જો તમારો મોંઘોદાટ iPhone ક્યારેય ચોરાઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય, તો તેને પાછો મેળવવાની આતુરતામાં એક નાની ભૂલ તમારા માટે મોટી મુસીબત બની શકે છે. આજકાલ સાયબર ગુનેગારો લોકોની આ જ ચિંતા અને લાગણીનો ગેરલાભ ઉઠાવીને એક નવું ફિશિંગ કૌભાંડ ચલાવી રહ્યા છે. જો ફોન ખોવાયાના થોડા દિવસો પછી તમને એવો કોઈ મેસેજ કે ઈમેલ મળે કે તમારો iPhone મળી ગયો છે, તો ખુશ થવાને બદલે અત્યંત સાવચેત થઈ જવાની જરૂર છે.

નવા કૌભાંડ અંગે ગંભીર ચેતવણી અપાઇ

ગૃહ મંત્રાલય અને ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આ નવા કૌભાંડ અંગે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓ અસલી દેખાય તેવા નકલી સંદેશાઓ મોકલીને લોકો પાસેથી તેમનું Apple ID, પાસવર્ડ અને OTP જેવી અત્યંત સંવેદનશીલ માહિતી ચોરી રહ્યા છે. એકવાર આ માહિતી હાથ લાગી જાય, પછી ચોરાયેલો ફોન કાયમ માટે અનલોક થઈ જાય છે એટલું જ નહીં, પરંતુ પીડિતના બેંક ખાતા પર પણ મોટું જોખમ તોળાઈ શકે છે.

આ ઠગાઈ કેવી રીતે થાય છે? 

જ્યારે લોકો સોશિયલ મીડિયા પર ફોન ખોવાયાની પોસ્ટ મૂકે છે અથવા 'Find My' એપમાં 'Lost Mode' ચાલુ કરીને લોક સ્ક્રીન પર પોતાનો નંબર છોડે છે, ત્યારે સાયબર અપરાધીઓ તે નંબર અને ડેટા લીકમાંથી ઈમેલ મેળવીને ટાર્ગેટ કરે છે. તેઓ "Apple Support" ના નામે અસલી જેવો જ દેખાતો SMS કે ઈમેલ મોકલે છે, જેમાં ફોન ટ્રેક કરવા કે અનલોક કરવા માટે એક લિંક આપેલી હોય છે. આ નકલી વેબસાઇટ પર વિગતો ભરતા જ ચોરોને ફોનનું 'એક્ટિવેશન લોક' હટાવવામાં સફળતા મળી જાય છે.

સાયબર સુરક્ષા એજન્સીઓએ કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવા જણાવ્યું 

1. એપલ ક્યારેય પણ ફોનનું લોકેશન ટ્રેક કરવા માટે એસએમએસ કે લિંક મોકલતું નથી. આવી શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક ન કરવું.

2. ખોવાયેલા ફોનની સાચી સ્થિતિ માત્ર અધિકૃત iCloud વેબસાઇટ અથવા અન્ય એપલ ડિવાઇસ પર 'Find My' એપ દ્વારા જ તપાસવી.

3. અજાણી વ્યક્તિના કહેવાથી તમારા એપલ એકાઉન્ટમાંથી ચોરાયેલું ડિવાઇસ ક્યારેય રિમૂવ ન કરવું, કારણ કે તેનાથી ચોર માટે ફોન અનલોક કરવો સરળ બની જાય છે.

4. હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્રિય રાખો અને તમારો પાસવર્ડ કે OTP ક્યારેય કોઈની સાથે શેર ન કરો.

આ પણ વાંચોઃ  Earth's Movement: દુનિયા અબજો લોકો એક સાથે કૂદો તો પૃથ્વીના જે હાલ થશે એ જાણીને ચોંકી જશો..