી તારીખ